રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરીને ફેન્સને ચોંકાવી દીધા છે. રોહિત શર્મા T20 ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યો છે. આવતા મહિને ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ પહેલા રોહિતે આ જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા છે.
હવે સવાલ એ છે કે રોહિત શર્મા પછી એવા કયા ખેલાડીઓ છે જે ભારતીય ટેસ્ટ ટીમના નવા કેપ્ટન બની શકે છે. આ લિસ્ટમાં કોનું નામ સામેલ છે.
જસપ્રીત બુમરાહ
રોહિત શર્માની નિવૃત્તિ બાદ, જસપ્રીત બુમરાહ ટેસ્ટ ટીમના કેપ્ટન બનવાનો સૌથી મોટો દાવેદાર લાગે છે. બુમરાહ હાલમાં ટેસ્ટ ટીમનો વાઈસ-કેપ્ટન પણ છે અને અત્યાર સુધીમાં તેને ફક્ત 3 ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કર્યું છે. બુમરાહ પણ કેપ્ટનશીપ માટે દાવેદાર છે કારણ કે તેને બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં પોતાના નેતૃત્વથી બધાને પ્રભાવિત કર્યા હતા. તેને BGT 2024-25 માં ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટમાં ભારતનું નેતૃત્વ કર્યું હતું, જે મેચ ભારતે 295 રનના મોટા માર્જિનથી જીતી હતી.
શુભમન ગિલ
શુભમન ગિલ, જેને ટીમ ઈન્ડિયાનો ‘પ્રિન્સ’ પણ કહેવામાં આવે છે. ગિલ ભારતીય ક્રિકેટનું ભવિષ્ય છે અને ટૂંકા ગાળામાં જ તેને ભારતની ODI ટીમમાં વાઈસ-કેપ્ટનનું પદ મેળવી લીધું છે. ગિલે T20 ફોર્મેટમાં ટીમ ઈન્ડિયા અને IPLમાં ગુજરાત ટાઈટન્સની કેપ્ટનશીપ કરી છે. મીડિયા રિપોર્ટ મુજબ સિલેક્ટર્સને આગામી વર્લ્ડ ચેમ્પિયનશિપ ચક્ર માટે એક નવા અને યુવા કેપ્ટનની જરૂર છે. શક્ય છે કે નજીકના ભવિષ્યમાં ગિલને નવા કેપ્ટન તરીકે તૈયાર કરવાના પ્રયાસો કરવામાં આવે.
રિષભ પંત/શ્રેયસ ઐયર
શ્રેયસ ઐયર 2025-26 સીઝન માટે BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટમાં પાછો ફર્યો છે. ઐયર ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ટીમ ઈન્ડિયા માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો, તેને 243 રન બનાવ્યા હતા. ઐયરે IPLમાં કેપ્ટનશીપનો ઘણો અનુભવ પણ મેળવ્યો છે. રિષભ પંત પણ કોઈક રીતે કેપ્ટનશીપની રેસમાં સામેલ છે. તેની આક્રમક અને તીક્ષ્ણ સ્ટાઈલ તેને ભારતીય ટેસ્ટ ટીમનો સફળ કેપ્ટન બનવામાં મદદ કરી શકે છે.


