સંત એકનાથજીનો જન્મ આશરે વિક્રમ સંવત 1510ની આસપાસ મહારાષ્ટ્રના પૈઠણમાં થયો હતો. તેમના પિતાનું નામ શ્રી સૂર્યનારાયણ તથા માતાનું નામ રુક્મિણી હતું. તેમના જન્મ પછી તરત જ તેમના પિતાનું અવસાન થયું. થોડા જ સમયમાં તેમનાં માતાનું પણ મૃત્યુ થયું, તેથી તેમના પિતામહ ચક્રપાણિ દ્વારા તેમનું લાલનપાલન થયું. એકનાથજી બાળપણથી જ ખૂબ બુદ્ધિશાળી હતા.
રામાયણ, પુરાણ, મહાભારત વગેરેનું જ્ઞાન તેમણે થોડા જ સમયમાં મેળવી લીધું.
તેમના ગુરુનું નામ શ્રી જનાર્દન સ્વામી હતું. ગુરુકૃપાથી થોડી જ સાધનામાં તેમને ભગવાન દત્તાત્રેયનાં દર્શન થયાં. એકનાથજીએ જોયું કે ગુરુ જ દત્તાત્રેય છે અને દત્તાત્રેય જ ગુરુ છે ત્યારબાદ તેમના ગુરુદેવે તેમને શ્રીકૃષ્ણોપાસનાની દીક્ષા આપીને શૂલભજ્જન પર્વત પર રહીને તપ કરવાની આજ્ઞા આપી. કઠોર તપસ્યા પૂરી કરીને તેઓ ગુરુઆશ્રમે પરત ફર્યા. ત્યારબાદ ગુરુની આજ્ઞા લઈ તેઓ તીર્થયાત્રાએ નીકળી પડ્યા. તીર્થયાત્રા પૂરી કરવા શ્રીએકનાથજી પોતાની જન્મભૂમિ પૈઠણ આવ્યા અને દાદા-દાદી તથા ગુરુના આદેશથી વિધિવત્ ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કર્યા.
તેમનાં પત્નીનું નામ ગિરિજાબાઈ હતું. તેઓ પતિપરાયણ અને આદર્શ ગૃહિણી હતાં. સંત એકનાથજીનું ગૃહસ્થ જીવન પણ સંયમી હતું. તેઓ દરરોજ કથા-કીર્તન કરતા હતા. કથા-કીર્તન પછી લોકો તેમને ત્યાં જ ભોજન કરતા. આમ, અન્નદાન અને જ્ઞાનદાનની સરવાણી વહેતી જ રહેતી. તેમના પરિવાર પર ઈશ્વરની કૃપા હંમેશાં વરસતી રહેતી હતી, તેથી અભાવ નામની કોઈ વસ્તુ તેમને ત્યાં નહોતી. સંત એકનાથજીમાં ક્ષમા, દયા, કરુણા વગેરે જેવા અનેક સદ્ગુણો હતા. તેમના જીવન દરમિયાન અનેક ચમત્કારિક ઘટનાઓ બની, જેનાથી તેમના દિવ્ય જીવનની જાણકારી મળે છે. પોતાના ગૃહસ્થ જીવન અને ઉપદેશો દ્વારા લોકોને આત્મકલ્યાણના પથના અનુગામી બનાવીને વિક્રમ સંવત 1656ની ફાગણ વદ છઠ્ઠના દિવસે સંત એકનાથજીએ પોતાની દેહલીલા સંકેરી લીધી. ત્યારથી આ દિવસ એકનાથ ષષ્ઠી (છઠ્ઠ) તરીકે ઓળખાવા લાગ્યો. તેમની રચનાઓમાં શ્રીમદ ભાગવત એકાદશ સ્કંધ, `મરાઠી ટીકા’, `રુક્મિણી સ્વયંવર’, `ભાવાર્થ-રામાયણ’ વગેરે મુખ્ય છે.
