- ભારતની ટીમ ફાઇનલમાં પહોંચતા જ સ્ટેડિયમમાં મેચ જોવાનો ક્રેઝ વધ્યો
- અમદાવાદમાં હોટેલ્સ પેક થતાં ગાંધીનગર-વડોદરામાં બુકિંગ થઈ ગયા
- મેચને લઈને ક્રિકેટ રસિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડ કપની ફાઇનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે તા.19મીએ રમાવાની છે. જે મેચને લઈને ક્રિકેટ રસિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વર્લ્ડ કપની ફાઇનલ મેચ જોવા માટે ક્રિકેટ પ્રેમીઓની સંખ્યા પણ હવાઈ મુસાફરીમાં વધી છે. આ પરિસ્થિતિ વચ્ચે હવાઈ મુસાફરી અગાઉથી જ ફુલ રહેતા છેલ્લી ઘડીએ ટિકિટ લેવા જનારા લોકોને ચાર ગણા જેટલો ભાવ ચૂકવવાનો વારો આવ્યો છે. ઇન્ટરનેશનલ મુસાફરીમાં દુબઈ, કેનેડા, અમેરિકા, ન્યૂઝીલેન્ડ થી પણ કેટલાક લોકો મેચ જોવા માટે અમદાવાદ આવતા હોય છે. જેના ભાવમાં પણ વધારો નોંધાયો છે. જેના લીધે અમદાવાદ-ગાંધીનગરની મોટાભાગની ફાઈવ સ્ટાર, ફોર સ્ટાર હોટલો બુક થઈ ગઈ છે. ફાઈનલ મેચને લીધે હોટલોના ભાડામાં ત્રણ ગણો વધારો થયો છે. જયારે ફાઈવ સ્ટાર હોટલોના ભાડા બે લાખ સુધી પહોંચી ગયા છે. તો કેટલીક હોટલોમાં ફાઈનલ મેચની ટિકીટ સાથે હોટલ બુકીંગ કરીને તગડી કમાણી કરી લીધી છે.
અત્યારે હોટલો દ્વારા રૂમ બ્લોક કરી દેવાયા છે. જ્યાં ક્રિકેટ ટીમ રોકાય છે ત્યાં તો 100 ટકા ઓક્યુપન્સી જોવા મળે છે.અમદાવાદમાં ફઈવ સ્ટાર, ફેર સ્ટાર અને થ્રી સ્ટાર હોટલના રૂમ ગણીએ તો 12 હજાર જેટલા થવા જાય છે. તથા આમા નાની હોટલના રૂમને ઉમેરીએ તો હોટલના રૂમની સંખ્યા 14થી 16 હજાર જેટલે પહોંચે છે.ક્રિકેટ વર્લ્ડ કપની પોઝિટિવ ઈફેક્ટ અમદાવાદની હોટેલ ઇન્ડસ્ટ્રી ઉપર જોવા મળી રહી છે. ફાઈનલ મેચને લીધે ફેર અને ફઇવ સ્ટાર હોટલ રૂમના ભાવ 10 હજારથી 1 લાખ રૂપિયા સુધીનો થઇ ગયા છે. અમદાવાદમાં મહારાષ્ટ્ર, દિલ્હી જેવા રાજ્યોમાંથી લોકો મેચ જોવા આવે છે, જેના લીધે હજુ હોટલોના ભાવોમાં ઉછાળો આવી શકે તેમ છે. સામાન્ય હોટલના રૂમ જે 5 હજારમાં ઉપલબ્ધ થતાં હોય તેના અત્યારે 25થી 30 હજાર ભાવ ચાલી રહ્યા છે. સીજી રોડ ઉપર આવેલી હોટલોના એક દિવસના ભાડા રૂ.4 હજારની આસપાસ હતા તે અત્યારે રૂ.22 હજાર થઈ ગયા છે.આઈટીસી નર્મદા, હયાત રિજન્સી સહિતની હોટલોના ભાડા બે લાખ રૂપિયા સુધી પહોંચી ગયા છે.
ફાઈનલના દિવસે મેટ્રો રાત્રે એક વાગ્યા સુધી ધમધમશે
મોટેરા ખાતેના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાનારી વર્લ્ડકપ ફાઈનલને પગલે મેટ્રો રાત્રિના 1 વાગે સુધી દોડાવાનો નિર્ણય લેવાયો છે. મેટ્રો સ્ટેશન પર ટિકિટો માટે લોકોની પડાપડી ન થાય તે માટે મેટ્રો દ્વારા પેપર ટિકિટનુ આયોજન કર્યુ છે. જેથી મુસાફરોની લાંબી લાઈનો ન લાગે અને વ્યવસ્થા જળવાઈ રહે. તેમજ રાત્રિના 10 વાગે બાદ ટોકન અને સ્માર્ટ કાર્ડ પણ મુસાફરી માટે માન્ય નહિં તેવી સૂચના પણ મેટ્રો દ્વારા આપવામાં આવી છે.
