ક્રાઇસ્ટ કોલેજ પાસે મોડી રાત્રે દિપડો દેખાવાના સમાચારથી જંગલ તંત્રની તપાસ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટના સીમ વિસ્તારમાં હજુ દિપડાની દહેશત યથાવત રહી છે. કોઇને કોઇ વિસ્તારમાં દીપડો સીસીટીવીમાં અથવા લોકોની નજરે ચડયો છે. ગતરાત્રીના મુંજકા આગળ ક્રાઇસ્ટ કોલેજ પાસે દીપડાએ દેખા દીધાના સમાચાર જંગલ ખાતાને મળ્યા છે. જંગલ ખાતાના અધિકારીએ ઘટના સ્થળે જઇ સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે.
ગઇકાલે રાત્રે મુંજકા વિસ્તારમાં ૧૩ દિવસ પહેલા દીપડાએ દેખા દીધી હતી તે પછી દીપડો કણકોટ, રામનગર, રૈયાધાર સહીતના વિસ્તારોમાં દેખાયો હતો. આથી વનવિભાગે યુનિવર્સિટી સહીત પાંચ સ્થળોએ પાંજરા ગોઠવ્યા હતા. યુનિવર્સિટી વિસ્તારમાં દીપડો છૂપાયો હોવાની શંકાના પગલે વનવિભાગ દ્વારા આ વિસ્તારમાં રહેતા લોકોને સાવચેત રહેવા અને એકલા ઘરબહાર નહીં નીકળવાની સલાહ આપી હતી.
દરમિયાન આજે મોડી રાત્રીના ક્રાઈસ્ટ કોલેજ આસપાસ દીપડો જોવા મળ્યો હોવાની જાણ વનવિભાગને કરવામાં આવતા વનવિભાગની ટીમે તાત્કાલિક આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.