- હિંમતનગર સિવિલમાં કુલ 4 બાળકો સારવાર હેઠળ
- અત્યાર સુધી ચાંદીપુર વાયરસથી 4 બાળકોના થયા છે મોત
- વાયરસ ખાસ કરીને મચ્છર અને મોટી માખીથી ફેલાય છે
સાબરકાંઠામાં ચાંદીપુરા વાયરસે હાહાકાર મચાવ્યો છે. ત્યારે હવે વધુ એક બાળકમાં ચાંદીપુર વાયરસના લક્ષણો જોવા મળ્યા છે અને પોશીનાના નાડા ગામના બાળકને સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે. બાળકમાં તાવ, બેભાન અવસ્થામાં હોય તેવા લક્ષણો જોવા મળ્યા છે અને સારવાર માટે હાલમાં હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે.
હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં કુલ 4 બાળકો ચાંદીપુરા વાયરસને લઈ સારવાર હેઠળ દાખલ
ઉલ્લેખનીય છે કે હાલમાં હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં કુલ 4 બાળકો ચાંદીપુરા વાયરસને લઈ સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે અને સારવાર લઈ રહેલા 4માંથી 1 બાળકની સ્થિતિ હાલમાં નાજૂક હોવાની જાણકારી મળી રહી છે. તમને જણાવી દઈએ કે અત્યાર સુધી ચાંદીપુર વાયરસથી 4 બાળકોના મોત થયા છે. આ વાયરસ ખાસ કરીને મચ્છર, મોટી માખીથી ફેલાય છે.
આરોગ્ય વિભાગ દ્વારા સર્વે હાથ ધરી દવાનો છંટકાવ શરૂ
હાલમાં પોશીનાના નાડા ગામના 3 વર્ષીય બાળકને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે. સિવિલના પી.આઈ.સી.યુ વોર્ડમાં બાળક દાખલ છે. તમને જણાવી દઈએ કે અત્યાર સુધી શંકાસ્પદ ચાંદિપુરા વાયરસના કૂલ 8 કેસ નોંધાયા છે, જેમાં 4 બાળકોના મોત થયા છે અને 4 બાળકો હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ત્યારે હાલમાં તંત્ર પણ આ વાયરસને લઈને કામે લાગ્યુ છે અને આરોગ્ય વિભાગ દ્વારા સર્વે હાથ ધરી દવાનો છંટકાવ શરૂ કર્યો છે.
શું છે વાયરસના લક્ષણો?
ચાંદીપુરા વાયરસના કેસોમાં દર્દીને તાવ આવે છે, ઉલટી થાય છે, શ્વાસ લેવામાં તકલીફ પડે છે, મગજનો તાવ આવે જેવા લક્ષણો જોવા મળે છે. આ રોગના મહત્તમ લક્ષણો અન્ય વાયરસ જેવા જ હોય છે, જેથી પ્રાથમિક તબક્કે રોગની ઓળખ કરવામાં મુશ્કેલી પડે એમ છે. જોકે ચાંદીપુરા વાયરસ મોટાભાગે 10 વર્ષથી નીચેના બાળકોમાં જ વધારે જોવા મળે છે. આ વાયરસ ખૂબ જ જીવલેણ છે, જેથી તેનો ભોગ બનેલાને ખુબ જ ઝડપી ટ્રીટમેન્ટ મળવી ખુબ જરૂરી છે.


