ભારતીય ટીમના મહાન બેટ્સમેન સચિન તેંડુલકર અને અંજલિ તેંડુલકરના લગ્નને 30 વર્ષ પૂર્ણ થયા છે. આ ખાસ પ્રસંગે, તેમની પુત્રી સારા તેંડુલકરે સોશિયલ મીડિયા પર તેના માતાપિતાને અભિનંદન આપ્યા. તેને સચિન-અંજલીની ખાસ તસવીરો શેર કરી છે.
24 મે 1995 ના રોજ, માત્ર 22 વર્ષની ઉંમરે, સચિને તેનાથી 6 વર્ષ મોટી બાળરોગ નિષ્ણાત અંજલિ સાથે લગ્ન કર્યા. મેદાન પર પોતાના બેટથી બોલતા માસ્ટર બ્લાસ્ટરની લવસ્ટોરી કોઈ ફિલ્મથી ઓછી રસપ્રદ નથી.
બંનેની પહેલી મુલાકાત તેમના લગ્નના લગભગ પાંચ વર્ષ પહેલા થઈ હતી. 1990 માં જ્યારે સચિન ઈંગ્લેન્ડના પ્રવાસ પછી ઘરે પરત ફરી રહ્યો હતો, ત્યારે અંજલિ પણ મુંબઈ એરપોર્ટ પર ત્યાં હતી અને તે બંને મળ્યા હતા.
માસ્ટર-બ્લાસ્ટર અને અંજલિની લવસ્ટોરી
જ્યારે અંજલિએ સચિનને પહેલી વાર એરપોર્ટ પર જોયો ત્યારે તેને તે ખૂબ જ ક્યૂટ લાગ્યો. જે પછી અંજલિ ઓટોગ્રાફ માટે માસ્ટર-બ્લાસ્ટરની પાછળ દોડી. અંજલિએ સચિનને મળવાનો ખૂબ પ્રયાસ કર્યો. સચિનને મળવા માટે અંજલિ ખોટી પત્રકાર બનીને તેના ઘરે પહોંચી ગઈ.
તમને જાણીને નવાઈ લાગશે કે સચિન અને અંજલિએ પાંચ વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા, પરંતુ આ સમય દરમિયાન તેમને સાથે કોઈ ફિલ્મ જોઈ નહીં. લગ્ન પહેલાં, તેમને સાથે જોયેલી પહેલી ફિલ્મ ‘રોઝા’ હતી.
સચિન માટે આ કામ કરતી હતી અંજલિ
આ સિવાય અંજલિ સચિન માટે એટલી દિવાની છે કે જ્યારે પણ તે બેટિંગ કરવા માટે ક્રીઝ પર જતો, તે દરમિયાન તે કંઈ ખાતી નહીં, ફોનનો જવાબ આપતી નહીં, કે ક્યાંય ફરતી નહીં. અંજલિ ગુજરાતી ઉદ્યોગપતિ આનંદ મહેતા અને બ્રિટિશ સામાજિક કાર્યકર્તા એનાબેલ મહેતાની પુત્રી છે.
સચિન તેંડુલકરના સસરા આનંદ સાત વખત રાષ્ટ્રીય બ્રિજ ચેમ્પિયન છે. આ કપલને બે બાળકો છે, સારા અને અર્જુન. સારાનો જન્મ 12 ઓક્ટોબર, 1997ના રોજ થયો હતો, જ્યારે ક્રિકેટર બનવા માંગતો અર્જુન 24 સપ્ટેમ્બર, 1999ના રોજ સચિનના ઘરે આવ્યો હતો.
સારા તેંડુલકરે શેર કરી તસવીરો
મંગળવારે સારાએ તેના માતાપિતાને તેમના 30મી વેડિંગ એનિવર્સરી પર અભિનંદન આપ્યા. આ સમય દરમિયાન તેણે ઘણી તસવીરો શેર કરી અને લખ્યું છે કે આ અદ્ભુત જોડીના 30 વર્ષનું સેલિબ્રેશન! સાથે મળીને, તમે એક એવું જીવન બનાવ્યું છે જે પ્રેમથી ભરેલું છે જે આપણને બધાને પ્રેરણા આપે છે. હંમેશા અને આગળ પણ શુભેચ્છાઓ.


