લાભાર્થીઓમાં પદાધિકારીઓ અને નેતા હોવાથી નામ જાહેર ન થતાં હોવાની શંકા
અગ્ર ગુજરાતે જણાવ્યા મુજબ સાગઠિયાના ભોગવટાવાળી અને તેના ભાઇના નામે શહેરના આલિશાન ટવીન ટાવરની ઓફિસમાંથી ગઇ કાલે એસીબીને રૂપિયા ૧૮ થી ૧૯ કરોડનો રોકડ,ઝવેરાત,સોનુ,કિંમતી ઘડિયાળો અને વિદેશી ચલણ મળી આવતાં અનેક લોકોની આંખો પહોળી થઇ ગઇ છે. આટલી મોટી માત્રામાં કોઇ એક અધિકારી લાંચ કઇ રીતે લઇ શકે? આખી સિસ્ટમ ગોઠવાયેલી હોય અને તે માત્ર મહોરુ હોય તેવી આશંકાઓ વ્યકત થઇ રહી છે તેને સતત બળ મળે છે. પરંતુ છેલ્લા એક મહિનાથી વધુ ચાલતી તપાસ સાગઠિયાના ખીલે જ બંધાઇ રહી છે. તેની આગળની કડીએ વધતી નથી તેથી તપાસનીશ એજન્સી ઉપર પણ ચોમેરથી આશંકા વ્યકત થઇ રહી છે. સાગઠિયા સામે એસીબીમાં અગાઉ ફરિયાદ થઇ હોવા છતાં બેફામ ભ્રષ્ટાચાર અને એક રીતે કહીએ તો ખંડણી ચાલુ હતી.
હવે સાગઠિયાની પૂછપરછ થઇ રહી છે અને કરોડો રૂપિયાનો દલ્લો તથા દસ્તાવેજ તેની પાસેથી મળી રહયા છે એ કારણે તેની ૬ દિવસની રિમાન્ડ લેવામાં આવી છે. કહેવાય છે કે સાગઠિયાએ કુલ 3૭ લાભાર્થીઓની કાચી ચીઠ્ઠી ખોલી નાંખી છે. જેમાં કેટલાક નામ નેતા અને તેમનાથી સિનિયર અધિકારીના હોવાથી તપાસનીશ એજન્સી અને એસીબી ફૂંકી ફૂંકીને છાસ પીવે છે. સમગ્ર રાજયમાં એક જ સવાલ પૂછાઇ રહયો છે કે ટીઆરપી કાંડના સર્જકોમાં મોટા માથા પકડાશે કે માત્ર માછલા પકડી તપાસ પૂર્ણ થઇ જશે. ત્રણ ત્રણ તપાસ કમીટી તપાસ કરી રહી છે ત્યારે ગુજરાતની જનતાને ન્યાય મળશે કે કેમ એ સવાલ છે.