એરપોર્ટ પર VVIP મૂવમેન્ટને પહોંચવા તંત્ર સજ્જ
ક્રિકેટ વર્લ્ડકપ ફાઈનલને પગલે અમદાવાદ એરપોર્ટ પર પેસેન્જરોનો ઘસારો વધવાની શક્યતાઓ વચ્ચે એરપોર્ટ તંત્ર દ્વારા અંતિમ ચરણની તૈયારીઓ કરવામાં આવી રહી છે. એરપોર્ટની સુરક્ષા વ્યવસ્થાને પણ કડક કરવામાં આવી છે. એરપોર્ટ તંત્રે ટર્મિનલ અને લેન્ડસાઈટમાં ટીમોને સ્ટેન્ડ-બાય રખાઈ છે. આ વચ્ચે ચાર્ટર્ડ પ્લેનની મુમેન્ટ વધારે રહેવાની હોવાથી પાર્કિંગ માટે અમદાવાદ સહિતના રાજ્યના અન્ય એરપોર્ટને પણ સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે. એરલાઈન્સોને પણ સમયસર ફ્લાઈટોના સંચાલન માટે સૂચન કરાયુ છે. અમદાવાદ એરપોર્ટ પર ફાઈનલ મેચના દરમિયાન રાત્રિ પાર્કિંગ માટે 15 સ્ટેન્ડ ઉપલબ્ધ છે. જેમાંથી 6 સ્ટેન્ડ બિઝનેસ જેટ એરક્રાફ્ટ ઓપરેશન માટે ઉપલબ્ધ રખાયા છે. એરલાઇન્સને સમયસર સ્લોટના સંચાલનની સાથે મુસાફરોનો ઘસારો ટર્મિનલ પર ન વધે તે માટે સૂચન કરાયું છે. અમદાવાદ એરપોર્ટ પર સ્ટાન્ડર્ડ પાર્કિંગ માટે સ્ટેન્ડની ઉપલબ્ધતા કરતાં નાઈટ પાર્કિંગની માંગ વધી જાય તો એરક્રાફ્ટના નોન-સ્ટાન્ડર્ડ પાર્કિંગ માટે એસઓપી તૈયાર કરાઈ છે. આ સાથે ફાઈનલ મેચ દરમિયાન કેટલીક કોર્મશીયલ એરલાઈન્સની વધારાની ફ્લાઈટો ચલાવવા માટેની વિનંતીઓને પણ સ્વીકારવામાં આવી છે.
મુંબઈ-અમદાવાદ વચ્ચે ત્રણ સ્પેશિયલ ટ્રેન દોડાવાશે
પિૃમ રેલવે દ્વારા ક્રિકેટ વર્લ્ડકપ ફાઈનલ મેચને પગલે ક્રિકટપ્રેમીઓની ભીડને જોતાં મુંબઈ-અમદાવાદ વચ્ચે ત્રણ જોડી સ્પેશિયલ ટ્રેન દોડાવાનો નિર્ણય કર્યો છે. ટ્રેન નં 09001 બાન્દ્રા ટર્મિ.-અમદાવાદ સ્પે. 18 નવે.એ બાન્દ્રા ટર્મિ. 23.45 કલાકે ઉપડશે અને 20 નવે.એ આ ટ્રેન નં 09002 અમદાવાદ-બાન્દ્રા ટર્મિ. સ્પે. 20 નવે.એ અમદાવાદથી 04.00 કલાકે ઉપડશે. આજ રીતે ટ્રેન નં 09049 મુંબઈ સેન્ટ્રલથી 18 નવે.એ 23.55 કલાકે ઉપડશે જ્યારે ટ્રેન નં 09050 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ સ્પે. 20 નવે.એ અમદાવાદથી 06.20 કલાકે ઉપડશે. આજ પ્રમાણે ત્રીજી સ્પેશિયલ ટ્રેન નં 01153 છત્રપતી શિવાજી મહારાજ ટર્મિથી 18 નવે.એ 22.30 કલાકે ઉપડશે અને 20 નવે.એ ટ્રેન નં 01154 અમદાવાદથી છત્રપતી શિવાજી મહારાજ ટર્મિનસ(CSMT) માટે 01.45 કલાકે ઉપડશે. આ ટ્રેનોમાં બુકીંગ 18 નવે.એ ખુલ્લું મુકાશે.


