રશિયા અને યૂક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયાને ત્રણ વર્ષ ઉપરાંતનો સમય થયો છે. 24 ફેબ્રુઆરી, 2022ના રોજ રશિયન ટેન્કોએ યૂક્રેનની સરહદમાં પ્રવેશ કર્યો પછી વિધ્વંસનો એવો સિલસિલો શરૂ થયો જે આજ દિવસ સુધી ચાલુ છે.
અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ બીજી વાર રાષ્ટ્રપતિ ચૂંટાયા પછી તેમની દરમિયાનગીરીથી યુદ્ધ રોકાવાની વાતો થઈ પણ કોઈ નક્કર પરિણામ નથી આવ્યું. યૂક્રેન ટચૂકડો દેશ હોવા છતાં શક્તિશાળી રશિયાને મચક નથી આપતો. ત્રણ વર્ષનાં આ યુદ્ધમાં કયા દેશનાં કેટલાં લોકો માર્યા ગયા તે અત્યંત વિવાદાસ્પદ વિષય છે. કોઈ દેશ પોતાનો વાસ્તવિક મૃત્યુઆંક આપવા તૈયાર નથી. આ યુદ્ધથી સુપરપાવર તરીકે રશિયાની પ્રતિષ્ઠાને મોટો ફટકો પડયો છે, તેમાં બેમત નથી. તેની પાસે હવે યોદ્ધા ખૂટી પડયા છે. અર્થતંત્ર ખરાબ હાલતમાં છે અને યૂક્રેન સામે લડવા ભાડાના સૈનિકોની મદદ લેવી પડી છે. રશિયાની ખુવારી અંગે અલગ અલગ આંકડાઓ સામે આવી રહ્યા છે. બીબીસીએ કરેલા એનાલિસિસ પ્રમાણે યૂક્રેન યુદ્ધના ચોથા વર્ષમાં પ્રવેશની સાથે રશિયાની સેનાનાં 95,000થી વધુ સૈનિકોનાં મૃત્યુ થયા છે. જોકે, અલ જઝીરાનાં અહેવાલ પ્રમાણે યૂક્રેનના કમાન્ડર-ઇન-ચીફ્ કર્નલ ઓલેકસેન્ડર સિરસ્કીનો દાવો છે કે 30 ડિસેમ્બર, 2024 સુધી યુદ્ધમાં 4,27,000 રશિયન સૈનિક માર્યા ગયા છે. સ્વતંત્ર ડેમોગ્રાફર અને મોસ્કોના સમાજશાસ્ત્ર્રી દમિત્રી ઝાકોત્યાંન્સ્કીના અંદાજ પ્રમાણે યુદ્ધમાં ઓછામાં ઓછા બે લાખ રશિયન માર્યા ગયા છે.
રશિયામાં ઘટતી જતી વસ્તીને પગલે રાષ્ટ્રપતિ પુતિન મહિલાઓને ઓછામાં ઓછા ત્રણ બાળકો પેદા કરવાની અપીલ કરી ચૂક્યા છે. નવાઈની વાત છે કે સરકારે હવે કોલેજમાં ભણતી વિદ્યાર્થિનીઓને બાળકો પેદા કરવાનાં બદલામાં પૈસાની ઓફર કરી છે. મધ્ય રશિયામાં યૂક્રેન સરહદ નજીક આવેલા ઓર્યોલ પ્રાંતની સરકારે શાળામાં વિદ્યાર્થિનીઓને માતા બનવા બદલ એક લાખ રૂબલ એટલે કે આશરે 1,200 ડોલર (એક લાખ રૂપિયા) આપવાની ઓફર કરી છે. આ યોજના જાન્યુઆરી મહિનાથી અમલી છે. સામાન્ય રીતે શાળામાં ભણતી છોકરીઓની મહત્તમ વય 16-17 વર્ષની હોય. આટલી નાની ઉંમરે માતા બનવાથી છોકરીઓનાં આરોગ્ય પર અસર થઈ શકે છે પણ વસ્તી વધારવાની લહાયમાં સરકારે આ વિચિત્ર નિર્ણય લીધો છે. વળી માતા બનવા માટે કોઈ લઘુતમ વય મર્યાદા પણ નથી રાખવામાં આવી. આ યોજના એવી માતાઓને લાગુ નહીં પડે જે મૃત બાળકને જન્મ આપે. રશિયામાં આવા 40 અન્ય પ્રાંત છે જે યુનિવર્સિટીની વિદ્યાર્થિનીઓને બાળકને જન્મ આપવા પ્રોત્સાહિત કરે છે. પણ શાળામાં ભણતી વિદ્યાર્થિનીઓને માતા બનવા પર પૈસા આપનાર ઓર્યોલ પ્રથમ રશિયન પ્રાંત છે. જોકે નિષ્ણાતોએ આ પગલાંને અપૂરતું અને અણઘડ ગણાવ્યું છે. તેમનાં કહેવા પ્રમાણે નવી માતાઓ માટે વધુ સારી સલામતી અને આદર્શ આર્થિક સ્થિતિ ન પૂરી પાડવામાં આવે ત્યાં સુધી આ યોજના અસરકારક નહીં નીવડે.
