- ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે પ્રથમ ટેસ્ટ
- સાઉથ આફ્રિકાના સેન્ચુરિયન સ્ટેડિયમમાં મેચ
- રોહિત શર્મા 5 રન બનાવીને આઉટ
ભારતીય ટીમ કેપ્ટન રોહિત શર્માના નેતૃત્વમાં સાઉથ આફ્રિકામાં પ્રથમ ટેસ્ટ સિરીઝ જીતવા માટે કમર કસી રહી છે. છેલ્લા એક સપ્તાહની મહેનત બાદ આજે ટીમ ઈન્ડિયા ટેસ્ટ સિરીઝ જીતવા માટે સૌથી પડકારજનક મેદાન પર ઉતરી છે. ટીમ ઈન્ડિયા આ વખતે સાઉથ આફ્રિકા કરતા વધુ મજબૂત દેખાઈ રહી છે અને એવી અપેક્ષા રાખવામાં આવે છે કે જે અત્યાર સુધી નથી થયું તે આ વખતે થઈ શકે છે. એટલે કે ટીમ ઈન્ડિયા પ્રથમ વખત સાઉથ આફ્રિકામાં ટેસ્ટ સિરીઝ જીતી શકે છે.
સેન્ચુરિયન ટેસ્ટમાં સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને ભારતને બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું છે. જેથી ભારત તરફથી કેપ્ટન રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલ ઓપનિંગ કરવા મેદાનમાં આવ્યા હતા. સાઉથ આફ્રિકાએ ભારતીય ટીમને શરૂઆતી ઝટકો આપ્યો હતો. ભારતીય કેપ્ટન રોહિત શર્મા માત્ર 5 રન બનાવીને આઉટ થયો છે. રોહિત શર્મા ફરી એકવાર કગિસો રબાડાનો શિકાર બન્યો છે.
ભારતનું ખરાબ પ્રદર્શન
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે પ્રથમ ટેસ્ટ સેન્ચુરિયનમાં રમાઈ રહી છે. આ મેદાનમાં ભારતીય ટીમનો રેકોર્ડ ખૂબ જ ખરાબ રહ્યો છે. ભારતે અહીં રમાયેલી 23 ટેસ્ટ મેચોમાંથી માત્ર 4 મેચ જીતી છે. સાઉથ આફ્રિકામાં ભારત એક પણ ટેસ્ટ સિરીઝ જીતી શક્યું નથી. જેનું કારણ મોટાભાગના બેટ્સમેનો ફલોપ રહ્યા છે. આ તમામ આંકડાઓની સાથે એક ખાસ આંકડો પણ છે જે ટીમ ઈન્ડિયાને પરેશાન કરી રહ્યો છે. આ આંકડો ખુદ કેપ્ટન રોહિત શર્મા સાથે સંબંધિત છે.
રોહિત શર્મા ફલોપ
ભારતીય કેપ્ટન રોહિત શર્મા સાઉથ આફ્રિકામાં ટેસ્ટમાં ખરાબ રીતે ફ્લોપ રહ્યો છે. હિટમેન અહીં રમાયેલી 5 ટેસ્ટ મેચની 9 ઇનિંગ્સમાં માત્ર 128 રન જ બનાવી શક્યો છે. એટલે કે સાઉથ આફ્રિકામાં તેની બેટિંગ એવરેજ માત્ર 15.37 રહી છે. અહીં તે એક વખત પણ પચાસ રનનો આંકડો કરી શક્યો નથી. એકવાર તે શૂન્ય પર પેવેલિયન પરત ફર્યો હતો. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે રોહિત અહીં કેપ્ટન તરીકે તેની બેટિંગમાં કેટલો સુધારો કરવામાં સક્ષમ છે.
રોહિતનો એકંદર ટેસ્ટ રેકોર્ડ
ટેસ્ટમાં રોહિત શર્માનું પ્રદર્શન હંમેશા સરેરાશ રહ્યું છે. તેણે તેની કારકિર્દીમાં 52 ટેસ્ટ મેચ રમી છે અને 46.54ની એવરેજથી 3677 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 10 સદી અને 16 ફિફ્ટી ફટકારી છે. ટેસ્ટ ક્રિકેટમાં તે 56ના સ્ટ્રાઈક રેટથી રન બનાવે છે.


