- વિરાટ કોહલીએ ODI ક્રિકેટમાં તેની 49મી સદી પૂરી કરી
- વિરાટ કોહલીએ સચિન તેંડુલકરના રેકોર્ડની બરાબરી કરી
- સચિન તેંડુલકરે વિરાટ કોહલીને ટ્વિટ કરીને અભિનંદન પાઠવ્યા
ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીએ આજે સાઉથ આફ્રિકા સામે તેની ODI કારકિર્દીની 49મી સદી ફટકારી છે. તેણે કોલકાતાના ઐતિહાસિક મેદાન પર તેની ODI કારકિર્દીની પ્રથમ સદી ફટકારી હતી અને આજે તે જ મેદાન પર તેણે સદી ફટકારીને સચિન તેંડુલકરના વિશ્વ રેકોર્ડની બરાબરી કરી લીધી છે. વિરાટ કોહલીએ આ મેચમાં 121 બોલમાં 101 રનની શાનદાર ઇનિંગ રની હતી, સચિન તેંડુલકરે પોતે ટ્વિટ કરીને વિરાટને આ રેકોર્ડ સદી માટે અભિનંદન પાઠવ્યા છે.
સચિન તેંડુલકરે ટ્વિટ કરીને અભિનંદન પાઠવ્યા
સચિન તેંડુલકરે પોતાની સ્ટાઈલમાં ટ્વીટ કરીને લખ્યું, ‘વિરાટ ખૂબ જ સારું રમ્યો, મને 49થી 50મી સદી ફટકારતા 365 દિવસ લાગ્યા હતા. હું આશા રાખું છું કે આવનારા દિવસોમાં તમે 49 થી 50 સુધી પહોંચી જશો અને મારો રેકોર્ડ તોડશો. અનેક શુભકામનાઓ. સચિન તેંડુલકરે એક જ ટ્વીટમાં પોતાની ઉંમર અને સદીનો સમાવેશ કરીને ફની ટ્વિટ કરી છે. તમને જણાવી દઈએ કે સચિન તેંડુલકર આ વર્ષે એપ્રિલ મહિનામાં 50 વર્ષનો થઈ ગયો. તેથી તેઓએ 49 થી 50 વર્ષોમાં 365 દિવસનો ઉપયોગ કર્યો હતો.
ભારતનું આ મેચમાં પ્રદર્શન
જો મેચની વાત કરીએ તો ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતીય ટીમે નિર્ધારિત 50 ઓવરમાં 326 રન બનાવ્યા અને વિપક્ષી ટીમ માટે પડકારજનક લક્ષ્યાંક મૂક્યો. વિરાટ કોહલી માટે આ મેચ યાદગાર રહી. તેણે તેની ODI કારકિર્દીની 49મી સદી ફટકારી એટલું જ નહીં, તેણે આજે તેના જન્મદિવસ પર સદી ફટકારવાનો અનોખો રેકોર્ડ પણ બનાવ્યો હતો. તે પોતાના જન્મદિવસ પર સદી ફટકારનાર 7મો બેટ્સમેન બની ગયો છે. જ્યારે વિનોદ કાંબલી અને સચિન તેંડુલકર બાદ તે ત્રીજો ભારતીય બેટ્સમેન છે જેણે પોતાના જન્મદિવસ પર આ સિદ્ધિ મેળવી છે.