સાગઠીયાએ મનપાનો વેરો પણ ન ભરતાં લાગી છે નોટીસ
આખા રાજકોટને ટાઉન પ્લાનિંગના નિયમો બતાવી બિલ્ડરો તથા રહેણાંક મકાન બાંધનાર નાગરિકોને કાયદાના જોરે દબાવનાર સાગઠીયાએ નિયમોના સરેઆમ ધજ્જીયા ઉડાવ્યા છે. ખુદ સાગઠીયાએ શહેરના ૧૫૦ ફૂટ રીંગ રોડ પર સિલ્વર હાઇટથી આગળ ટવીન સ્ટાર ટાવરમાં લીધેલી ઓફિસમાં કાયદાની ઐસી તૈસી કરી છે. આ ઓફિસમાં તેના ભાઇ દિલીપના નામે દસ્તાવેજ કરાવ્યા બાદ તીકડ્ડમ કરીને પાવર ઓફ એટર્ની પોતાના નામે કરી લીધા હતા. આ અંગે ‘અગ્ર ગુજરાત’ના દસ્તાવેજી પુરાવા સાથેના અહેવાલ બાદ મનપા તંત્ર અને તપાસનીશ એજન્સીઓ જાગી છે. સાગઠીયાની ઓફિસને સીલ કરી દેવામાં આવી છે તેમજ સ્થાનિક સિકયોરીટીને તેમજ એસોસીએશનને આ ઓફિસ કોઇ ખોલે નહી તે માટે તાકીદ કરી દેવામાં આવી છે.
આશ્ચર્યની વાત તો એ છે કે મનપામાં ચીફ ટાઉન પ્લાનર તરીકે બેસીને સાગઠીયા ગામ આખાને ટાઉન પ્લાનિંગના કાયદા ભણાવતા હતા. પરંતુ ટવીન સ્ટારની ઓફિસનો વેરો ભરવાની પણ તેણે તસ્દી લીધી નથી અને કાયદાની ઐસી તૈસી કરી નથી. મનપાએ આપેલી નોટીસમાં રૂ.૬૭,૭33 રૂપિયા બાકી બતાવે છે. જે સાગઠીયાએ હજુ સુધી ભર્યા નથી.
દરમિયાનમાં મનસુખ સાગઠીયાએ અંગે ચોમેરથી રોજ ચોંકાવનારા ભ્રષ્ટાચારના આક્ષેપો અને તેના પુરાવાઓ સીટ પાસે, એસીબી પાસે તથા મીડિયા સુધી પહોંચી રહ્યા છે. લોકોને દબાવી અને નાણા ખંખેરવાની સાગઠીયાની મોડસ ઓપરેન્ડી સામે હવે વેપાર ઉદ્યોગ અને સામાન્ય નાગરિકોમાંથી રોષ જોવા મળી રહ્યો છે. સાગઠીયાના પાપના ભાગીદાર કેટલાક ભાજપના નેતાઓ હોવાનું પણ કહેવાય છે. પરંતુ સાગઠીયા જયાં સુધી મોં ના ખોલે અને સીટ તપાસના અંત સુધી ન જાય ત્યાં સુધી ભાજપના નેતાઓ, કોર્પોરેટરો અને પૂર્વ કોર્પોરેટરો સહિતના કોણ-કોણ જવાબદાર છે તે રહસ્ય અકબંધ રહેશે. સીટની તપાસ પણ ત્યાં સુધી અધુરી રહેશે.


