- વિદેશમંત્રી એસ. જયશંકરે સંભાળ્યો કાર્યભાર
- વિદેશ નીતિને લઇને સરકારની યોજનાઓ અંગે કરી વાતચીત
- ચીન-પાકિસ્તાનને લઇને પણ આપ્યું નિવેદન
એનડીએ સરકારમાં મંત્રીઓનો શપથગ્રહણ સમારોહ અને મંત્રાલયની ફાળવણી થઇ ગઇ છે. મંગળવારે વિદેશમંત્રી એસ. જયશંકરે પોતાનો કાર્યભાર સંભાળ્યો હતો. જયશંકર બીજી વખત મોદી સરકારમાં વિદેશમંત્રી બન્યા છે. ત્યારે પદભાર સંભાળતા જ તેમણે વિદેશ નીતિને લઇને સરકારની યોજનાઓ વિશે વાતચીત કરી હતી.
વિશ્વમાં ઘણી ઉથલપાથલ
વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે આજે વિશ્વમાં ઘણી ઉથલપાથલ છે. તણાવ અને સંઘર્ષ પણ વધી રહ્યો છે. આવા સમયમાં ભારતની ઓળખ એવા દેશ તરીકેની છે જેના પર વિશ્વાસ કરી શકાય. ભારતની એક પ્રતિષ્ઠા અને પ્રભાવ છે.
ચીન-પાકિસ્તાનને લઇને શું બોલ્યા વિદેશમંત્રી
તેમણે વધુમાં જણાવ્યું કે સતત ત્રીજી વખત ચૂંટાઇને સરકાર બનાવવી એ બહુ મોટી વાત છે. દુનિયાને ખબર પડશે તે ભારતમાં રાજનીતિક સ્થિરતા છે. જ્યાં સુધી પાકિસ્તાન અને ચીનની વાત છે તો બંને દેશો સાથેના સંબંધો અલગ છે તેથી સમસ્યાઓ પણ અલગ હશે. અમારો પ્રયાસ ચીન સાથે સરહદ વિવાદનો ઉકેલ શોધવાનો છે અને પાકિસ્તાન સાથે અમે સરહદ પારના આતંકવાદના મુદ્દાનો ઉકેલ શોધવા માંગીએ છીએ.
સિદ્ધિઓનો કર્યો ઉલ્લેખ
વિદેશ મંત્રીએ કહ્યું, ‘મારા માટે આ ખૂબ જ સન્માનની વાત છે કે મને ફરી એકવાર વિદેશ મંત્રાલયનું નેતૃત્વ કરવાની તક આપવામાં આવી છે. વિદેશ મંત્રાલયે ગત ટર્મમાં ખૂબ જ સારું પ્રદર્શન કર્યું હતું. અમે G20 ની સફળતાપૂર્વક અધ્યક્ષતા કરી. કોરોનાના પડકારનો સફળતાપૂર્વક સામનો કર્યો. વેક્સિન મૈત્રી અંતર્ગત રસી પણ આપવામાં આવી હતી. ઓપરેશન ગંગા અને ઓપરેશન કાવેરી જેવા ઘણા મહત્વપૂર્ણ ઓપરેશન પણ હાથ ધરવામાં આવ્યા હતા. છેલ્લા એક દાયકામાં પીએમ મોદીના નેતૃત્વમાં વિદેશ મંત્રાલય જન આધારિત બન્યું છે. તમે જોઈ શકો છો કે અમારી પાસપોર્ટ સેવાઓમાં સુધારો થયો છે. અમે સમુદાય અને વિદેશમાં રહેતા ભારતીયોના કલ્યાણ માટે પણ કામ કર્યું છે.
દુનિયાનો વિશ્વાસ વધ્યા સાથે જવાબદારી પણ વધી
ભારત લાંબા સમયથી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સમાવેશ થવાની માંગ કરી રહ્યું છે જેનો જવાબ આપતા વિદેશમંત્રીએ કહ્યું કે મને વિશ્વાસ છે કે પીએમ મોદીના નેતૃત્વમાં વિદેશ નીતિ સફળ રહેશે. વિશ્વના દેશોને લાગે છે કે ભારત તેમનો મિત્ર છે અને તેઓ મુશ્કેલ સમયમાં આપણી તરફ જુએ છે. વૈશ્વિક દક્ષિણમાં જો કોઈ દેશ તેમના માટે ઉભો રહે છે તો તે ભારત છે. G20ની અધ્યક્ષતા દરમિયાન આફ્રિકન યુનિયનને G20નું સભ્યપદ અપાવ્યું. જેમ જેમ દુનિયાનો આપણામાં વિશ્વાસ વધી રહ્યો છે તેમ તેમ આપણી જવાબદારી પણ વધી રહી છે. અમને લાગે છે કે પીએમ મોદીના નેતૃત્વમાં ભારતની ઓળખ ચોક્કસપણે વધશે.


