- યુક્રેન અને રશિયા વચ્ચે બે વર્ષ કરતાં વધુ સમયથી યુદ્ધ યથાવત્
- રશિયા ગમે તે સમયે યુક્રેન પર ભીષણ હુમલો કરવામાં માહિર
- ઈરાન દ્વારા પૂરા પાડવામાં આવેલા શહીદ ડ્રોનનો ઉપયોગ કરાયો હતો: ઝેલેન્સકીનો દાવો
રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા બે વર્ષ કરતાં વધુ સમયથી યુદ્ધ યથાવત્ છે. આ દરમિયાન રશિયાએ ફરી એકવાર યુક્રેનને નિશાન બનાવ્યું છે. યુક્રેનના દક્ષિણી બંદર શહેર ઓડેસામાં એક ડ્રોન હુમલો કર્યો હતો. આ ડ્રોન એક બિલ્ડિંગ પર બ્લાસ્ટ થતા આખી ઈમારત ધરાશાયી થઈ ગઈ હતી. જેમાં કુલ આઠ લોકોનાં મોત થયા હતા. તેમજ આઠ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. ઈમરજન્સી સ્થિતિમાં સોશિયલ મીડિયામાં તંત્રએ આ જાણકારી આપી હતી.
પ્રોસીક્યુટર જનરલ ઓફિસના જણાવ્યા અનુસાર, રશિયન સૈન્ય દ્વારા ફાયરિંગ કરાયેલ ડ્રોન ઓડેસાના રહેણાંક વિસ્તારમાં નવ માળના એપાર્ટમેન્ટ બ્લોક પર ત્રાટક્યું હતું. હુમલામાં 18 મકાનો ધરાશાયી થયા છે.હમલા સ્થળ પર હજુ પણ સર્ચ ઓપરેશન ચાલુ છે. રશિયાના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે તેના વાયુ સંરક્ષણ દળોએ લેનિનગ્રાડ ક્ષેત્રમાં યુક્રેનિયન ડ્રોનનો નાશ કર્યો હતો. તે ફિનલેન્ડના અખાતની સરહદે છે અને શનિવારે બેલ્ગોરોડ ક્ષેત્રમાં બીજા ડ્રોનનો નાશ કર્યો હતો.
યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ જણાવ્યું હતું કે ઈરાન દ્વારા પૂરા પાડવામાં આવેલા શહીદ ડ્રોનનો ઉપયોગ કરીને હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલાનું કોઈ સૈન્ય મહત્વ નથી અને તેનો હેતુ માત્ર લોકોને મારવાનો હતો. ઝેલેન્સ્કીએ વધુમાં જણાવ્યું હતું કે જો યુક્રેનને શસ્ત્રોના પુરવઠામાં વિલંબનો સામનો ન કરવો પડ્યો હોત તો હુમલો ટાળી શકાયો હોત. ઝેલેન્સકીએ જણાવ્યું હતું કે બચાવકર્મીઓ કાટમાળ નીચે વધુ લોકોને શોધી રહ્યા છે.


