એક માસમાં 1351 વાહનચાલકો પાસેથી 49392 લાખનો દંડ વસુલાયો
જીવલેણ અકસ્માતનું મુખ્ય કારણ ઓવરસ્પીડ અને ભયજનક રીતે વાહન ચલાવવાનું રહ્યું છે, મોટાભાગના પ્રાણઘાતક અકસ્માતો, તેના કારણે સર્જાયા છે ત્યારે રાજકોટ જિલ્લામાં આર.ટી.ઓ. કચેરી દ્વારા ગત એપ્રિલ માસમાં આવા લાપરવાહ ૫૧૫ વાહનચાલકોને પકડી પાડીને રૂ।.૧૦.૨૯ લાખનો દંડ ફટકાર્યો હતો. આમ, RTO કચેરી દ્વારા ઓવરસ્પીડ વાહન ચાલકો સામે કેસ કરી અને દંડ વસૂલવાનું શરૂ કરતાં આવા વાહન ચાલકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે RTO દ્વારા ઓવરસ્પીડે વાહન ચલાવતા વાહન ચાલકો સામે કેસ કરવામાં આવી રહ્યો હોવા છતાં કેટલાક વાહન ચાલકો હજુ પણ ઓવરસ્પીડથી વાહન ચલાવી રહ્યા છે.
RTO અધિકારી કેતન, ખપેડના માર્ગદર્શનમાં આ ઝૂંબેશ હાથ ધરાઈ હતી. જેમાં ઓવરલોડ 138 વાહનોને રૂ. 20.09 લાખનો, બહાર સામાન લટકતો હોય તેવા ઓવરડાઈમેન્શનના 55 કેસમાં રૂા. 3,80,850નો, 45 ક્લેન્ડેસ્ટાઈન ઓપરેશનમાં 4.50 લાખ, રેડીયમ રિફ્લેક્ટર ન હોવું, નાની ઉંમરનાને વાહન આપવું, મોબાઈલ પર વાત કરવી વગેરે માટે 115 કેસમાં દરેકને એક એક હજાર લેખે 1.15 લાખ, ફિટનેસ વિમા વગર વાહન હંકારનારા 34 ને 1.70 લાખનો, હેલમેટ, સીટબેલ્ટ, પીયુસી વગર વાહન હંકારનાર 213 ઈસમોને રૂ.1.80 લાખ, ડ્રાઈવીંગ લાયસન્સ વગરના 72 કેસમાં 1.44 લાખ મળીને કૂલ 1351 કેસ કર્યા હતા અને રૂ. 49,91,865નો દંડ વસુલ કરાયો હતો. રાજકોટ શહેર અને આસપાસના હાઈવે પર હજુ કાળી ફિલ્મ લગાડીને વાહન હંકારવું, રોંગસાઈડમાં વાહન હંકારવું, ટ્રાફિક સિગ્નલનો ભંગ કરીને વાહન હંકારવાના અનેક કેસો જોવા મળતા હોય છે તે સામે પણ કડક કાર્યવાહીની જરૂર છે.