અગાઉ, સરકારે ટિનએજ પ્રેગ્નન્સીનાં વિરોધમાં ‘પ્રેગ્નન્ટ એટ 16’ નામનો ટીવી પ્રોગ્રામ શરૂ કર્યો હતો, જેનું નામ બદલીને હવે માતૃત્વની સુંદરતાને હાઇલાઇટ કરવા ‘ Mama at 16’ રાખવામાં આવ્યું છે. વસ્તી વધારા માટે અહીંનાં નેતાઓ ક્યારેક વિવાદાસ્પદ સૂચન પણ કરી બેસે છે. તારુસા શહેરનાં એક સ્થાનિક રાજકારણીએ એવું સૂચન કર્યું કે, મહિલાઓએ ઉનાળામાં ટૂંકા સ્કર્ટ પહેરવા જોઈએ જેથી વસ્તી વધારવામાં મદદ મળે. ભારે ટીકા બાદ લિબરલ ડેમોક્રેટિક પાર્ટીના આ સાંસદે સ્પષ્ટતા કરતા કહ્યું કે તેમણે આ ટિપ્પણી મજાકમાં કરી હતી. જો કે તેમણે એમ પણ જણાવ્યું કે. મહિલાઓનાં ટૂંકા સ્કર્ટ પુરુષોને આકર્ષે છે જેનાંથી લગ્ન અને બાળકોનાં જન્મની સંભાવના વધે છે. વસ્તી ઘટાડાથી ચિંતિત રશિયન સરકાર વિચિત્ર પગલાં લે છે. તાજેતરમાં જ સરકારે દેશમાં સેક્સ મંત્રાલય ખોલવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ મંત્રાલય નાગરિકોને બાળકો પેદા કરવા માટે વિવિધ યોજનાઓ અને કાર્યક્રમ પર કામ કરશે, જેથી દેશની વસ્તીમાં વધારો થાય. સરકાર નવપરિણીત દંપતીનાં હનિમૂનનો ખર્ચ ઉઠાવવાની યોજના બનાવી રહી છે. જે અંતર્ગત કપલ્સને સુહાગરાતે હોટલ સહિતની સુવિધાનો ખર્ચ આપવામાં આવશે, સરકારે પહેલી ડેટનો ખર્ચ પ,000 રૂબલ આપવાનો પણ પ્રસ્તાવ મૂક્યો છે. રશિયામાં જન્મદર પહેલેથી જ નીચો હતો અને કોવિડ-19 મહામારી પછી વસ્તી સતત ઘટી રહી છે. એવામાં યૂક્રેન સાથેનાં યુદ્ધથી મોટો ઘટાડો થયો છે. 2024માં દેશમાં 12.2 લાખ બાળકોનો જન્મ થયો હતો, જે 2023 કરતાં 3.4 ટકા ઓછા છે. છેલ્લા 25 વર્ષમાં આ સૌથી નીચો જન્મદર છે. આનાથી વિપરીત, મૃત્યુની સંખ્યા 3.3 ટકા વધીને 18.2 લાખ થઈ હતી. આ સમયગાળામાં દેશમાંથી સ્થળાંતરમાં 20 ટકાનો વધારો થયો છે. રશિયામાં પ્રજનન દર માત્ર 1.5 છે. વસ્તી ઘટાડા માટે ગર્ભપાતને પણ મહત્ત્વનું કારણ બતાવવામાં આવે છે. 2022માં દેશમાં પાંચ લાખથી વધુ ગર્ભપાત થયા હતા. પુતિન રશિયાને પરંપરાગત મૂલ્યો ધરાવતા દેશ તરીકે રજૂ કરતા રહ્યા છે. તેઓ માને છે કે પશ્ચિમના પતનશીલ સમાજ સામે રશિયા સંઘર્ષ કરી રહ્યું છે. 1990નાં દાયકાના પ્રારંભમાં રશિયાની વસ્તી 14.8 કરોડ હતી, જે ઘટીને 2023માં 14.38 કરોડ થઈ હતી. સંયુક્ત રાષ્ટ્રના અંદાજ પ્રમાણે 2050 સુધીમાં રશિયાની વસ્તી ઘટીને 12 કરોડ થઈ શકે છે. પુતિને રશિયાની વસ્તી ગણતરી 2029 સુધી મોકૂફ્ રાખવા માટેનાં કાયદા પર હસ્તાક્ષર કર્યા છે. નિષ્ણાતોનાં માનવા પ્રમાણે યૂક્રેન યુદ્ધમાં રશિયન સૈનિકોની ખુવારીને જાહેર થતી રોકવા પુતિને આ પગલું ભર્યું છે. રશિયાને વસ્તી ઘટાડાને માઠા પરિણામ ભોગવવા પડી રહ્યા છે. શ્રામિકોની અછતને કારણે દેશનાં વિકાસકાર્યો પર અસર પડી છે. વૃદ્ધોની વસ્તી વધી રહી હોવાથી સરકાર પર આર્થિક બોજ પડી રહ્યો છે. કર્મચારીઓ ઓછાં થઈ રહ્યા હોવાથી કરવેરા સહિતની આવક ઘટી રહી છે.
