રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને વધુ એક મોટો આંચકો લાગ્યો છે. યુક્રેન પર હુમલા માટે ઉપયોગમાં લેવાતું રશિયાનું ખતરનાક સુપરસોનિક બોમ્બર જેટ Tu-22M3 રાતના અંધારામાં આગનો ગોળો બની ગયું હતું. આ દુર્ઘટના માત્ર રશિયાની સૈન્ય તાકાત પર જ સવાલો નથી ઉઠાવી રહી, પરંતુ પુતિનના વ્યૂહાત્મક આયોજનને પણ ઊંડો ફટકો પડ્યો છે.
લગભગ 253 કરોડ રૂપિયાની કિંમતનું આ ટુપોલેવ Tu-22M3 બોમ્બર જેટ ઇર્કુત્સ્ક ક્ષેત્રમાં ક્રેશ થયું હતું. આ એરક્રાફ્ટ પુતિનની ન્યુક્લિયર સ્ટ્રાઈક ફોર્સનો ભાગ હતો, જેને યુક્રેનના શહેરો પર તબાહી મચાવવા માટે તૈનાત કરવામાં આવી હતી. દુર્ઘટનાનો વીડિયો રશિયન ટેલિગ્રામ ચેનલો પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં જોઈ શકાય છે કે કેવી રીતે રાત્રિના આકાશમાં જોરદાર ધડાકા સાથે વિમાન જમીન પર પડ્યું.
એક પાયલોટ મૃત્યુ પામ્યો, ત્રણ બચી ગયા
ઇર્કુત્સ્કના ગવર્નર ઇગોર કોબઝેવે અકસ્માતની પુષ્ટિ કરી હતી અને જણાવ્યું હતું કે વિમાનમાં સવાર તમામ ચાર પાઇલોટ ક્રેશ થતાં પહેલાં બહાર નીકળી ગયા હતા. જોકે, આમાંથી એક પાઈલટનું મોત થયું હતું, જ્યારે અન્ય ત્રણના જીવ બચી ગયા હતા. ઘટનાસ્થળે ઉપલબ્ધ વિડીયોમાં અકસ્માત સ્થળ પરથી આગ અને ધુમાડાના મોટા ગોટેગોટા નીકળતા જોવા મળી રહ્યા છે. અકસ્માતને કારણે વિસ્તારમાં વીજળી પણ ગુલ થઈ ગઈ હતી.
યુક્રેન યુદ્ધમાં Tu-22M3 ની ભૂમિકા
Tu-22M3 બોમ્બર જેટને રશિયા દ્વારા યુક્રેન યુદ્ધ દરમિયાન મેરીયુપોલ શહેરમાં કાર્પેટ બોમ્બિંગમાં સૌપ્રથમ તૈનાત કરવામાં આવ્યું હતું. આ એરક્રાફ્ટ લગભગ 7,000 કિલોમીટરના અંતર સુધી ઉડી શકે છે અને પરમાણુ મિસાઇલો Kh-15, Kh-22 જેવા ઘાતક હથિયારો લઇ જવા માટે સક્ષમ છે. તે બે માક (2300 કિમી પ્રતિ કલાક)થી વધુ ઝડપે ઉડી શકે છે.
આ પહેલા પણ આવુ જ એક વિમાન પડી ચુક્યુ છે
આ પહેલીવાર નથી જ્યારે રશિયાનું Tu-22M3 ક્રેશ થયું હોય. આ પહેલા યુક્રેને આ પ્લેન તોડી પાડવાનો દાવો કર્યો હતો. એકવાર આ બોમ્બરને યુક્રેન પર બોમ્બમારો કરીને પરત ફરતી વખતે દક્ષિણ રશિયાના સ્ટેવ્રોપોલ ક્ષેત્રમાં S-200 એન્ટી એરક્રાફ્ટ મિસાઈલ દ્વારા ઠાર કરવામાં આવ્યો હતો. આ ઘટનાઓ રશિયાની સૈન્ય ક્ષમતા અને સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉભા કરી રહી છે.
શાંતિ માટેના પ્રયાસો, પરંતુ પુતિન અડગ છે
આ દરમિયાન અમેરિકા રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને ખતમ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પે આશા વ્યક્ત કરી કે પુતિન યુદ્ધનો અંત લાવવા માંગે છે, પરંતુ ક્રેમલિન તેની શરતો પર અડગ છે. થોડા દિવસો પહેલા 30 દિવસની યુદ્ધવિરામ યોજના પર સહમતિ બની હતી, જેને પુતિને તરત જ ફગાવી દીધી હતી. બ્લેક સી વિસ્તારમાં અસ્થાયી યુદ્ધવિરામ અને ઉર્જા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલા રોકવા માટે સમજૂતી થઈ છે, પરંતુ બંને દેશો એકબીજા પર તેનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવી રહ્યા છે.


