અયોધ્યા ચોક પાસે કોઇને નડતરરૂપ ન થાય એ રીતે રખાતી ફૂડ કોર્ટ જપ્ત કરવાની ધમકી, જગ્યા ખાલી કરાવાઇ
રાજકોટમાં ભાજપની સરકાર અને ભાજપ શાસિત મહાનગરપાલિકા તંત્ર માટે ગરીબોનું કોઇ જ મહત્વ નથી. તેવુ વધુ એકવાર સાબિત કરતી નિર્દયી કડકાઇ આપ બળે પગભર થવાની કોશિશ કરતા થેલેસેમિયાગ્રસ્ત બે તરૂણો સાથે મનપાની જગ્યા રોકાણ શાખા કરી રહી છે. શરીરે અશક્ત એવા પાયલબેન કિરીટભાઇ વેગડ તેમજ અમિત હરેશભાઇ પરમાર નામના આ બે તરૂણો દોઢસો ફૂટ રિંગરોડ પર અયોધ્યા ચોક નજીક નાની એવી ફૂડ કાર્ટ(રેકડી) રાખીને બે ટંકનો રોટલો કમાય રહ્યા છે. ટ્રાફિકને નડતરરૂપ પણ નથી. આમછતાં જગ્યા રોકાણ શાખાનો નિર્દયી સ્ટાફ ફૂડ કાર્ટ(રેકડી) જપ્ત કરી લેવાની ધમકી આપી જગ્યા ખાલી કરાવવા કનડગત કરવામા આવી રહી છે. થેલેસેમિયાગ્રસ્ત આ બન્ને તરૂણોએ મ્યુનિ.કમિશનરને આવેદન આપીને જગ્યા પર ઉભા રહેવાની પરવાનગી આપવા રજૂઆત કરી હતી.
શહેરના શિતલ પાર્ક ચોકડી પાસે મનપાની સહીદ સુખદેવ વેગડાં તેમજ બેડીપરામાં પારેવડી ચોક નજીક મહાત્મા ગાંધી પ્લોટમાં રહેતા અમિત હરેશભાઇ પરમારે મ્યુનિ.કમિશનરને કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યુ છે કે, અમે થેલેસીમિયાના દર્દીઓ છીએ. અમારા પરિવારની આર્થિક સ્થિતિ ખુબ જ નબળી છે. અમારી બીમારી અને શારીરિક અશક્ત હાલતને લઇને કોઇ નોકરીએ રાખતા નથી. પરિવારને મદદરૂપ થવા માટે અમે કરકસરથી બચાવેલા થોડાઘણા પૈસાનું રોકાણ કરી એક ફૂડ કાર્ટ(રેકડી) રાખીને ધંધો કરીએ છીએ. ત્રણ મહિનાથી જ ધંધો શરૂ કર્યો છે. ભગવાનની કૃપાથી ધંધામાં બરકત પણ આવી છે. અયોધ્યા ચોક પાસે રેકડી રાખીએ છીએ. ત્યા ટ્રાફિકને કોઇપણ પ્રકારે નડતરરૂપ નથી. કોઇ ન્યૂસન્સ પણ નથી. આમછતાં મહાનગરપાલિકાની જગ્યા રોકાણ શાખાનો સ્ટાફ હેરાનગતિ કરવા આવે છે. રેકડી જપ્ત કરવાની ધમકી આપી જગ્યા ખાલી કરાવે છે. અમારી આર્થિક પરિસ્થિતિ અને બીમારીને ધ્યાનમાં રાખીને અમને આ જગ્યાએ ઉભા રહેવાની પરવાનગી આપવામા આવે તેવી માગણી સાથે બન્ને તરૂણોએ મ્યુનિ.કમિશનરને લેખિત રજૂઆત કરી હતી.
શારીરિક અશક્તિને જોતા કોઇ નોકરીએ રાખતા નથી
પાયલ અને અમિતે ભારે દુ:ખ સાથે કહ્યુ હતુ કે, થેલેસેમિયાની બીમારીથી અમે શરીરે અશક્ત છીએ. અમારી હાલત જોઇને ક્યાંય નોકરી મળતી નથી. કોઇ નોકરીએ રાખવા તૈયાર નથી. અમારે જાવુ તો ક્યાં જવુ? પરિવારની આર્થિક સ્થિતિ પણ નબળી છે. કોઇની પાસે હાથ લાંબો કરવો નથી. આપ બળે પગભર થવા માટે નાના પાયે ફૂડ બિઝનેસ ચાલુ કર્યો છે. માનવતાની દ્રષ્ટિએ અમને તંત્રની કનડગત વગર રોજીરોટી કમાવવાની મંજૂરી આપવામા આવે તેવી લેખિત રજૂઆત કરી છે.
શારીરિક સ્થિતિ એવી નથી કે રોજ રેકડી લાવવા-મુકવામાં મુશ્કેલી પડે છે
થેલેસેમિયાની બીમારીના કારણે શરીરથી સ્ફૂર્તિલા નથી. રોજ રેકડી લઇ જવા-મુકવામા ખુબ શારીરિક તફલિફ પડે છે. રિતસર હાફ ચડી જાય છે. કોઇને નડતરરૂપ ન હોય એવી જગ્યાએ ફૂડ કાર્ટ(રેકડી) રાખી શકીએ તો ઘણી રાહત થાય. તેવી રજૂઆત થેલેસીમિયાગ્રસ્ત પાયલ અને અમીતે કરી છે. મનપા તંત્ર એક માનવતાની દ્રષ્ટિએ સ્પેશિયલ કેસ તરીકે આ બને પીડિતોને કનડગત ન કરે એ જરૂરી છે.