કોંગ્રેસે ભાજપના પાપની પોથી-તોહમતનામુ જાહેર કર્યુ
રાજકોટમાં રસ્તા ઓછા ભાજપના ભ્રષ્ટાચારના ખાડા વધારે : કોંગ્રેસ
ગંદકી, TRP સત્તાધીશો દ્વારા સત્તાનો દુરૂપયોગ સહિતના ૧૪ મુદ્દે ભાજપ પર આકશ પ્રહાર
સ્થાનિક સ્વરાજયની ચૂંટણી પહેલા વિવિધ મુદ્દે સત્તાધારી પક્ષને ઘેરવા કોંગ્રેસે તૈયાર કરી રણનીતિ
અગ્ર ગુજરાત, રાજકોટ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ ડૉ. ઇન્દ્રવિજયસિંહ ગોહિલ દ્વારા આજ ની પ્રેસ કોન્ફરન્સમાં “ભાજપના પાપની પોથી – તોહમત નામું” જાહેર કરવામાં આવ્યું છે, જેમાં રાજકોટ મહાનગરપાલિકાના ભ્રષ્ટાચાર અને કુશાસનના અનેક ગંભીર મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા હતા.
કોંગ્રેસે જણાવ્યું હતું કે TRP ગેમ ઝોન દુર્ઘટના – મહાનગરપાલિકાની બેદરકારીનો જીવલેણ કિસ્સો, મહાનગરપાલિકાના ભ્રષ્ટાચાર, બેદરકારી અને નિયમોની અવગણનાનું સૌથી મોટું ઉદાહરણ છે. ભાજપના ઘણા કોર્પોરેટરો સામે ભ્રષ્ટાચારના આક્ષેપો હોવા છતાં કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી નથી, જે ભાજપ અને ભ્રષ્ટાચાર વચ્ચેના ગાઢ સંબંધને દર્શાવે છે.
સત્તાધીશો માટે અલગ નિયમ અને સામાન્ય નાગરિકો માટે અલગ વલણ અપનાવવામાં આવી રહ્યું છે. રોડ રસ્તાના નિર્માણમાં ભાજપનો ભ્રષ્ટાચાર સોળે કળાએ ખીલેલો જોવા મળે છે. રાજકોટમાં રસ્તા ઓછા અને તેમાં ખાડા વધારે છે. જનતાના પૈસે બનતા રોડ એક વરસાદનો માર પણ જીલી શકતા નથી.
શહેરમાં ગંદકીનો પ્રશ્ન વર્ષોથી યથાવત છે, છતાં કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી. ઠેર ઠેર પ્રસરેલી ગંદકી ભાજપની બ્રાન્ડ એમ્બેસેડર છે. દરેક નાના-મોટા કામ માટે કમિશન આપવાની ફરજ પડે છે. કોઈપણ કામ કમિશન વગર મહાનગરપાલિકામાં પત્તું પણ હલતું નથી.
ટીપરવાન યોજનામાં ₹1100 કરોડના કોન્ટ્રાક્ટમાં કરોડોનો ભ્રષ્ટાચાર થયો છે. સત્તાનો દુરુપયોગ કરીને ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હોય તેની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
સરકારી જમીન પર સત્તાનો ઉપયોગ કરીને બંગલો ઉભો કરાયો છે. સમગ્ર રાજકોટની જનતા જાણે છે છતાં કોઈ કાર્યવાહી આજ સુધી કરવામાં આવી નથી. મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સિટી બસ વ્યવસ્થામાં ગેરરીતિ અને ભ્રષ્ટાચાર ખુલ્લેઆમ ચાલે છે. પાણી અને ડ્રેનેજ પ્રોજેક્ટમાં ખામી અને ગેરરીતિને કારણે નાગરિકોને ભારે હાલાકી ભોગવવી પડે છે.
ફાયર સેફ્ટી પરવાનાઓમાં ગંભીર ગેરવહીવટ અને બેદરકારીના મુદ્દાઓ પણ રજૂ કરવામાં આવ્યા. મહાનગરપાલિકા સંચાલિત શાળાઓ તથા શૈક્ષણિક સંસ્થાઓમાં સાધનોની ખરીદી, બિલ્ડિંગ મેન્ટેનન્સ, સ્ટાફ ભરતી અને વિવિધ યોજનાઓના અમલીકરણમાં ભારે ગેરરીતિ અને ભ્રષ્ટાચારના આક્ષેપો સામે આવ્યા છે. વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે સીધો સંબંધ ધરાવતા શિક્ષણ ક્ષેત્રમાં પણ કમિશનખોરી અને બેદરકારીને કારણે ગુણવત્તાયુક્ત શિક્ષણ અને જરૂરી સુવિધાઓથી વિદ્યાર્થીઓ વંચિત રહી રહ્યા છે. શાળાઓમાં મૂળભૂત સુવિધાઓ, સફાઈ, પીવાનું પાણી, સ્માર્ટ ક્લાસ અને મરામતના કામોમાં પણ ભ્રષ્ટાચારના કારણે વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ભારે અસંતોષ જોવા મળે છે.
