સાગઠીયા પાસે પૈસા કયાંથી આવ્યા તેના બદલે તપાસ અવળે માર્ગે વાળી : દાગીના કયાંથી લીધા તેની તપાસ થઇ
ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ મામલે ચાલતી તપાસમાં પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠીયાના રિમાન્ડ પૂરા થતાં તેને પુન: જેલમાં મોકલી દેવાયા છે. બીજી બાજુ તપાસમાં સાગઠીયાએ જે વિગતો જુદી-જુદી સીટને જણાવી છે તે પ્રમાણે હવે જેના નામનું રહસ્ય સ્ફોટ થયું છે અને જેમની સાથે સાગઠીયાએ નાણાકીય વ્યવહારો કર્યા છે તેવા મુખ્ય સુત્રધારો સુધી તપાસ પહોંચશે કે કેમ તે અંગે સવાલ છે. બીજી બાજુ તપાસનીશ ટીમે સાગઠીયાને કોણે નાણા આપ્યા તે તપાસ કરવાના બદલે સાગઠીયાએ પૈસા કયા વાપર્યા તે દિશામાં તપાસ ફંટાઇ જતાં અનેક રહસ્યો ઉભા થયા છે. સાગઠીયાના કાળા કામના ભાગીદારો કોણ છે તે શોધવાના બદલે તપાસ અવળા પાટે જતાં સીટની કામગીરી અંગે પણ સવાલો ઉભા થયા છે.
ભ્રષ્ટ અધિકારીઓના કારણે નાના મોવા રોડ પર રહેણાક હેતુની જગ્યામાં કોમર્શિયલ ટીઆરપી ગેમ ઝોન નિર્માણ પામ્યું હતું અને આ ગેમ ઝોનમાં તમામ અધિકારીઓએ કાળા હાથ કરી ટીઆરપી ગેમ ઝોનને છૂટો દોર આપી દેતા 27 નિર્દોષ લોકો મોતના મુખમાં ધકેલાઈ ગયા છે. આ ઘટના પાછળ મહાનગરપાલિકાના પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠીયા જવાબદાર હોવાનું સરકારે રચેલી સીટ દ્વારા હાઇકોર્ટમાં જાહેર કરાયું છે. પરંતુ લોકોમાં એવું ચર્ચાઈ છે કે સાગઠીયા પાછળ પણ શાસક પક્ષના પદાધિકારીઓ છુપાયેલા છે. પરંતુ જાહેરમાં સાગઠીયા કે કોઈ તપાસ એજન્સી દ્વારા જાહેર કરાયું નથી.
તાજેતરમાં એસીબી દ્વારા ગુનો દાખલ કરાયા બાદ સાગઠીયાને સાથે રાખી તેની ઓફિસ પર દરોડો પાડવામાં આવ્યો હતો. ત્યારે 18 કરોડનો દલ્લો એસીબીને હાથ લાગ્યો હતો. આ પ્રકરણમાં છ દિવસના રિમાર્ડ પર રહેલા સાગઠીયા એ એસીબીની સામે વટાણા વેરી દીધા હોવાનું ચર્ચાઇ રહ્યું છે. એસીબી દ્વારા 18 કરોડનો દલ્લો ઝડપી લીધા બાદ તેમાં મોટા પ્રમાણમાં સોનું અને દાગીના હોવાથી પૂછપરછમાં આ આ સોનુ અને દાગીના ત્રણ મોટા જવેલર્સ, શિલ્પા જ્વેલર્સ, પ્રેમજી વાલજી જ્વેલર્સ અને રાધિકા જ્વેલર્સ માંથી ખરીદ કર્યાની કબૂલાત આપતા એસીબીએ ત્રણેય જ્વેલર્સના વેપારીઓને સોનુ બતાવતા આ સોનુ તેઓ પાસેથી ખરીદ કર્યાનું કબૂલ્યું હતું. આ ઉપરાંત કહેવાય છે કે જ્વેલર્સના વેપારીઓએ પણ એવું કબૂલ્યું છે કે, સાગઠીયા તેઓ પાસેથી રોકડેથી બિસ્કીટ અથવા દાગીનાની ખરીદી કરતા હતા જેનું બિલ પણ લેતા ન હતા જેથી અન્યના નામે બિલ ઉધારી લેવામાં આવતું હતું.દરમિયાન ગઈકાલે સાગઠીયાના રિમાન્ડ પૂર્ણ થતા એસીબીએ સાગઠીયાને ફરી કોર્ટ હવાલે કરતા કોર્ટે તેને જેલવાસમાં પરત મોકલ્યો છે. આ ઉપરાંત એસીબીએ જણાવ્યું છે કે જરૂર પડયે સાગઠીયાની જેલની અંદર જઈને પણ પૂછપરછ કરવામાં આવશે.
એસીબીની તપાસ દરમિયાન કહેવાય છે કે સાગઠીયાએ વટાણા વેરી દીધા છે. સાગઠીયા મોટા બિલ્ડરો અને આર્કિટેક સાથે ધરોબો ધરાવતો હતો તે તમામના નામો મહદઅંશે બોલી ચૂક્યો છે. પરંતુ અંદર ખાનાનું રાજ હજુ પણ એસીબી સિવાય કોઈ જાણતું નથી. મહત્વની બાબત એ છે કે, આગામી સમયમાં એસીબી દ્વારા આ બિલ્ડરો અને આર્કિટેક સામે તપાસ કરવામાં આવશે.? કે પછી તમામ રાજને ભો માં ભંડારી દેવામાં આવશે.
સાગઠીયા જેલવાસમાં જતા આગળની તપાસ નો મદાર એસીબીની રચાયેલી સીટ પર રખાયો છે આગામી સમગ્ર તપાસ સીટ દ્વારા કરવામાં આવી રહી છે. હવે જોવાનું એ રહ્યું કે સીટ તમામ રાજને ઉજાગર કરશે કે પછી રાજકીય આકાઓના શરણે ઝૂકી જશે.?
સાગઠીયાની તપાસ ઇડી અને ઇન્કમટેકસ કરશે