માત્ર રશિયા જ નહીં, વિશ્વનાં અનેક દેશોમાં વસ્તીમાં તીવ્ર ઘટાડો થઈ રહ્યો છે, તેનું મુખ્ય કારણ મહિલાઓમાં ઘટતો જતો પ્રજનન દર છે. અનેક દેશોમાં પ્રતિ મહિલા જન્મદર 2.1ની વૈશ્વિક સરેરાશથી નીચે જતો રહ્યો છે. આર્થિક પડકારો, વધતું જતું શહેરીકરણ અને બદલાતા જતા સામાજિક નિયમોને કારણે યુવક યુવતીઓમાં લગ્ન નહીં કરવાનું ચલણ જોર પકડી રહ્યું છે. એક અહેવાલ પ્રમાણે 2023માં સૌથી વધુ વસ્તી ઘટાડો યુરોપખંડમાં 0.23 ટકા નોંધાયો છે, જ્યારે બાકીના તમામ ખંડોમાં વધારો થયો છે. ઉત્તર અમેરિકા અને એશિયામાં 0.6 ટકા, લેટિન અમેરિકા અને કેરેબિયનમાં 0.7 ટકા, ઓશેનિયામાં 1.1 ટકા, આફ્રિકામાં 2.3 ટકા વધારો થયો છે. આફ્રિકાની મહિલાઓમાં સૌથી ઊંચો પ્રજનન દર હોવાથી સમગ્ર વિશ્વમાં સોથી વધુ વસ્તી વધારો આ ખંડમાં થાય છે. વિશ્વનાં જે 10 દેશમાં સૌથી વધુ વસ્તી ઘટાડો નોંધાયો તેમાંથી છ દેશો યુરોપનાં છે, જેમાં ગ્રીસ, સાન મરિનો, બેલારુસ, બોસ્નિયા અને હર્ઝેગોવિના, આલ્બેનિયા અને કોસોવોનો સમાવેશ થાય છે. વૃદ્ધોની વધતી જતી વસ્તી, નીચો જન્મદર, ઊંચો ઇમિગ્રેશન દર વગેરેને કારણે વસ્તીમાં ઘટાડો થયો છે. આનાથી વિપરીત, આફ્રિકા અને દક્ષિણ એશિયાનાં કેટલાંક દેશોમાં વસ્તીમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. નાઇજીરિયા, ઇથિયોપિયા જેવા દેશોમાં જન્મદર વધી રહ્યો છે. જોકે આ દેશોમાં શહેરીકરણ અને આર્થિક પડકારોને કારણે આગામી દાયકાઓમાં વસ્તી વધારો ઓછો થાય તેવી સંભાવના છે. સંયુક્ત રાષ્ટ્રનાં વસ્તી વિભાગનાં ડેટા પ્રમાણે 2022 અને 2023 વચ્ચે વિશ્વમાં સૌથી વધુ 8.10 ટકા વસ્તી યૂક્રેનમાં ઘટી હતી, જેનું કારણ રશિયા સાથેનાં યુદ્ધમાં લોકોનાં મોત, શરણાર્થીઓનું પલાયન અને નીચો જન્મદર છે. તુવાલુમાં 1.80 ટકા, ગ્રીસમાં 1.60 ટકા, સાન મરિનોમાં 1.10 ટકા, કોસોવોમાં એક ટકા, સેન્ટ વિન્સેન્ટ એન્ડ ગ્રેનેડિયન્સમાં 0.70 ટકા, બેલારુસમાં 0.60 ટકા, બોસ્નિયા એન્ડ હર્ઝેગોવિનામાં 0.60 ટકા, આલ્બેનિયામાં 0.60 ટકા અને જાપાનમાં 0.50 ટકા વસ્તી ઘટાડો થયો છે. સેન્ટ વિન્સેન્ટ એન્ડ ગ્રેનેડિયન્સના લોકો નોકરી અર્થે અમેરિકા અને કેનેડા જેવા દેશોમાં સ્થળાંતર કરે છે. આલ્બેનિયાના યુવાનો સારી નોકરીની તકો માટે યુરોપમાં શિફ્ટ થાય છે. જાપાનાં વર્ષોથી વૃદ્ધોની વધતી સંખ્યા, નીચો ફર્ટિલિટી રેટ જેવી સમસ્યા છે.
