Updated: Nov 1st, 2023
અમેરિકામાં ફેડરલ રિઝર્વની મિટિંગ પૂર્વે…
કરન્સી બજારમાં સરકારી બેન્કોની સક્રિયતા ન હોત તો રૂપિયામાં વધુ ઝડપી ઘટાડો જોવા મળ્યો હોતઃ જાણકારોમાં ચર્ચા
મુંબઈ: મુંબઈ કરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવ ઉંચકાયા હતા. શેરબજારમાં પીછેહટના પગલે કરન્સી બજારમાં રૂપિયા પર નેગેટીવ અસર જોવા મળી હતી. ડોલરના ભાવ રૂ,૮૩.૨૯ નાળા આજે સવારે રૂ.૮૩.૨૭ ખુલી નીચામાં ભાવ રૂ.૮૩.૨૬ થયા પછી ઉંચામાં ભાવ રૂ.૮૩.૩૦ થઈ છેલ્લે બંધ ભાવ રૂ.૮૩.૨૯ રહ્યા હતા. રૂપિયો આજે ૦.૦૪ ટકા ઘટયો હતો. વિશ્વ બજારમાં અમેરિકાના બોન્ડની યીલ્ડ વધતાં તેની અસર પણ રૂપિયા પર પડી હતી. ગયા વર્ષે ઓકટોબરમાં રૂપિયો તૂટી રૂ.૮૩.૨૯ના રેકોર્ડ તળિયે ઉતરી ગયો હતો અને આજે રૂપિયાના ભાવ એ રેકોર્ડથી આગળ વધી વધુ નીચે ઉતરતાં તથા ઈન્ટ્રા-ડે રૂ.૮૩.૩૦ થતાં બજારમાં નવું તળિયું જોવા મળ્યું હતું. દરમિયાન, કરન્સી બજારમાં ચર્ચાતી વાતો મુજબ અમુક સરકારી બેન્કો રૂપિયાને ટકાવવા ડોલર વેંચતી જોવા મળી હતી અને તેના પગલે રૂપિયો વધુ ઝડપી તૂટવાના બદલે ભાવ ઘટાડો તેટલા પ્રમાણમાં સિમિત રહ્યો હતો. દરમિયાન, અમેરિકામાં ફેડરલ રિઝર્વની મિટિંગ પર બજારના ખેલાડીઓની નજર રહી હતી. વિશ્વ બજારમાં વિવિધ પ્રમુખ કરન્સીઓ સામે ડોલરનો વૈશ્વિક ઈન્ડેકસ આજે ૦.૦૫ ટકા વધ્યો હતો.ડોલરનો ગ્લોબલ ઈન્ડેક્સ ઉંચામાં ૧૦૬.૭૮ થઈ ૧૦૬.૭૧ રહ્યા નિર્દેશો હતા.
મુંબઈ બજારમાં આજે રૂપિયા સામે બ્રિટીશ પાઉન્ડના ભાવમાં તેજીને બ્રેક વાગી હતી. પાઉન્ડના ભાવ ૩૩ પૈસા ઘટયા હતા. પાઉન્ડના ભાવ નીચામાં રૂ.૧૦૧.૦૩ થઈ રૂ.૧૦૧.૧૭ રહ્યા હતા. યુરોપીયન કરન્સી યુરોના ભાવ રૂપિયા સામે ૭૭ પૈસા ઘટયા હતા. યુરોના ભાવ નીચામાં રૂ.૮૭.૯૮ થયા પછી બંધ ભાવ રૂ.૮૮.૦૬ રહ્યા હતા. જાપાનની કરન્સી રૂપિયા સામે જો કે ૦.૨૪ ટકા વધ્યાના નિર્દેશો હતા. ચીનની કરન્સી રૂપિયા સામે આજે ૦.૦૮ ટકા માઈનસમાં ટ્રેડ થઈ રહી હતી.