રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન પ્રથમ વખત રશિયાના પરમાણુ મથકો ક્યાં છે તેનો ખુલાસો થયો છે. બે મિલિયનથી વધુ ગુપ્ત દસ્તાવેજો જાહેર થયા છે. રશિયાના 11 પરમાણુ મથકો, ટનલ, કંટ્રોલ રૂમ અને હાઇપરસોનિક શસ્ત્રો વિશેની માહિતીનો ઘટસ્ફોટ છે. આનાથી રશિયાની લશ્કરી વ્યૂહરચના પર પ્રશ્નો ઉભા થયા છે.
વિદેશી મીડિયા તપાસમાં ગુપ્ત દસ્તાવેજો જાહેર થયા છે જેણે રશિયાની પરમાણુ તૈયારીઓ અને તેના મથકો વિશેની આંતરિક માહિતી વિશ્વ સમક્ષ લાવી છે. આ ખુલાસાએ પશ્ચિમી દેશોની ચિંતા જ નથી વધારી પરંતુ પુતિનની લશ્કરી નીતિ સામે પણ સવાલો ઊભા કર્યા છે. દાવા મુજબ આ દસ્તાવેજોમાં રશિયન સેનાના કેટલાક સૌથી સંવેદનશીલ પરમાણુ સ્થળો વિશે સચોટ માહિતી હોવાનો દાવો કરાયો છે.
મિસાઇલ બેઝ વિશે પણ માહિતી
રશિયાના ઓરેનબર્ગ ક્ષેત્રમાં સ્થિત વ્યૂહાત્મક મિસાઇલ બેઝ યાસ્ની વિશે પણ માહિતી જાહેર થઈ છે. પરમાણુ શસ્ત્રોથી સજ્જ મિસાઇલો અહીંથી લોન્ચ કરી શકાય છે. યાસ્ની એક એવો બેઝ છે જ્યાં રશિયાનું હાઇપરસોનિક ગ્લાઇડ વાહન અવનગાર્ડ તૈનાત છે.
વિગતવાર માહિતી બહાર આવી
બાહ્ય માળખા વિશે જ નહીં પરંતુ ટનલ, કંટ્રોલ રૂમ, શસ્ત્ર સંગ્રહ વિસ્તારો અને બેઝની અંદર સુરક્ષા સાધનોના સ્થાનો વિશે પણ માહિતી છે. ટનલ સાથે કયા બાંધકામો જોડાયેલા છે તે પણ જણાવાયું છે.
જૂના પરમાણુ મથકોનું નવીનીકરણ
હાલની પુતીન સરકાર સોવિયેત યુનિયનના જૂના પરમાણુ મથકોનું આધુનિકીકરણ કરી રહી છે. અમુક સ્થળોએ સંપૂર્ણપણે નવા લશ્કરી સંકુલ બનાવવામાં આવી રહ્યા છે. નવા બેરેક, ગાર્ડ ટાવર, કમાન્ડ સેન્ટર અને ભૂગર્ભ ટનલનો સમાવેશ થાય છે.
સુરક્ષામાં મોટો ભંગ : નિષ્ણાતો
આ રીતનો ખુલાસો થવો રશિયાની સુરક્ષામાં મોટો ભંગ છે તેમ નોર્વેના સંરક્ષણ નિષ્ણાત ટોમ રોસેથે કહ્યું. સમગ્ર પરમાણુ સિસ્ટમની નબળાઈને ઉજાગર કરે છે. અમેરિકન ન્યુક્લિયર ઇન્ફોર્મેશન પ્રોજેક્ટના ડિરેક્ટર હંસ ક્રિસ્ટેનસેન કહે છે કે હવે સેટેલાઇટ તસવિરોને જોડીને આ દસ્તાવેજોનું વિશ્લેષણ સરળ છે, જેથી રશિયાની દરેક પ્રવૃત્તિને નજીકથી જોઈ શકાય.
વૈશ્વિક સુરક્ષા સમીકરણોને હચમચાવ્યા
વૈશ્વિક સુરક્ષા સમીકરણોને હચમચાવી દીધા છે. 2018માં પુતિને એક નવી પરમાણુ શસ્ત્ર પ્રણાલીની જાહેરાત કરી હતી, પરંતુ આ દસ્તાવેજો દર્શાવે છે કે તેમનું વાસ્તવિક ધ્યાન પરમાણુ થાણાઓના વિસ્તરણ અને આધુનિકીકરણ પર હતું. આ પરિસ્થિતિ એવા સમયે પ્રકાશમાં આવી છે જ્યારે રશિયા યુક્રેન યુદ્ધને કારણે સતત પોતાની પરમાણુ શક્તિનું પ્રદર્શન કરી રહ્યું છે.