બાંધકામની પરવાનગી આપતી વખતે બહુમાળી મકાનોની ક્ષમતા પ્રમાણે પાર્કિંગની જોગવાઇ વગર મંજૂરી આપી દીધા બાદ હવે તબેલા તાળા મારવાની કસરત થશે
રાજકોટ મહાનગરપાલિકા પોલીસને સાથે રાખીને બનાવી રહી છે નવી પાર્કિંગ પોલીસી
રાજકોટમાં આવી રહ્યો છે નવો પાર્કિંગ મેપ
અંગ્રેજીમાં પેંડોરા બોકસ ખોલવું એક એવી કહેવત છે. આપણે જેને મધપૂડો છંછેડવાનું કહીએ છીએ તેવા પ્રકારની પ્રવૃતિને પેંડોરા બોકસ ખોલ્યુ કહેવાય. મનપા તંત્રએ અચાનક જાગીને હવે રાજકોટ શહેરમાં ઇમારતોની બહાર ખાસ કરીને બહુમાળી ઇમારતોની બહાર ગેસ્ટ પાર્કિંગ બહાર ફરજીયાત કરાવતા બિલ્ડીંગો સામે પગલા લેવાની તૈયારી કરી રહી છે. આ માટે જીડીસીઆર અને જીપીએમસીના નિયમોનો અભ્યાસ શરૂ કરાયો છે. પોલીસને સાથે રાખી રાજકોટનું રોડમેપીંગ થઇ રહ્યું છે. પરંતુ ખાટલે મોટી ખોટ એ છે કે બહુમાળી ઇમારતોને મનપા તંત્રએ ધડાધડ મંજૂરી દઇ દીધી ત્યારે ફલેટની સંખ્યા અને સંભવિત વાહનોની સંખ્યા અને પાર્કિંગની જોગવાઇઓને નજર અંદાજ કરી કમ્પ્લીશન આપી દીધા હતાં. હવે આ કાયદાનો અમલ કરવાની વાત આવશે ત્યારે વિવાદનો મધપૂરો છંછેડાશે અને લોકોની હેરાનગતિ વધશે.
રાજકોટ શહેરનાં ઢેબર રોડ, ધર્મેન્દ્ર રોડ સહિતનાં જૂના વિસ્તારો તેમજ કેટલાક નવા વિસ્તારોમાં પાર્કિંગની ગંભીર સમસ્યા જોવા મળી રહી છે. લાંબા સમયથી પોલીસ અને મનપા તંત્ર દ્વારા આ સમસ્યા ઉકેલવાનાં વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જોકે હજુ પણ આ સમસ્યા યથાવત છે, ત્યારે મ્યુ. કમિશનર આનંદ પટેલે ફરી એકવાર રાજકોટ શહેરમાંથી પાર્કિંગ સમસ્યાને દૂર કરવા કવાયત હાથ ધરી છે. જેમાં પોલીસ તેમજ વિવિધ વિસ્તારનાં વેપારીઓ સાથે બેઠકો યોજી પાર્કિંગ માટેની પોલિસી તૈયાર કરવામાં આવશે. જેમાં ‘ગેસ્ટ પાર્કિંગ બહાર’ સહિતની બાબતે મહત્વના નિર્ણયો લેવાય તેવી શક્યતા છે.
આ અંગે મ્યુ. કમિશનર આનંદ પટેલે જણાવ્યું હતું કે, લાંબા સમયથી પાર્કિંગ માટે રજૂઆતો મળી રહી છે. જેમાં ખાસ કરીને ગેસ્ટ પાર્કિંગ માટેની રજૂઆતો પણ મળી છે. જેમાં ગેસ્ટ માટે પાર્કિંગ હોવા છતાં તેમના વાહનોને બહાર પાર્ક કરવામાં આવી રહ્યા હોવાનું જણાવાયું છે. આ રજૂઆતોને ધ્યાનમાં રાખીને જીડીસીઆરમાં તેની શું જોગવાઈ હોય? અને જીપીએમસી એક્ટ મુજબ કાર્યવાહી કરી શકાય કે કેમ? તેનો અભ્યાસ કરવામાં આવશે. તેમજ ડેવલોપર્સ સાથે પણ આ મામલે ચર્ચા કરવામાં આવશે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, પાર્કિંગ અને ટ્રાફિકની બાબતમાં પોલીસનો પણ મહત્વનો રોલ હોય છે. જેને લઈને ટ્રાફિક પોલીસ સાથે આ અંગે સંકલન સાધવામાં આવશે. ત્યારબાદ કાયદાની જોગવાઈઓ મુજબ જો કોઈ ખાસ પોલીસી બનાવવી પડે તો તે બનાવાશે અને જો કોઈ નિયમોમાં ફેરફાર કરવાની જરૂર જણાશે તો નિયમોમાં બદલાવ કરવામાં આવશે. હાલ સમગ્ર મામલે અન્ય મહાનગરપાલિકામાં કોઈ નીતિ નિર્ધારિત થઈ છે કે કેમ? તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે, નવા રાજકોટમાં પણ મોટા ભાગના હાઇરાઇઝ બિલ્ડીંગોમાં ‘ગેસ્ટ પાર્કિંગ બહાર’નાં બોર્ડ જોવા મળતા હોય છે. કેટલાક બિલ્ડીંગો બહાર ગેસ્ટ પાર્કિંગ હોવાથી રસ્તા પરથી પસાર થતાં ટ્રાફિકમાં આ વાહનો નડતરરૂપ થતા હોય છે, ત્યારે જે-તે બિલ્ડિંગમાં જ ગેસ્ટ માટે પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવે તો પણ ટ્રાફિકની સમસ્યામાં મોટી રાહત મળવાની શક્યતા છે. જોકે અગાઉ આ મુદ્દે અનેકવાર ચર્ચાઓ થઈ છે, પરંતુ હજુ સુધી કોઈ ચોક્કસ પગલાં લેવાયા નથી, ત્યારે મ્યુ. કમિશનર દ્વારા શરૂ કરવામાં આવેલી આ કવાયત ક્યારે અને કેટલી સફળ થશે તે તો આવનારો સમય બતાવશે.