રશિયાના વિદેશ મંત્રી લવરોવે કહ્યું છે કે, રશિયાએ ભારત સાથેની વાતચીતમાં સ્પષ્ટ કર્યું છે કે ક્વાડમાં ભારતનો રસ મુખ્યત્વે વેપાર અને શાંતિપૂર્ણ આર્થિક સહયોગ પૂરતો મર્યાદિત છે. જોકે, તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે ક્વાડના અન્ય દેશો નૌકાદળ અને લશ્કરી કવાયતો જેવા પગલાં દ્વારા ચાર દેશોને લશ્કરી સહયોગ તરફ ધકેલવાનો પ્રયાસ કરી રહ્યા છે. ભલે આ ક્વાડ હેઠળ ઔપચારિક રીતે ન થઈ રહ્યા હોય.
રશિયાના વિદેશ મંત્રી સેર્ગેઈ લવરોવે શું કહ્યુ ?
રશિયાના વિદેશ મંત્રી સેર્ગેઈ લવરોવે સંકેત આપ્યો છે કે ભારત અને ચીન વચ્ચે સરહદ પર પરિસ્થિતિને કેવી રીતે શાંત કરવી તે અંગે સમજૂતી થઈ રહી છે. તેમને લાગે છે કે રશિયા-ભારત-ચીન ત્રિપક્ષીય પ્લેટફોર્મને ફરીથી સક્રિય કરવાનો સમય આવી ગયો છે. લવરોવે વધુમાં જણાવ્યુ હતુ કે, ક્વાડમાં ભારતનો રસ મુખ્યત્વે વેપાર અને શાંતિપૂર્ણ આર્થિક સહયોગ પૂરતો મર્યાદિત છે. ભારત આ ઉશ્કેરણીજનક પ્રવૃત્તિઓને સ્પષ્ટપણે જોઈ શકે છે અને આવી સ્થિતિમાં, જ્યારે ભારત અને ચીન તેમના પરસ્પર સરહદ વિવાદને ઉકેલવા તરફ આગળ વધી રહ્યા છે. ત્યારે RIC ફોર્મેટને ફરીથી શરૂ કરવાનો આ સૌથી યોગ્ય સમય છે.
ત્રિપક્ષીય પ્લેટફોર્મ માટે યોગ્ય સમયઃ વિદેશ મંત્રી
રશિયા, ભારત અને ચીન વચ્ચે આ ત્રિપક્ષીય પ્લેટફોર્મ વર્ષો પહેલા સ્થાપિત કરવામાં આવ્યું હતું. જેનો ઉદ્દેશ્ય એશિયામાં સહયોગ, સ્થિરતા અને સંતુલનને પ્રોત્સાહન આપવાનો હતો. તાજેતરના વર્ષોમાં ચીન અને ભારત વચ્ચેના તણાવને કારણે આ પ્લેટફોર્મ નિષ્ક્રિય થઈ ગયું હતું. હવે જ્યારે બંને દેશો વચ્ચેના સંબંધોમાં થોડી નરમાશ આવી છે તો, રશિયા આ પ્લેટફોર્મને ફરીથી શરૂ કરવા માટે રાજદ્વારી પહેલ કરી રહ્યું હોય તેવું જોવા મળી રહ્યુ છે.