સાબરકાંઠાના વડાલી તાલુકાના મેઘ ગામની સીમમાં એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. લોકચર્ચા મુજબ સામાજિક લોકલાજ અથવા પાપ છુપાવવાના ઈરાદે એક નિર્દયી માતા-પિતાએ પોતાના તાજા જન્મેલા શિશુને રસ્તા વચ્ચે બિનવારસી હાલતમાં તરછોડીને પલાયન થઈ ગયા હતા. મેઘ ગામની સીમ પાસે જ્યારે સ્થાનિક લોકોની નજર આ ત્યજી દેવાયેલા નવજાત શિશુ પર પડી ત્યારે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.
પાપ છુપાવવા બાળકને ત્યજી દીધાનો સંદેહ
જાગૃત નાગરિકોએ સમય સૂચકતા વાપરી તત્કાલ 108 ઈમરજન્સી સેવાને જાણ કરી હતી. 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચી બાળકને પ્રાથમિક સારવાર આપી સુરક્ષિત રીતે વડાલી સામુહિક આરોગ્ય કેન્દ્ર (CHC) ખાતે ખસેડ્યું હતું. વડાલી આરોગ્ય કેન્દ્રના ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફ દ્વારા બાળકની સઘન દેખભાળ રાખવામાં આવી રહી છે. રાહતની વાત એ છે કે બાળક હાલ સંપૂર્ણપણે સ્વસ્થ છે, જેને પગલે સ્થાનિકો અને હોસ્પિટલ સ્ટાફમાં ખુશીની લહેર જોવા મળી છે.
નવજાત બાળકને છોડી પિતા ફરાર થયાનો આક્ષેપ
બીજી તરફ આ ઘટનામાં એવો આક્ષેપ પણ કરવામાં આવી રહ્યો છે કે બાળકના પિતા જ તેને છોડીને ફરાર થઈ ગયા છે. પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે સાબરકાંઠા જિલ્લામાં તાજેતરમાં નવજાત બાળકોને ત્યજી દેવાના કિસ્સાઓમાં વધારો થતા સમાજ માટે ચિંતાનો વિષય બન્યો છે.


