- પ્રાંતિજના અમીનપુર ખાતે મગફળીનું બિયારણ નબળુ નિકળતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો
- વાવણી બાદ 15 દિવસ પછી પણ મગફળીનો ગ્રોથ નહીં થતાં ખેડૂતો ચિંતામાં
- 72 વિઘામાં જમીનમાં ખેડૂતોને કુલ 24 લાખથી વધુનું નુકસાન
પ્રાંતિજના અમીનપુર ખાતે રહેતા ખેડૂતો દ્વારા ચોમાસુ મગફળીની ખેતીને લઈને હિંમતનગર ખેડ તસીયારોડ ઉપર આવેલ ફાર્મકાર્ટ સીડ્સ દુકાનમાંથી આઠ ખેડૂતોએ ભેગા થઈને એક જ દિવસે એક જ ખેડૂત પટેલ ભરતભાઈ શંકરભાઈના નામે એક જ બીલમાં તારીખ 31|5|2024ના રોજ ક્રાંતિ પીનટ 20 કિલોની 136 બેગ, જેમાં એક બેગની કિંમત 2600 હતી, તેની કુલ કિંમત 3,53,600 હતી, જે ઓનલાઈન તથા ચેક અને રોકડા ચુકવીને ખરીદી કરી હતી.
વાવણી બાદ 15 દિવસ પછી પણ મગફળીનો ગ્રોથ નહીં
કુલ 72 વિઘા જમીનમાં તારીખ 6/6/2024થી તારીખ 16/6/2024 સુધીમાં વાવેતર કરેલુ અને 15 દિવસ બાદ પણ મગફળીનો ગ્રોથ ના થતા અને ખેતરોમાં ચાર પાંચ ફુટના ગાળે છુટક છુટક છોડ દેખાવા લાગ્યા હતા અને દવા ખાતર નાખ્યા બાદ પણ સમય થતાં તેમાં કોઈ વિકાસનો ફરક ના પડતા ખેડૂતો દ્વારા બિયારણ જ્યાંથી ખરીદી કર્યુ હતું, તે દુકાન ફાર્મકાર્ટ સીડ્સના વેપારીને જાણ કરતા વેપારી ધવલ પટેલને તેના બે માણસો મોકલ્યા હતા અને માણસોએ પણ બરાબર છે તેમ કહીને ચાલતી પકડી હતી.
72 વિઘામાં જમીનમાં ખેડૂતોને કૂલ 24 લાખથી વધુનુ નુકસાન
ત્યારે બધા ખેડૂતો દ્વારા જાતે વેપારીને ત્યાં જઈને રજુઆત કરતા વેપારી ધવલ પટેલ જાતે ખેતરોમાં જોવા આવ્યા અને કહેવા લાગ્યા આતો આજ રીતે ઉગે અને ઉલ્ટાનું કહેવા લાગ્યો કે તમારે જે થાય તે કરી લો મારૂ કોઈ કાંઈ નહીં બગાડી શકે, ત્યારે હાલતો ખેડૂતોને બિયારણ, ખેડ, દવા, ખાતર મજૂરી સહિતનો ખર્ચ માથે પડયો છે અને અંદાજે એક ખેડૂતને એક વિઘે 35,000થી વધુનું નુકસાન એટલે કે 72 વિઘામાં આઠેય ખેડૂતોને કૂલ 24 લાખથી વધુનું નુકસાન થયુ છે.
સાંસદ શોભનાબેન બારૈયાને કરી રજૂઆત
ત્યારે વેપારીને રજુઆત કરી છતાંય ઉલ્ટાનું જે થાય તે કરી લો તેવો ઉદ્ધત જવાબ આપતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે અને 40 દિવસ બાદ પણ ગ્રોથ ના થતા ખેડૂતો દ્વારા આ અંગે સાબરકાંઠા-અરવલ્લી સાંસદ શોભનાબેન બારૈયાને તથા પ્રાંતિજ પોલીસ સ્ટેશન તથા પ્રાંતિજ ખાતે આવેલ ખેતીવાડી અધિકારીને લેખિતમાં રજુઆત કરી છે અને સોમવારના રોજ તમામે-તમામ ખેડૂતો દ્વારા ગાંધીનગર ખાતે જઈને કૃષિ મંત્રીને રજુઆત કરશે.
જવાબદાર સામે પગલા લેવાની માગ
ત્યારે હાલ તો બોગસ ક્રાંતિ પીનટ મગફળીનું બિયારણ નકલી નિકળતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે, ત્યારે જવાબદાર તંત્ર દ્વારા આવા વેપારીઓ સામે કડકમાં કડક પગલા લે અને ખેડૂતોને બિયારણ, ખેડ, દવા, ખાતર, મજૂરી સહિત મહેનત ખરીદ પાક સહિતનો ખર્ચ ચુકવી આપે તેવી માંગ છે, ત્યારે હવે જોવુ એ રહ્યુ કે સરકાર કે સરકારી અધિકારીઓ આ ખેડૂતોના પડખે ઉભા રહીને ન્યાય અપાવશે કે પછી હોતા હે ચલતા હે જેવી સ્થિત જોવા મળશે.


