પીએમ મોદીના આમંત્રણ પર રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન 4 અને 5 ડિસેમ્બરના રોજ ભારતની રાજકીય મુલાકાતે આવશે. આ પ્રવાસ દરમિયાન તેઓ 23મા ભારત-રશિયા વાર્ષિક શિખર સંમેલનમાં ભાગ લેશે. ભારતના વિદેશ મંત્રાલયે તેની પુષ્ટિ કરી છે. મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ પુતિન અને પીએમ મોદી વચ્ચે બેઠક થશે. રાષ્ટ્રપતિ મુર્મૂ પણ રાષ્ટ્રપતિ પુતિનનું સ્વાગત કરશે અને તેમના સન્માનમાં ભોજનનુ આયોજન કરશે.
પુતિનની આ રાજકીય મુલાકાત ઘણા અર્થોમાં છે ખાસ
પુતિનની આ રાજકીય મુલાકાત ઘણા અર્થોમાં ખાસ હશે. આ ભારત અને રશિયા બંનેના નેતૃત્વને તેમના દ્વિપક્ષીય સંબંધોની પ્રગતિની સમીક્ષા કરવાનો, ‘વિશેષ અને વિશેષાધિકૃત વ્યૂહાત્મક ભાગીદારી’ને મજબૂત બનાવવા માટે દિશા નક્કી કરવાનો અને પરસ્પર હિતના પ્રાદેશિક તેમજ વૈશ્વિક મુદ્દાઓ પર વિચાર વિનિમય કરવાનો અવસર આપશે.
આ પહેલા પણ થઇ હતી મુલાકાત
પુતિનની આ મુલાકાતની જાહેરાત ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલના ઓગસ્ટમાં મોસ્કો પ્રવાસ દરમિયાન કરવામાં આવી હતી, જોકે ત્યારે તારીખો નક્કી કરવામાં આવી નહોતી. બાદમાં પીએમ મોદી અને પુતિન ચીનમાં યોજાયેલા શાંઘાઈ સહકાર સંગઠન (SCO)ના શિખર સંમેલનમાં મળ્યા હતા. બંને એક કારમાં બેઠા હતા અને અંદાજે એક કલાક સુધી અલગથી ચર્ચા કરી હતી.
અમેરિકા દ્વારા ભારત પર રશિયન ઓઇલ આયાત પર ભારે ટેરીફ લગાડ્યા પછી છેલ્લા કેટલાક મહિનાઓમાં બંને દેશો વચ્ચે નજીકતા વધી છે. ટ્રમ્પે યુક્રેન વિરુદ્ધના યુદ્ધની ફંડિંગ માટે ભારત દ્વારા રશિયન ઓઇલની ખરીદી જવાબદાર હોવાનું જણાવ્યું છે.