દક્ષિણ ભારતનાં રાજ્યોમાં વસ્તી વધારવાની ઝુંબેશ
ભારતે ગયા વર્ષે ચીનને પાછળ મૂકીને વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતા દેશ તરીકેનું સ્થાન મેળવ્યું. હાલમાં ભારતની વસ્તી અંદાજે 145 કરોડની વસ્તી છે. હાલમાં ચૂંટણી બેઠકો માટેનાં સીમાંકનનો મુદ્દો વિવાદમાં છે. દક્ષિણ ભારતનાં રાજ્યોને ડર છે કે વસ્તી પ્રમાણે સીમાંકન કરવામાં આવે તો સંસદમાં તેમનું પ્રતિનિધિત્વ ઓછું થશે. જો આવું થશે, તો કેન્દ્ર સરકાર પાસેથી ભંડોળ મેળવવા માટે સંઘર્ષ કરવો પડશે, ખેડૂતોને અસર થશે, સંસ્કૃતિ અને વિકાસ જોખમમાં મુકાશે. તામિલનાડુના સીએમ એમ.કે. સ્ટાલિને કહ્યું કે જે રાજ્યોએ વસ્તી નિયંત્રણ માટે કૌટુંબિક યોજનાઓનો કડક અમલ કર્યો છે અને સફળતા મેળવી છે તેમના માટે સીમાંકનથી રાજ્યની બેઠકો ઘટશે. એટલાં માટે જ દક્ષિણનાં રાજ્યોના મુખ્યમંત્રીઓ અને મંત્રીઓ હવે વસ્તી વધારાને પ્રોત્સાહન આપી રહ્યા છે. તામિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિને તાજેતરમાં જ એક લગ્ન સમારોહમાં યુવાનોને લગ્ન બાદ તરત જ બાળકો પેદા કરવાની સલાહ આપતા કહ્યું કે, વધુ વસ્તી વધુ સંસદીય બેઠકો મેળવવા માટેનો માપદંડ છે. તેમણે કહ્યું કે, તામિલનાડુએ વસ્તી નિયંત્રણમાં સફળતા મેળવી પણ હવે રાજ્ય તેનું પરિણામ ભોગવી રહ્યું છે. આ જ રીતે, આંધ્રપ્રદેશ અને તામિલનાડુ સરકારે પણ દંપતીઓને તાજેતરમાં વધુ બાળકો પેદા કરવાની અપીલ કરી હતી. આંધ્રપ્રદેશ સરકારે તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બે બાળકોની નીતિ રદ કરી દીધી છે. પડોશી તેલંગાણા પણ તે દિશામાં નિર્ણય લે તેવી સંભાવના છે. 1950માં ભારતનો પ્રજનન દર 5.7 હતો જે ઘટીને બેથી નીચે આવી ગયો છે. એટલે કે 1950માં ભારતમાં મહિલાઓનો પ્રજનન દર પાંચ બાળકોથી વધુનો હતો જે હવે ઘટીને બે થયો છે. દેશનાં 17 રાજ્યોમાં પ્રતિ મહિલા બે બાળકોનાં રિપ્લેમસમેન્ટ લેવલમાં ઘટાડો થયો છે. રિપ્લેસમેન્ટ લેવલ એટલે સ્થિર વસ્તી માટે જરૂરી બાળકોનો જન્મ.


