પાકિસ્તાન સામે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં દક્ષિણ આફ્રિકાના ઓલરાઉન્ડરે 122 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે. બોલ સાથે 4 વિકેટ લીધા બાદ 30 વર્ષીય ખેલાડીએ બેટથી પણ શો ચોર્યો અને 81 રનની જોરદાર ઇનિંગ રમી. ટેસ્ટ ક્રિકેટના રેકોર્ડ બુક્સને તોડી નાખનાર આ ખેલાડીનું નામ છે કોર્બિન બોશ. બોશે પોતાની ડેબ્યુ મેચમાં જ ઈતિહાસ રચી દીધો છે. બોશની ઈનિંગના કારણે પ્રોટીઝ ટીમે પણ પ્રથમ દાવના આધારે 90 રનની મહત્વની લીડ મેળવી હતી.
કોર્બીન બોશે ઇતિહાસ રચ્યો
કોર્બીન બોશે પોતાની ડેબ્યૂ મેચમાં પ્રથમ બોલથી જ અજાયબીઓ કરી હતી. તેણે 15 ઓવરના સ્પેલમાં 63 રન આપીને પાકિસ્તાનના ચાર બેટ્સમેનોને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. બોશે શાન મસૂદ, સઈદ શકીલ જેવા બેટ્સમેનોને આઉટ કર્યા. બોલ વડે પોતાની છાપ બનાવ્યા બાદ 9મા નંબરે બેટિંગ કરવા આવેલી બોશે પણ બેટ વડે હલચલ મચાવી દીધી હતી. 93 બોલનો સામનો કરીને તેણે 81 રનની જોરદાર ઈનિંગ રમી હતી.
આ ઈનિંગ દરમિયાન બોશે 15 ચોગ્ગા ફટકાર્યા હતા. બોશ ડેબ્યુ મેચમાં દક્ષિણ આફ્રિકા માટે 8મા નંબરે અથવા તેનાથી નીચેના નંબર પર બેટિંગ કરતી વખતે સૌથી મોટી ઇનિંગ્સ રમનાર બેટ્સમેન બની ગયો છે. તેણે 122 વર્ષ જૂના રેકોર્ડને તોડી નાખ્યો છે. આ સાથે, ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં આ પ્રથમ વખત છે, જ્યારે કોઈ નંબર 9 બેટ્સમેને 80થી વધુ રન બનાવ્યા હોય.
બોશે કરી બે મહત્વપૂર્ણ ભાગીદારી
કોર્બિન બોશ જ્યારે બેટિંગ કરવા ઉતર્યો ત્યારે દક્ષિણ આફ્રિકા મુશ્કેલીમાં મુકાઈ ગયું હતું. ટીમે 213ના સ્કોર પર પોતાની 8 વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી બોશે ચાર્જ સંભાળ્યો અને કાગિસો રબાડા સાથે મળીને 9મી વિકેટ માટે 41 રનની મહત્વપૂર્ણ ભાગીદારી કરી. રબાડા પેવેલિયન પરત ફર્યા બાદ બોશે પણ ડેન પેટરસન સાથે 47 રન જોડ્યા જેના કારણે દક્ષિણ આફ્રિકા 300 રનનો આંકડો પાર કરવામાં સફળ રહ્યું. બોશ 81 રન બનાવીને અણનમ રહ્યો હતો.


