- 100થી વધુ સેટેલાઈટના ટુકડા થયા જે રડારમાં જોવા મળ્યા
- આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશન પર રહેલા અવકાશ યાત્રીઓને યાનમાં શરણ લેવાની નોબત આવી
- રશિયન સેટેલાઇટમાં વિસ્ફોટ થયો તેનું નામ RESURS-P1 કહેવાય છે
રશિયાનો એક ઉપગ્રહ અંતરિક્ષમાં નાશ પામ્યો છે, જેના કારણે આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશનના મુસાફરો માટે જોખમ વધી ગયું છે. રશિયાનો ઉપગ્રહ અંતરિક્ષમાં 100થી વધુ ટુકડાઓમાં તૂટી પડ્યો, જેના કારણે આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન પર અવકાશયાત્રીઓને લગભગ એક કલાક સુધી આશ્રય લેવો પડ્યો. અવકાશમાં પહેલેથી જ કચરો છે, તેથી રશિયાના સેટેલાઇટના વિનાશ પછી કચરો વધુ વધી ગયો છે. જે રશિયન સેટેલાઇટમાં વિસ્ફોટ થયો તેનું નામ RESURS-P1 કહેવામાં આવી રહ્યું છે.
જો કે, તે કેવી રીતે તૂટી ગયું તે હજુ સુધી જાણી શકાયું નથી. નિષ્ણાતોનું અનુમાન છે કે કોઈ મિસાઈલે તેને નિશાન બનાવ્યું છે. રશિયાએ તેને 2022માં જ મૃત જાહેર કરી દીધું હતું. અવકાશના કાટમાળ પર નજર રાખી રહેલા યુએસ સ્પેસ કમાન્ડે કહ્યું કે રશિયન સેટેલાઇટથી અન્ય કોઈ ઉપગ્રહને કોઈ ખતરો નથી.
ઘટના ક્યારે બની?
સ્પેસ કમાન્ડે જણાવ્યું કે આ ઘટના માઉન્ટેન ટાઈમ મુજબ બુધવારે સવારે લગભગ 10 વાગ્યે બની હતી. નાસાના સ્પેસ સ્ટેશન ઓફિસે જણાવ્યું કે આ ઘટના સ્પેસ સ્ટેશનની નજીકની ભ્રમણકક્ષામાં બની હતી, જેના કારણે ISS યાત્રીઓએ લગભગ એક કલાક સુધી તેમના અવકાશયાનમાં આશ્રય લેવો પડ્યો હતો. આ સિવાય સેટેલાઇટનું સંચાલન કરતી રશિયન સ્પેસ એજન્સી રોસકોસમોસે આ અંગે કોઈ માહિતી આપી નથી અને ન તો તેણે તેની સોશિયલ મીડિયા ચેનલો પર આ ઘટનાને જાહેરમાં સ્વીકારી છે.
રડાર પર ટુકડાઓ દેખાય છે
ટ્રેકિંગ ફર્મે જણાવ્યું હતું કે રશિયન ઉપગ્રહોના 100 થી વધુ ટુકડા અંતરિક્ષમાં તૂટી પડ્યા છે, જે એટલા મોટા છે કે તેઓ સરળતાથી રડાર પર દેખાઈ શકે છે. કંપનીએ કહ્યું કે આ ચિંતાનો વિષય બની રહ્યો છે. બ્રોડબેન્ડ ઈન્ટરનેટ અને કોમ્યુનિકેશન્સથી લઈને મૂળભૂત નેવિગેશન સેવાઓ સુધીના, પૃથ્વી પરના રોજિંદા જીવન માટે મહત્વપૂર્ણ એવા સેટેલાઇટ નેટવર્કથી અવકાશ ભરેલી છે.


