સમગ્ર ગુજરાતની પ્રખ્યાત તીર્થભૂમિઓમાં અનેક લોકમેળા ભરાય છે. એમાંય વરદાયિની માતાનો ભરાતો મેળો એટલે કે લોકબોલીમાં કહીએ તો મા વડેચીનો પલ્લીમેળો એક આગવું આકર્ષણ ધરાવે છે.
રૂપાલ ગામમાં આગામી 11 ઓક્ટોબરને શુક્રવારની રાત્રિએ ગાંધીનગર જિલ્લાના રાંધેજાથી 4 કિ.મી. દૂર કલોલ જવાના માર્ગ ઉપર રૂપાલ ગામના ગોંદરે આ પલ્લીમેળો ભરાય છે. પલ્લીના મેળાને માણવા હજારોની નહીં પણ લાખોની સંખ્યામાં દેશ-દેશાવરના અને આજુબાજુનાં ગામોના ભાવિક ભક્તોનો માનવ મહેરામણ ઢોલ, નગારાં, ત્રાંસાના ગુંજતા અવાજમાં શ્રદ્ધાના પૂર લઈ દર્શનાર્થે ઊમટી પડે છે.
માતા વરદાયિનીનો મહિમા અપરંપાર છે. પલ્લીમાં હજારો મણ શુદ્ધ ઘીની પલ્લીના રથ ઉપર રેલમછેલ થાય છે અને રથ પસાર થઈ ગયા પછી રહી જાય છે. રસ્તા ઉપર ઘીની વહેતી નદીઓ આ યુગની હકીકત છે. આ પલ્લીને જોવા-જાણવા અને માણવા માટે, મા વરદાયિનીનાં દર્શન માટે ગાંધીનગર અને કલોલથી રૂપાલના રોડ ઉપર હજારોની સંખ્યામાં નાનાં મોટાં વાહનોની વણથંભી વણજાર લાગી જાય છે. કહેવાય છે કે દર વર્ષે આ મેળાનો મહિમા વધતો જાય છે અને લાખો લોકો આ સેંકડો વર્ષોથી ભરાતા મેળામાં મા વડેચીના પલ્લીના રથ ઉપર પોતાની મનવાંછિત ઉપાસના પૂરી થયાની તૃપ્તિમાં ઘી ચઢાવવા પડાપડી કરતા હોય છે. હજારો મણ ઘી પલ્લીના રથનાં ચરણોમાં હોમાય છે અને રસ્તાઓ ઉપર ઘીની નદીઓ વહે છે.
માર્કન્ડેયપુરાણમાં માર્કન્ડ મુનિએ માતાજીની આરાધના કરતાં કહ્યું હતું કે આરાધુ અખિલેશ્વરી ભગવતી વાંગીશા વરદાયિની. વિષ્ણુપુરાણમાં પણ મા વરદાયિનીનો ઉલ્લેખ છે. રાક્ષસોનો સંહાર કરવા શક્તિનું વરદાન મેળવવા વરદાયિનીની આરાધના કરી ભગવાન વિષ્ણુએ શસ્ત્રોનું વરદાન મેળવ્યું હતું. ત્રેતા યુગમાં ભગવાન રામે પણ રાવણ અને રાક્ષસોનો સંહાર કરવામાં વરદાયિની પાસેથી વરદાન મેળવી શસ્ત્રો મેળવ્યાં હતાં. ત્યારબાદ દ્વાપર યુગમાં પાંડવોએ ગુપ્તવાસમાં જતાં પહેલાં પોતાનાં અસ્ત્ર-શસ્ત્ર ખીજડાના ઝાડ નીચે સંતાડી એની રક્ષા માટે વરદાયિનીને પ્રાર્થના કરી હતી. આ ખીજડાના ઝાડ નીચે માનાં સ્થાનક હતાં. મા ત્યાં બિરાજતાં હતાં. એ વખતે રૂપાલ અને આજુબાજુના પંથકમાં જંગલ હતું. ગુપ્તવાસ પૂરો કરી વિરાટનગરી એટલે આજના ધોળકામાંથી પાંડવો પરત પુનઃ માના સ્થાનકે પાછા ફર્યા હતા અને તેમનાં જે અસ્ત્ર-શસ્ત્ર ખીજડાના ઝાડમાં માના સ્થાનક પાસે છુપાવ્યાં હતાં તે પરત મેળવી પુનઃ માના આશીર્વાદ લીધા હતા અને ત્યાં યજ્ઞ કરી પાંચ દીવાની જ્યોતિવાળી સોનાની પંચદીપ પલ્લી બનાવી મા પાસે મૂકી હતી. આમ, પલ્લીનો પ્રારંભ પાંડવોએ કર્યો હતો, પરંતુ કળિયુગના આગમને સોનાની પલ્લીની જગ્યાએ ખીજડાના ઝાડ પુષ્કળ હોવાને કારણે અને માને પ્રિય હોવાને કારણે ખીજડાના વૃક્ષમાંથી પલ્લી બનાવવાનો રિવાજ ચાલુ થયો અને જે પરંપરાગત આજ દિન સુધી ચાલતો આવ્યો છે.
