- ભારતે બીજી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડને 106 રનથી હરાવ્યું
- આ સાથે પાંચ મેચની ટેસ્ટ સિરીઝ 1-1થી બરાબર કરી
- જીત બાદ રોહિત શર્માએ કહ્યું મને મારી ટીમ પર ગર્વ છે.
ભારતે બીજી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડને 106 રને હરાવીને સિરીઝ 1-1થી બરાબર કરી લીધી છે. ભારતે ઈંગ્લેન્ડને 399 રનનો ટાર્ગેટ આપ્યો હતો જેના જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ બીજા દાવમાં 292 રન બનાવી શકી હતી. ભારતને પ્રથમ ટેસ્ટ મેચમાં 28 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. બીજી ટેસ્ટ મેચમાં જીત બાદ રોહિત શર્માએ કહ્યું કે આ જીતમાં યુવા ખેલાડીઓ આગળ આવ્યા અને પ્રદર્શન કર્યું,કેપ્ટન રોહિતે કહ્યું, ” મને આ યુવા ટીમ પર ખૂબ ગર્વ છે, પ્રથમ ટેસ્ટ હાર્યા બાદ આ યુવાનોએ સખત મહેનત કરી, અમારે તેમને સ્વતંત્રતા અને વધુ સમય આપવાની જરૂર છે.”
કેપ્ટને બુમરાહ વિશે કહીં મોટી વાત
બુમરાહ વિશે રોહિતે કહ્યું, “તે એક ચેમ્પિયન ખેલાડી છે. જ્યારે તમે આ રીતે મેચ જીતો છો, ત્યારે તમારે એકંદર પ્રદર્શનને પણ જોવું પડશે. અમે બેટથી સારું પ્રદર્શન કર્યું હતું. આવા સંજોગોમાં ટેસ્ટ જીતવી ખૂબ મુશ્કેલ છે. અમે ઇચ્છતા હતા કે અમારા બોલરો ટેસ્ટ મેચોમાં સારું પ્રદર્શન કરે. બુમરાહ એક શાનદાર બોલર છે. તેણે હજુ પણ લાંબી મજલ કાપવાની છે.
કેપ્ટન રોહિતે વધુમાં કહ્યું, “તેમની પાસે ટીમને આપવા માટે ઘણું બધુ છે. બેટિંગ કરવા માટે વિકેટ ખરેખર સારી હતી. જો મારે કંઈક કહેવું હોય, તો હું કહીશ કે બેટ્સમેનોએ સારી શરૂઆત કરી, પરતું તેમના સ્કોરને મોટો કરી શક્યા નહી, પરંતુ હું સમજું છું કે તેઓ બધા યુવા અને રમતમાં નવા છે. અમારા માટે સૌથી મહત્વની બાબત તેમને આત્મવિશ્વાસ આપવાનું છે.”
કેપ્ટનને યુવા ટીમ પર ગર્વ
કેપ્ટન રોહિતે પોતાનો મુદ્દો આગળ લઈ લીધો અને કહ્યું, “આટલી યુવા ટીમ સાથે સ્પર્ધા કરીને મને ખૂબ જ ગર્વ છે. આ ફોર્મેટમાં અમારી પાસે બધા યુવા ખેલાડી છે. તેથી તેમની ટેસ્ટ ક્રિકેટ સમજવામાં થોડો સમય લાગશે… હું ઈચ્છું છું કે તેઓ કોઈપણ દબાણ વગર મુક્તપણે રમે. ઈંગ્લેન્ડ છેલ્લા કેટલાક વર્ષોથી સારું ક્રિકેટ રમી રહ્યું છે. હું જાણતો હતો કે અમે આસાનીથી સિરીઝ જીતી શકવાના નથી. હજુ ત્રણ મેચ રમવાની બાકી છે. જીત પછી પણ, અમે અમારી રમત પર નજર રાખીશું અને તેમાં સુધારો કરીશું. અમે ખાતરી કરીશું કે અમે મોટાભાગની વસ્તુઓ યોગ્ય રીતે કરીએ છીએ.”
ત્રીજી ટેસ્ટ ક્યારે રમાશે
હવે સિરીઝની ત્રીજી ટેસ્ટ મેચ રાજકોટમાં 15-19 ફેબ્રુઆરી વચ્ચે રમાશે. ઈંગ્લેન્ડે હૈદરાબાદમાં પ્રથમ ટેસ્ટ મેચ જીતી હતી અને હવે ભારતે વિશાખાપટ્ટનમમાં શ્રેણીની બીજી ટેસ્ટ મેચ જીતી લીધી છે.


