- લિજેન્ડ્સ લીગ ક્રિકેટે શ્રીસંતને લીગલ નોટિસ મોકલી
- ગૌતમ ગંભીર સાથેના ઝઘડાને કારણે પગલાં લેવાયા
- એસ શ્રીસંતે ગૌતમ ગંભીરને ફાઇટર ગણાવ્યો
લિજેન્ડ્સ લીગ ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાના બે ભૂતપૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર અને એસ શ્રીસંત વચ્ચે ઉગ્ર બોલચાલી થઈ હતી. મેદાનની વચ્ચે લડાઈ બાદ તેમની લડાઈ સોશિયલ મીડિયા સુધી પહોંચી હતી. સૌથી પહેલા એસ શ્રીસંતે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પણ પોસ્ટ કર્યો છે. વીડિયોમાં તેણે પહેલાં પ્રશંસકોનો આભાર માન્યો હતો અને ગંભીર સાથે મેદાન પર થયેલી બોલાચાલી પર સ્પષ્ટતા આપતાં તેણે ગંભીરને ફાઇટર ગણાવ્યો હતો અને કહ્યું હતું કે ગંભીર લડતો રહે છે, તે હંમેશા તેના સાથી ખેલાડીઓ સાથે લડતો રહ્યો છે.
LCC એ શ્રીસંતને કાનૂની નોટિસ મોકલી
લિજેન્ડ્સ લીગ ક્રિકેટ (LLC) કમિશનરે ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર એસ. શ્રીસંતને લીગલ નોટિસ મોકલી છે. રિપોર્ટ અનુસાર, આ નોટિસમાં કહેવામાં આવ્યું છે કે શ્રીસંતે કોન્ટ્રાક્ટ તોડ્યો છે. શ્રીસંતે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં ગૌતમ ગંભીરને નિશાન બનાવવામાં આવ્યો છે. જેમાં આ વીડિયો હટાવવાની માગ કરવામાં આવી છે. રિપોર્ટમાં વધુમાં જણાવાયું છે કે ફાસ્ટ બોલરને સોશિયલ મીડિયા એકાઉન્ટ્સમાંથી ગૌતમ ગંભીરની ટીકા કરતા વીડિયોને હટાવવાનું કહેવામાં આવ્યું છે. અગાઉ, LCCએ એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે તે ભારતના ભૂતપૂર્વ ખેલાડીઓ ગૌતમ ગંભીર અને શ્રીસંતના ઝઘડામાં આચારસંહિતાના ઉલ્લંઘનની આંતરિક તપાસ કરશે.
ક્વોલિફાયર મેચ દરમિયાન થયો હતો ઝઘડો
6 ડિસેમ્બરે રમાયેલી આ મેચમાં ઈન્ડિયા કેપિટલ્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઇનિંગની બીજી ઓવરમાં ગુજરાત જાયન્ટ્સ તરફથી શ્રીસંત બોલિંગ કરી રહ્યો હતો, જ્યારે ગૌતમ ગંભીર સ્ટ્રાઈક પર હતો. ગંભીરે ઓવરના પહેલા બોલ પર સિક્સર અને પછીના બોલ પર ફોર ફટકારી હતી. ત્રીજો બોલ ડોટ હતો. ગંભીર ચોથા બોલ પર પણ કોઈ રન બનાવી શક્યો નહોતો. આના પર શ્રીસંત ગંભીર તરફ જોયો. ગંભીરે તરત જ જવાબ આપ્યો અને બોલાચાલી શરૂ થઈ ગઈ હતી. શ્રીસંતના કહેવા પ્રમાણે, ગંભીર તેને સતત ફિક્સર, ફિક્સર કહેવા લાગ્યો હતો.
IPL સ્પોટ ફિક્સિંગમાં ફસાયેલો શ્રીસંત
IPL-2013માં સ્પોટ ફિક્સિંગ કૌભાંડમાં કથિત સંડોવણીને કારણે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ની શિસ્ત સમિતિ દ્વારા શ્રીસંત પર આજીવન પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. બાદમાં 2019માં હાઈકોર્ટે આ પ્રતિબંધ ઘટાડીને 7 વર્ષ કરી દીધો હતો.


