એક વાર સમ્રાટ અશોક પોતાના વિશ્વસનીય અને વફાદાર મંત્રી ભ્રામત્ય સાથે બહાર જઈ રહ્યા હતા. તેમણે રસ્તામાં એક સંતને આવતા જોયા અને ઘોડા પરથી ઊતરીને તેમણે સંતને દંડવત્ પ્રણામ કર્યાં. મહાન સમ્રાટ અશોક એક સામાન્ય સંતને આ રીતે દંડવત્ કરે તે વાત ભ્રામત્યને ન ગમી.
સંતના ગયા પછી ભ્રામત્યએ સમ્રાટ અશોકને પૂછ્યું, `હે રાજન! મારી સમજમાં નથી આવતું કે આટલા મોટા સમ્રાટ થઈને તમે એક સાધારણ સાધુને દંડવત્ પ્રણામ શા માટે કર્યાં?’
એ સમયે ભ્રામત્યના આ પ્રશ્નનો સમ્રાટ અશોકે કોઈ જ ઉત્તર ન આપ્યો. બે દિવસ પછી તેમણે ઘણાં જાનવરોનાં મહોરાં (ચહેરાની આકૃતિવાળું મુખોટું)ની સાથે એક સાધુ અને એક રાજાનું સુંદર મહોરું પણ લાવ્યા.
આ બધાં જ મહોરાં ભ્રામત્યને આપીને તેમણે કહ્યું કે, `ગામમાં જઈને આ બધાં જ મહોરાંને વેચી આવો. હું જાણવા માંગું છું કે પ્રજા કોને વધારે પસંદ કરે છે?’
ભ્રામત્ય આ મહોરાંઓને વેચવા માટે ગામમાં ગયા. સાધુનું મહોરું સૌથી પહેલાં વેચાઈ ગયું. પછી એક એક કરીને બધાં જ જાનવરોનાં મહોરાં પણ વેચાઈ ગયાં, પરંતુ રાજાનું મહોરું કોઈએ ન ખરીદ્યું. ભ્રામત્યએ તેને વેચવાના ઘણાં પ્રયત્નો કર્યા, પરંતુ તે ન વેચાતા થાકીને તેઓ પાછા ફર્યા.
સમ્રાટ અશોકે તેમને ફરીથી જવા માટે કહ્યું અને નિર્દેશ કર્યો કે આ મહોરું તેઓ કોઈકને મફતમાં આપી દે. ભ્રામત્ય ફરી ગયા અને ગામના લોકોને આ મહોરું મફતમાં આપવાનું જણાવ્યું છતાં ગામની દરેક વ્યક્તિએ તે મહોરું લેવાની ના પાડી. દરેક લોકોએ કહ્યું કે, `આ કચરાને લઈને અમે શું કરીશું?’ ભ્રામત્ય નવાઈ પામવાની સાથે ફરીથી પાછા ફર્યા. સમ્રાટને તેમણે બધી જ વાત કરી કે કેવી રીતે બધાંએ તે મહોરું લેવાની ના પાડી દીધી.
આ સાંભળી સમ્રાટ અશોકે કહ્યું, `ભ્રામત્યજી, હવે તો તમને તમારા પ્રશ્નનો ઉત્તર મળી જ ગયો હશે! સંત હંમેશાં પૂજનીય હોય છે, કારણ કે તેઓ મોહમાયાથી હંમેશાં દૂર રહે છે અને સમાજના હિત માટે વિચારે છે. એક રાજાનું મહત્ત્વ તો તાત્કાલિક હોય છે, પરંતુ સંતની કીર્તિ હંમેશાં જળવાઈ રહે છે. આથી મેં સંતને દંડવત્ પ્રણામ કર્યાં.’