રોડ અને રસ્તાની સુવિધાથી ત્રણ મહિનાથી વંચીત રાજદીપ સોસાયટીના લોકોનો વિરોધ
મનપા વિરૂધ્ધ ઉગ્ર સુત્રોચ્ચાર, થાળી વગાડી ૪૦ ફુટનો મેઇન રોડ બ્લોક કરી આક્રોશ ઠાલવ્યો
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટમાં વાઇબ્રન્ટ અંતર્ગત સ્થાનિક તંત્ર દ્વારા રોડ-રસ્તા અને પ્રાથમિક સુવિધા બાબતે સજાગ થયું હતું અને વિદેશી ડેલીગેટસ તેમજ વડાપ્રધાનના રૂટ પરના રોડ-રસ્તાઓ ચકાચક કરવામાં આવ્યા હતાં. રાતોરાત તંત્ર દ્વારા રોડ બનાવવામાં આવ્યા હતાં પરંતુ વિવિધ સોસાયટીઓમાં રોડ-રસ્તા અને પ્રાથમિક સુવિધાઓ બાબતે સ્થાનીકો હેરાન-પરેશાન થઇ રહયાં છે. સ્થાનીકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
રાજકીય નેતાઓ અને મંત્રીઓના આગમન સમયે જ તંત્ર દ્વારા સુવિધાઓનું રાતોરાત નિર્માણ કરવામાં આવે છે. જયારે સામાન્ય પ્રજાની રજુઆત સામે ધૃતરાષ્ટ્ર નિતી અપનાવવામાં આવે છે. છેલ્લા ત્રણ મહિનાથી રજુઆત કરવા છતા પણ તંત્ર દ્વારા ધ્યાન આપવામાં આવતું નથી તેવા આક્ષેપ કરવામાં આવ્યા હતાં.
રાજકોટના 150 ફૂટ રિંગ રોડ ઓમનગર સર્કલ પાસે આવેલી રાજદીપ સોસાયટીના રહીશોએ રોડ-રસ્તાના પ્રશ્ને ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતું. સ્થાનિકોએ 40 ફૂટના મેઈન રોડને બ્લોક કરી દીધો હતો અને મ્યુનિસિપલ કોર્પોરેશન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમજ થાળીઓ વગાડી આક્રોશ ઠાલવ્યો હતો. સ્થાનિક મહિલા હંસાબેન મોવૈયા આક્ષેપ કર્યો હતો કે, છેલ્લા 3 મહિનાથી રોડ બનાવવા માટે રજૂઆતો કરવામાં આવી રહી છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ સંતોષકારક જવાબ મળતો નથી.
અધિકારીઓએ 10 તારીખ સુધીમાં કામ પૂર્ણ કરવાની ખાતરી આપી હોવા છતાં, આજદિન સુધી કોઈ કામગીરી શરૂ કરવામાં આવી નથી. આ રોડની બિસ્માર હાલતને કારણે ખાસ કરીને શાળાએ જતા બાળકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. અનેક બાળકો સાયકલ પરથી પડી જવાની ઘટનાઓ પણ બની છે. જો અમે નિયમિત મકાન વેરો અને અન્ય ટેક્સ ભરતા હોય, તો તેમને પાયાની સુવિધા કેમ નથી મળતી? જો આગામી દિવસોમાં રોડનું કામ શરૂ નહીં થાય તો સોસાયટીની શેરીઓ બંધ કરવાની ચીમકી પણ તેમણે ઉચ્ચારી હતી.