જનતાના આરોગ્ય સાથે સીધો સંબંધ ધરાવતા વિભાગમાં પણ કમિશનખોરી અને ભ્રષ્ટાચારને કારણે નાગરિકોને યોગ્ય આરોગ્ય સેવાઓ મળતી નથી. ડેન્ગ્યુ, મેલેરિયા અને ચોમાસામાં ફેલાતી બીમારીઓ સામે પૂરતી કામગીરી થતી નથી, જે તંત્રની નિષ્ફળતા દર્શાવે છે.
પ્રેસ કોન્ફરન્સ સંબોધતા ડૉ. ઇન્દ્રવિજયસિંહ ગોહિલે જણાવ્યું કે ભાજપના શાસનમાં રાજકોટ મહાનગરપાલિકા ભ્રષ્ટાચારનું કેન્દ્ર બની ગઈ છે અને પ્રજાને મૂળભૂત સુવિધાઓથી વંચિત રાખવામાં આવી રહી છે. શિક્ષણ જેવી પવિત્ર વ્યવસ્થામાં પણ ભ્રષ્ટાચાર ઘૂસી ગયો છે, જેના કારણે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ભાજપ શાસિત તંત્ર ખુલ્લેઆમ ચેડાં કરી રહ્યું છે.કોંગ્રેસ પક્ષ આ તમામ મુદ્દાઓને લઈને જનહિતમાં લડત આપશે. તેમજ આ સાથે વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠીયાએ જણાવ્યું હતું કે જનરલ બોર્ડમાં અમે વારંવાર રાજકોટની પ્રજાના મૂળભૂત પ્રશ્નો — રોડ, પાણી, સફાઈ, ડ્રેનેજ, સ્ટ્રીટ લાઈટ અને નાગરિક સુવિધાઓ અંગે તંત્રનું ધ્યાન દોર્યું હતું. પ્રજાલક્ષી અનેક પ્રશ્નો માટે કોંગ્રેસે સતત મજબૂત અવાજ ઉઠાવ્યો અને દરેક મુદ્દે લડત આપી હતી. પરંતુ દુર્ભાગ્ય એ છે કે આ મુંગું અને નિષ્ફળ તંત્ર પ્રજાના પ્રશ્નો ઉકેલવા કરતાં માત્ર ભ્રષ્ટાચાર, કમિશનખોરી અને સત્તાના અહંકારમાં જ વ્યસ્ત રહ્યું. રાજકોટની જનતા જે રોડના ખાડા, ગંદકી, પાણી અને ડ્રેનેજની સમસ્યાઓ ભોગવી રહી છે, તે આ ભાજપ શાસિત તંત્રની નિષ્ફળતા અને બેદરકારીનું પરિણામ છે.
ભાજપના રાજમાં પ્રજાને વચનો જ મળ્યા : પ્રમુખ
રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ડૉ. રાજદીપસિંહ જાડેજા એ જણાવ્યું કે આવતી ચૂંટણી માત્ર મતદાન નથી. આ રાજકોટના ભવિષ્યનો નિર્ણય છે. છેલ્લા કેટલાય વર્ષોથી ભાજપના શાસનમાં પ્રજાને વચનો મળ્યા, પરંતુ હકીકતમાં ભ્રષ્ટાચાર, બેદરકારી અને મુશ્કેલીઓ જ મળી છે.
આજે રાજકોટનો સામાન્ય માણસ રોજિંદા પ્રશ્નોથી પરેશાન છે — રોડ, પાણી, સફાઈ જેવી મૂળભૂત સુવિધાઓ માટે પણ લોકો ભટકી રહ્યા છે. આ સ્થિતિ બદલવાની શક્તિ હવે માત્ર જનતા પાસે છે. કોંગ્રેસ પક્ષ વચન નહીં, વિશ્વાસ લઈને તમારી વચ્ચે આવ્યો છે. અમે રાજકોટને પારદર્શક શાસન, જવાબદાર વ્યવસ્થા અને જનહિતના વિકાસ તરફ લઈ જવાનો સંકલ્પ કરીએ છીએ. આ વખતે મત માત્ર પાર્ટી માટે નહીં, રાજકોટના ભવિષ્ય માટે આપવાનો છે. હવે સમય છે — રાજકોટને નવી દિશા આપવા માટે યોગ્ય નિર્ણય લેવાનો.


