- કેશોદ શહેરની ઘટના
- ધોળા દિવસે 13 લાખની લૂંટ
- લૂંટારા એક્ટિવા પર થયા ફરાર
જૂનાગઢ જિલ્લાના કેશોદમાંથી એક મોટી લૂંટની ઘટના સામે આવી છે. અહીં ધોળાદિવસે લૂંટારાઓએ 13 લાખ રૂપિયાની લૂંટ ચલાવી હતી અને ફરાર થતા લૂંટારા સીસીટીવીમાં કેદ થઈ ગયા છે.
સૌરાષ્ટ્રમાંથી એક મોટી લૂંટના સમાચાર સામે આવ્યા છે. અહીં જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાં ધોળા દિવસે આંગડિયા પેઢીના માલિક પાસેથી 13 લાખ રૂપિયા લૂંટીને લૂંટારાઓ ફરાર થઈ ગયા હતા. મહત્વનું છે કે આ મામલે પોલીસને જાણ થતાં પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી.
અત્રે જણાવી દઈએ કે આ લૂંટની ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ ગઈ છે. લૂંટ ચલાવનારા લોકો એક્ટિવા ચલાવીને આવ્યા હતા અને કેશોદ શહેરના જલારામ મંદિર પાસેથી વી. પટેલ નામની આંગડિયા પેઢી ચલાવતાં પ્રફુલભાઇ ગોટેચા નામના વેપારી પાસેથી 13 લાખ રૂપિયા લૂંટીને ફરાર થઈ ગયા હતા. આ તમામ દૃશ્યો સીસીટીવી કેમેરમાં અંકિત થઈ ગયા છે. જેથી પોલીસે આ ફૂટેજ મેળવી કાયદાકીય કાર્યવાહી શરૂ કરી આગળની તપાસ હાથ ધરી છે.
નોંધનીય છે કે ગુજરાતમાં હાલના દિવસોમાં લૂંટની ઘટનાઓમાં વધારો નોંધાયો છે. ધોળા દિવસે લોકોને છડેચોક લૂંટી જનારા અસામાજિક તત્વોનો જુસ્સો હાલ નવા આસમાને હોય તેમ લાગી રહ્યું છે. આ તત્વો પોતાના અપરાધો દ્વારા પોલીસને જાણે કે પડકાર ફેંકી રહ્યા છે ત્યારે આગળ જોવાનું એ રહે છે કે પોલીસ આવા તત્વો પર કાયદાનો ગાળિયો કેવી રીતે કસે છે.


