- જીત બાદ રોહિત શર્માનું મોટું નિવેદન
- સાઉથ આફ્રિકા પર ભારતનો મોટો વિજય
- આફ્રિકાને 83 રને ઓલઆઉટ કરી દીધું
વિશ્વકપના બંને ટેબલટોપર્સ વચ્ચેની મેચમાં ટીમ ઈન્ડિયાએ આજે સાઉથ આફ્રિકાને ઈડન ગાર્ડનમાં હરાવ્યું હતું. આ ઐતિહાસિક જીત પછી ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ એક મોટું નિવેદન આપ્યું છે.
મહત્વનું છે કે આજની મેચમાં ટીમ ઈન્ડિયાએ ટોસ જીત્યો આશ્ચર્યજનક રીતે પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું. કોલકાતાના ઈડન ગાર્ડનના મેદાન પર રમાયેલી આ મેચમાં ભારતીય બેટ્સમેનોએ આફ્રિકન બોલરોને ધોઈ નાખ્યા હતા. ટીમ ઈન્ડિયાની ઓપનિંગ જોડી તરીકે રોહિત શર્મા અને શુભમન ગિલે પ્રથમ વિકેટ માટે અડધી સદીની ભાગીદારી કરી અને 62 રન ઉમેરીને ટીમને મજબૂત શરૂઆત અપાવી. ટીમ ઈન્ડિયાને પહેલો ઝટકો કેપ્ટન રોહિત શર્માના રૂપમાં લાગ્યો હતો અને રોહિત 40 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો, ત્યારબાદ શુભમન ગિલ પણ 23 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.
જો કે વિરાટ કોહલીના શતક અને રવિન્દ્ર જાડેજાની ઈનિંગના પરિણામે ભારતે 326 રનનો વિશાળ સ્કોર ખડો કરીને સાઉથ આફ્રિકાને 327 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેમાં આફ્રિકા ભારતીય બોલરોનો સામનો કરી શક્યું નહોતું અને 83 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. આ વખતે રવિન્દ્ર જાડેજાએ 5 વિકેટ ખેરવી હતી. આ ઐતિહાસિક જીત પછી જો કે રોહિત શર્માએ એક ચોંકાવનારૂં નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે “જો તમે છેલ્લી ત્રણ મેચમાં અમે કેવું પ્રદર્શન કર્યું છે તે જુઓ તો તમે અમને વધુ સારી રીતે સમજી શક્યા છો. અમે ઇંગ્લેન્ડ સામે દબાણમાં હતા પરંતુ, અમે સારો સ્કોર કર્યો અને પછી ઝડપી બોલરોએ કામ કર્યું. અમે પ્રથમ ઓવરમાં એક વિકેટ ગુમાવી હતી’, પછી રન બનાવ્યા અને પછી સીમરોએ સારું પ્રદર્શન કર્યું. અમારે ત્યાં જઈને પરિસ્થિતિનો સામનો કરવા માટે કોહલીની જરૂર હતી.
“ત્યારબાદ અમને ખબર પડી કે અમારે રમતને ટ્રેક પર રાખવાની છે અને બાકીનું કામ પિચને કરવા દેવાનું છે. જો ભરોસા પર ખેલાડીઓ ખરા ન ઉતર્યા હોત તો પણ મારે તેમની સાથે રહેવાનું જ હતું. અમારે વિશ્વાસ જાળવી રાખવો પડશે. શમીએ જે રીતે વાપસી કરી છે તે તેની માનસિકતા દર્શાવે છે.
રોહિત શર્માનું આ નિવેદન એવા સમયે આવ્યું છે કે જ્યારે ભારતે તેના વિશ્વકપના અભિયાનમાં સતત 8મી જીત મેળવતા સાઉથ આફ્રિકાને કચડી નાંખ્યું હતું. કેપ્ટન તરીકે રોહિત શર્માનો કોહલી, શમી અને પોતાની ટીમના અન્ય ખેલાડીઓ પરનો વિશ્વાસ આ વિશ્વકપ રમી રહેલી અન્ય ટીમો માટે ઘણો ખતરનાક છે. કેમ કે કેપ્ટન જો પોતાના ખેલાડીઓ પર ભરોસો રાખે છે તો ખેલાડીઓ કેવું પરિણામ આપી શકે છે તે હાલ ભારતની સતત 8મી જીત તરીકે સૌના નજર સામે છે.
ઉલ્લેખનીય છે કે પોતાના જન્મદિવસે જ સચિન તેંડુલકરના 49 વનડે સદીની બરાબરી કરનાર વિરાટ કોહલી, પાંચ વિકેટ લેનાર રવિન્દ્ર જાડેજા અને બાકીના બોલરોના શાનદાર પ્રદર્શનના આધારે ભારતે આ મેચમાં દક્ષિણ આફ્રિકાને 243 રનથી હરાવ્યું હતું. આ મેચને ફાઈનલના રિહર્સલ તરીકે જોવામાં આવતી હતી. આફ્રિકાને હરાવીને, ભારતે વર્લ્ડ કપમાં સતત આઠમી એકતરફી જીત નોંધાવી હતી. આજે કિંગ કોહલીનો દિવસ હતો, જેણે 121 બોલમાં 10 ચોગ્ગાની મદદથી અણનમ 101 રન બનાવ્યા હતા, જેના કારણે ભારતે ઈડન ગાર્ડનની ધીમી પીચ પર પાંચ વિકેટે 326 રન બનાવ્યા હતા.