માની પલ્લી એટલે માનો રથ જેમાં મા સ્વયં વિરાજે છે. ઉપર પાંડવોના પ્રતીક સમી પાંચ જ્યોતો ઝળહળે છે. નોમના દિવસે માના મંદિરના સાંનિધ્યમાં ભવ્ય લોકમેળો ભરાય છે. આશરે પાંચથી છ લાખ ભાવિક ભક્તો ગુજરાતમાંથી જ નહીં, પરંતુ દેશ-વિદેશમાંથી આ પર્વને મહાલવા દર વર્ષે આવે છે.
માતાજીના પલ્લીરથ માટે ગામમાં વસતા અઢારે આલમના લોકોને સેવા આપવામાં આવી છે અને સૌ પોતપોતાની સેવા સાચી શ્રદ્ધા ભક્તિથી કરે છે. માની પલ્લી સંપૂર્ણ તૈયાર થઈ ગયા બાદ ગામના નવજુવાનિયાઓની ટોળકી જય અંબે જય અંબેના ગગનભેદી નાદ કરતાં નાચતા-કૂદતા ચાવડાને બોલાવવા જાય છે. ત્યારબાદ પલ્લીની આગળની વિધિ ચાલે છે અને પછી વાજતેગાજતે પલ્લી ગામનાં ચોકઠાં પસાર કરે છે ત્યારે માર્ગમાં હૈયેહૈયું દળાય તેટલી ઠેર ઠેર જનમેદની પલ્લીરથનાં દર્શન કરે છે.
ગામમાં આવેલાં 27 ચોકઠાંમાં ફરતી પલ્લીયાત્રા અમદાવાદમાં રથયાત્રાની અચૂક યાદ અપાવે છે. પલ્લી વજનદાર હોવા છતાં પણ આ રથને માનવ મહેરામણ જે ગતિએ આગળ ધપાવે છે, તે જોતાં જ વિસ્મયથી ભલભલા મોંમાં આંગળાં નાંખી જોયા કરે છે. ચકલે ચકલે દેગડા- દેગડીઓ, પીપ અને ટ્રેક્ટરની ટ્રોલી શુદ્ધ ઘીથી છલકાતી હોય છે અને હજારો મણ ઘીનો અભિષેક પલ્લી રથ ઉપર કરવામાં આવે છે. અભિષેક થયેલું ઘી માત્ર ગામના અમુક ભાઈઓને જ લેવાનો અધિકાર છે. તેઓ પ્રસાદી રૂપે મેળવેલું ઘી ગરમ કરીને ગાળીને કુટુંબ કબીલામાં વહેંચે છે. માને અસંખ્ય શ્રીફળના હાર ચઢાવવામાં આવે છે. ગામના યુવકો અને સન્નારીઓ ફૂલ, ચોખા, કંકુ અને શ્રીફળથી માને વધાવે છે. ગામના યુવકો પલ્લીરથ ઉપર ઘીની ધારાવાહી કરે છે ત્યારે ઘીનો વરસાદ પડતો હોય તેવું વિરલ અને અદ્ભુત દૃશ્ય ખડું થાય છે અને આમ આખાયે ગામના રસ્તાઓ ઘીથી છલકાઈ જાય છે. નાનાં બાળકોને પલ્લીરથની પ્રદક્ષિણા કરાવવામાં આવે છે. બાધાવાળાં બાળકોની લટ કાપવામાં આવે છે અને આમ કરતાં માની પલ્લી નિજ મંદિરની નજદીક આવે છે.