ભારતના પ્રખ્યાત યોગી, દિવ્યદર્શી અને ઈશા ફાઉન્ડેશનના સ્થાપક સદગુરુને કેનેડા ઈન્ડિયા ફાઉન્ડેશન (CIF) દ્વારા માનવ ચેતનાને ઉપર ઉઠાવવા અને કોન્શિયસ પ્લેનેટ મૂવમેન્ટ દ્વારા પર્યાવરણીય પ્રયાસોને આગળ વધારવા માટેના તેમના અસાધારણ યોગદાન બદલ ગ્લોબલ ઈન્ડિયન એવોર્ડ 2025થી સન્માનિત કરવામાં આવ્યા છે. આ પ્રતિષ્ઠિત સન્માન ભારતીય મૂળના એવા વ્યક્તિઓને સન્માનિત કરે છે જેમણે વૈશ્વિક સ્તરે નોંધપાત્ર અસર પાડી છે.
8 કરોડ 40 લાખ લોકોના જીવનને બદલવાની પહેલ
ઓક્ટોબર 2024માં જાહેર કરાયેલા આ એવોર્ડ 22 મે,2025ના રોજ ટોરોન્ટોમાં CIF ચેર રિતેશ મલિક અને નેશનલ કન્વીનર સુનીતા વ્યાસ દ્વારા ઈન્ડો-કેનેડિયન આગેવાનો, ઉદ્યોગપતિઓ અને સમુદાયના સભ્યોની હાજરીમાં પ્રદાન કરવામાં આવ્યો છે. એવોર્ડની સાથે 50,000 કેનેડિયન ડોલરનું ઈનામ પણ સદ્ગુરુને આપવામાં આવ્યું, જે તેમણે કાવેરી કોલિંગને સમર્પિત કર્યું – જે કાવેરી નદીને પુનર્જીવિત કરીને 8 કરોડ 40 લાખ લોકોના જીવનને બદલવાની પહેલ છે.
અનેક મુદ્દાઓ પર કામ કરે છે સદગુરુ
આ પ્રસંગે બોલતા, CIF ચેર રિતેશ મલિકે કહ્યું, “સદગુરુ માટીના વિનાશ, ક્લાયમેટ ચેન્જ અને ખોરાકની ગુણવત્તા જેવા વૈશ્વિક પડકારો માટે વ્યવહારુ અને લાંબા ગાળાના ઉકેલો પ્રદાન કરે છે. કેનેડા સદગુરુ જેવા વિચારકોથી ઘણો લાભ મેળવી શકે છે, જેમની શિક્ષા વ્યક્તિગત સુખાકારી, ટકાઉપણું અને સમાવેશિતા પર કેનેડાના પોતાના ફોકસ સાથે સુસંગત છે. યોગ અને ધ્યાન પર તેમનો ભાર, ખાસ કરીને માનસિક બીમારીઓના મોટા પડકારના સમયે, કેનેડાની જાહેર આરોગ્યની પ્રાથમિકતાઓ સાથે એકદમ બંધબેસે છે.”
જાગરૂક અને કરુણામય માનવતા જ આગળ વધવાનો માર્ગ
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર, CIF એ શેર કર્યું “ઈન્ડો-કેનેડિયન સમુદાય વતી, ગઈકાલે કેનેડા ઈન્ડિયા ફાઉન્ડેશનનો ગ્લોબલ ઈન્ડિયન ઓફ ધ યર એવોર્ડ સ્વીકારવા બદલ સદગુરુનો ખુબ ખુબ આભાર. સદગુરુનો સંદેશ ગહન રીતે પ્રતિધ્વનિત થાય છે: જાગરૂક અને કરુણામય માનવતા જ આગળ વધવાનો માર્ગ છે.” જવાબમાં, સદગુરુએ જણાવ્યું, “કેનેડા અને ભારત બંનેના વિકાસ અને સમૃદ્ધિમાં ભારતીય સમુદાયનું યોગદાન જોવું શાનદાર છે. તમારી ઉષ્માભરી મહેમાનગતિ માટે આભાર. ઘણો પ્રેમ અને આશીર્વાદ.”
કેનેડા ઈન્ડિયા ફાઉન્ડેશન એક જાહેર નીતિની થિંક ટેંક છે જે કેનેડા-ભારતના સંબંધોને મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેનો ગ્લોબલ ઈન્ડિયન એવોર્ડ ભારતીય વારસો ધરાવતા એવા વ્યક્તિઓની ઉજવણી કરે છે જેઓ શ્રેષ્ઠતા અને માનવતાની સેવાનું પ્રતીક છે. આ એવોર્ડ સદગુરુ જેવા વૈશ્વિક પરિવર્તન લાવનારાઓને સન્માનિત કરે છે. સદગુરુની કોન્શિયસ પ્લેનેટ મૂવમેન્ટ માટી બચાવો, કાવેરી કોલિંગ, એક્શન ફોર રુરલ રિજુવનેશન અને ઈશા વિદ્યા જેવી પહેલો દ્વારા પર્યાવરણીય અને સામાજિક પરિવર્તન લાવે છે.