- રસ્તાના કામો મંજુર થતાં સમગ્ર વિસ્તારની કાયાપલટ થશે
- સ્થાનિક ધારાસભ્યોની મુખ્યમંત્રીને રજૂઆતને પગલે નિર્માણ કાર્યોને મંજૂરી મળી
- પીપળાવથી ઇસરામાને જોડતા માર્ગને 10.50 કરોડના ખર્ચે ફોરલેન બનાવવાની કામગીરીનું ખાતમુહૂર્ત
સોજીત્રા વિધાનસભામાં સમાવિષ્ટ તારાપુર, પેટલાદ, સોજીત્રા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગોના નવનિર્માણ, રીસરફેસીંગ માટે ભાજપના ધારાસભ્ય વિપુલ પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલને રજુઆત કરી હતી. જે રજુઆતને સીએમએ હકારાત્મક પ્રત્યુત્તર આપી માર્ગોના નવનિર્માણ માટે 22.10 કરોડના કામો મંજુર કર્યા છે. જેમાં પીપળાવ થી પાળજ થઇ ઇસરામા સુધીના 10.50 કરોડના ખર્ચે નિર્માણ પામનાર 4.500 કિમીના ફોરલેન માર્ગનુ ખાતમુર્હુત ધારાસભ્ય વિપુલ પટેલના હસ્તે કરવામા આવ્યુ હતું,. આણંદ જિલ્લામા સોજીત્રા, તારાપુર, પેટલાદ વિસ્તારના નાગરિકોને પગપાળા કે વાહન ઉપર આવનજાવન માટે સુવિદ્યા મળી રહે, તુટેલા અને જર્જરિત માર્ગોનુ નવનિર્માણ થાય, જરૂરિયાત ધરાવતા વિસ્તારના માર્ગોને પહોળા કરવા સહિતની કામગીરી માટે સોજીત્રાના ધારાસભ્ય વિપુલ પટેલ દ્વારા સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસના પરિણામલક્ષી સુત્ર હેઠળ વિકાસકામો હાથ ધર્યા છે. જેમાં વિપુલ પટેલે સ્થાનિક વિસ્તારોમા માર્ગોના નિર્માણ માટે સીએમ ભૂપેન્દ્રભાઇ પટેલને કરેલી રજુઆતને ધ્યાને લઇને સીએમએ સોજીત્રા વિધાનસભામા સમાવિષ્ટ ગ્રામ્ય વિસ્તારોમાં 22.10 કરોડના કામોને મંજુરીની લીલી ઝંડી આપી છે. જેમાં સોજીત્રા કોઠાવી આમોદના 8.200 કિમીના માર્ગને રીસરફેસીંગ કરવા માટે 5.21 કરોડ તેમજ સોજીત્રા વિરોલ શેખ.ડીના 10.300 કિમી માર્ગની રિસરફેસિંગ કામગીરી માટે 6.43 કરોડ મંજુર કર્યા છે. તદુપરાંત મા આશાપુરીના ધામ પીપળાવ પાટીદાર સમાજ વાડીથી પાળજ થઇ ઇસરામા સુધીના 4.500 કિમીના 10.50 કરોડના ખર્ચે હાથ ધરાનાર ફોરલેન માર્ગનુ ખાતમુર્હુત ધારાસભ્ય વિપુલ પટેલના હસ્તે કરવામા આવ્યુ હતું, ત્યારે રસ્તાના કામો મંજુર થતાં સમગ્ર વિસ્તારની કાયાપલટ થશે.


