ભારતીય ક્રિકેટ ટીમે રાંચીમાં દક્ષિણ આફ્રિકા સામેની ODI સીરિઝનો ધમાકેદાર જીત સાથે પ્રારંભ કર્યો.ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલીની શાનદાર બેટિંગના બળ પર ટીમ ઈન્ડિયાએ હાઈ-સ્કોરિંગ મેચમાં દક્ષિણ આફ્રિકાને 17 રનથી હરાવ્યું.પહેલા બેટિંગ કરતા,ટીમ ઈન્ડિયાએ 8 વિકેટ ગુમાવીને 349 રન બનાવ્યા. જવાબમાં,દક્ષિણ આફ્રિકા 49.2 ઓવરમાં ફક્ત 332 રન જ બનાવી શક્યું.
રોહિત શર્મા એક મોટા માઈલસ્ટોન માટે લક્ષ્ય રાખે છે
ભારતીય ટીમ હવે 3 ડિસેમ્બરે રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમ ખાતે દક્ષિણ આફ્રિકા સામે બીજી ODI રમશે. સીરિઝની ત્રીજી અને અંતિમ મેચ 6 ડિસેમ્બરે વિશાખાપટ્ટનમમાં રમાશે.ચાહકો આ બંને મેચમાં રોહિત શર્મા પાસેથી મોટી ઇનિંગની અપેક્ષા રાખશે.આનાથી હિટમેનને મહાનતા પ્રાપ્ત કરવાની મોટી તક મળશે.હકીકતમાં ODIક્રિકેટમાં રોહિત શર્માએ 277 મેચોની 269 ઇનિંગમાં 49.25ની સરેરાશથી 11427 રન બનાવ્યા છે.જો રોહિત આગામી બે મેચમાં કુલ 153 રન બનાવી લે છે, તો તે દક્ષિણ આફ્રિકાના ઓલરાઉન્ડર જેક્સ કાલિસને પાછળ છોડીને વનડેમાં સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓની યાદીમાં આઠમા સ્થાને પહોંચી જશે. કાલિસના વનડેમાં 11,579 રન છે.
ODI ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેન
સચિન તેંડુલકર – ૧૮,૪૨૬ (૪૫૨ ઇનિંગ્સ)
વિરાટ કોહલી – ૧૪,૨૩૫* (૨૯૩ ઇનિંગ્સ)
કુમાર સંગાકારા – ૧૪,૨૩૪ (૩૮૦ ઇનિંગ્સ)
રિકી પોન્ટિંગ – ૧૩,૭૦૪ (૩૬૫ ઇનિંગ્સ)
સનથ જયસૂર્યા – ૧૩,૪૩૦ (૪૩૩ ઇનિંગ્સ)
મહેલા જયવર્ધને – ૧૨,૬૫૦ (૪૧૮ ઇનિંગ્સ)
ઇન્ઝમામ-ઉલ-હક – ૧૧,૭૩૯ (૩૫૦ ઇનિંગ્સ)
જેક્સ કાલિસ – ૧૧,૫૭૯ (૩૧૪ ઇનિંગ્સ)
રોહિત શર્મા – ૧૧,૪૨૭ (૨૬૯ ઇનિંગ્સ)
શાહિદ આફ્રિદીનો રેકોર્ડ તોડ્યો
નોંધનીય છે કે વિરાટ કોહલીને પ્રથમ ODIમાં શાનદાર સદી માટે પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. તેણે 135 રન બનાવ્યા હતા, જ્યારે રોહિત શર્માએ 57 રન બનાવ્યા હતા. રોહિતે પોતાની અડધી સદીમાં પાંચ ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા, જેનાથી તે ODI ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા મારનાર બેટ્સમેન બન્યો. પોતાની ત્રીજી છગ્ગા સાથે, તેણે શાહિદ આફ્રિદીનો વિશ્વ રેકોર્ડ તોડ્યો. રોહિતના નામે હવે ODIમાં 352 છગ્ગા છે.


