- વિદ્યાર્થીઓને ચૂકવાતી સહાય માટે સ્કૂલોએ પોર્ટલ પર વિગતો અપલોડ ન કરી
- નોટીસનો જવાબ ન આપતાં ડીઈઓએ સ્કૂલો સામે દંડાત્મક કાર્યવાહી કરી
- શહેરની 7 સ્કૂલોને રૂ.10 હજાર લેખે શહેર ડીઈઓ દ્વારા દંડ ફટકારવામાં આવ્યો
રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ (RTE) અંતર્ગત પ્રવેશ મેળવેલ બાળકોને મળતી સહાયની વિગતો રજૂ કરવામાં આળસ દાખવનાર શહેરની 7 સ્કૂલોને રૂ.10 હજાર લેખે શહેર ડીઈઓ દ્વારા દંડ ફટકારવામાં આવ્યો છે. સમયસર વિગતો રજૂ ન કરાતા સ્કૂલોને ડીઈઓ કચેરી દ્વારા નોટીસ આપી ત્રણ દિવસમાં ખુલાસો કરવાની સુચના આપવામાં આવી છે. ડીઈઓની નોટીસ છતાં કોઈપણ પ્રકારનો ખુલાસો ન કરાતાં ડીઈઓ દ્વારા દંડ ફટકારવામાં આવ્યો છે.
અમદાવાદ શહેરના જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા જે સ્કૂલોને દંડ ફટકારવામાં આવ્યો છે એમાં ઓઢવની જય અંબે પ્રાથમિક શાળા, નિકોલની હની ચાઈલ્ડ અંગ્રેજી શાળા, કુબેરનગરની ગાયત્રી કન્યા વિદ્યાલય, દુધેશ્વરની આશિષ શિક્ષણતીર્થ, વસ્ત્રાલની આશિષ હિન્દી પ્રાથમિક શાળા, ડી-કેબીન વિસ્તારની જય સંતોષી પ્રાથમિક શાળા અને ઘાટલોડીયાની નવસંસ્કાર કન્યા પ્રાથમિક શાળાનો સમાવેશ થાય છે. શહેર ડીઈઓ દ્વારા આરટીઈ હેઠળ પ્રવેશ મેળવેલ ગરીબ બાળકોને સમયસર સહાય પ્રાપ્ત થાય અને સ્કૂલને ફીની રકમ મળી જાય એ માટે એક ઓનલાઈન પોર્ટલ તૈયાર કર્યું છે. જેમાં તમામ સ્કૂલોને વિદ્યાર્થીઓની સંખ્યા અને ફીની વિગત અપલોડ કરવાની હોય છે, જે અપલોડ કર્યાં બાદ તેની એક હાર્ડકોપી ડીઈઓ કચેરીમાં જમા કરાવવાની સુચના આપી હતી. આ પ્રક્રિયાના કારણે શહેરના તમામ વિદ્યાર્થીઓને માત્ર એક જ સપ્તાહમાં સહાકની રકમ ચુકવાઈ ગઈ છે. આ દરમિયાન શહેરની 7 ખાનગી સ્કૂલો એવી નિકળી કે જેમણે પોતાની ફી મેળવવાની પ્રક્રિયા પૂર્ણ કરી પરંતુ વિદ્યાર્થીઓની સહાય માટેની પ્રક્રિયા કરી જ નહી. જેથી ડીઈઓ કચેરી દ્વારા આ સ્કૂલોને નોટીસ ફટાકારવામાં આવી હતી અને આ અંગેનો ખુલાસો માગ્યો હતો. પરંતુ સ્કૂલ સંચાલકોએ તમામ નિયમો નેવે મુકી ન તો વિદ્યાર્થીઓની વિગતો આપી કે ન તો ડીઈઓ કચેરીમા ખાલોસ કરવાની તસ્દી લીધી. જેથી ડીઈઓ દ્વારા સ્કૂલ સામે લાંલ આંખ કરી દંડનીય નોટિસ ફટકારાઈ છે.