સ્વભાવથી ખૂબ જ સરળ અને પરોપકારી સંત એકનાથના મનમાં એક દિવસ વિચાર આવ્યો કે પ્રયાગ પહોંચીને ત્રિવેણીમાં સ્નાન કરે અને પછી ત્રિવેણીનું પવિત્ર જળ કાવડમાં ભરીને રામેશ્વરમ્માં ચઢાવે. તેમણે અન્ય સંતો સમક્ષ પોતાની ઈચ્છા વ્યક્ત કરી. બધાએ તેમની ઈચ્છાને માન આપીને સામૂહિક યાત્રા પર નીકળવાનો નિર્ણય લીધો. એકનાથજી બધા જ સંતો સાથે પ્રયાગ પહોંચ્યા. ત્યાં બધાએ સ્નાન કર્યું. ત્યારબાદ પોતપોતાની કાવડમાં ત્રિવેણીનું પવિત્ર જળ ભરી લીધું. પૂજાપાઠથી નિવૃત્ત થઈને સૌએ ભોજન કર્યું, પછી રામેશ્વરમ્્ની યાત્રા પર નીકળી ગયા. જ્યારે સંતોનો સમૂહ યાત્રાની મધ્યે જ પહોંચ્યો હતો કે રસ્તામાં પડેલું એક ગધેડું જોવા મળ્યું. તે ચાલી શકતું નહોતું, તેથી તરસને કારણે તરફડી રહ્યું હતું. બધા જ લોકોના મનમાં ગધેડા માટે દયા પ્રગટી, પરંતુ કાવડનું જળ તો રામેશ્વરમ્ માટે હતું, તેથી સંતોએ ગધેડાને પાણી ન આપ્યું. સંત એકનાથે એક પણ ક્ષણનો વિચાર કર્યા વગર કાવડમાંથી પાણી કાઢીને રસ્તામાં પડેલા તરસથી તરફડતા ગધેડાને પીવડાવી દીધું.
અનેક દિવસોની તરસ છિપાતાં ગધેડાને જાણે નવજીવન મળ્યું અને તે ઊભું થઈને ચાલવા લાગ્યું. બધા સંતોએ એકનાથજીને કહ્યું, `આ જળ તો રામેશ્વરમ્ જઈને શિવજીને ચઢાવવાનું હતું. હવે તમે તીર્થમાં જળ ચઢાવવાના પુણ્યથી વંચિત રહી જશો.’ ત્યારે સંત એકનાથે કહ્યું, `ઈશ્વર તો બધા જ જીવોમાં અને કણેકણમાં વસે છે. મેં મારા કાવડમાંથી એક તરસ્યા જીવને પાણી પીવડાવીને તેના પ્રાણોની રક્ષા કરી છે. આમ, મેં અહીં જ રામેશ્વરમ્ જઈને જળ ચઢાવવાનું પુણ્ય મેળવી લીધું છે.’
સંત એકનાથની ધીરજ
સંત એકનાથ એક દિવસ નદીસ્નાન કરીને પોતાના નિવાસસ્થાન તરફ પરત ફરી રહ્યા હતા. રસ્તામાં એક મોટા વૃક્ષ ઉપરથી કોઈએ તેમના પર કોગળો કર્યો.
સંત એકનાથે ઉપર જોયું તો એક વ્યક્તિ તેમના પર કોગળા કરી રહી હતી. તેઓ એક પણ શબ્દ બોલ્યા વગર ફરી નદીએ ગયા અને સ્નાન કર્યું. સ્નાન કરીને તેઓ પાછા ફર્યા. રસ્તામાં એ જ વૃક્ષ નીચેથી જ્યારે તેઓ પસાર થઈ રહ્યા હતા ત્યારે વૃક્ષ પર બેઠેલી પેલી વ્યક્તિએ તેમના પર ફરીથી કોગળો કર્યો, તેથી સંત એકનાથ સ્નાન કરવા પાછા નદીએ ગયા. આમ, વારંવાર સ્નાન કરીને તેઓ જ્યારે એ વૃક્ષ નીચેથી પસાર થયા ત્યારે તે વ્યક્તિ પણ વારંવાર તેમના પર કોગળો કરતી.
આ રીતે એક વાર નહીં, બે વાર નહીં, પણ 108 વાર એકનાથે નદીએ જઈને સ્નાન કર્યું અને જ્યારે વૃક્ષ નીચેથી પસાર થયા ત્યરો દુષ્ટ વ્યક્તિ પોતાની દુષ્ટતા બતાવતી, પરંતુ સંત એકનાથ પોતાના ધૈર્ય અને ક્ષમાશીલ સ્વભાવ પર અટલ રહ્યા. તેમણે એક પણ વાર તે વ્યક્તિને કંઈ ન કહ્યું. છેલ્લે તે દુષ્ટ વ્યક્તિનું હૃદય પીગળી ગયું અને તે મહાત્માનાં ચરણોમાં પડીને કહેવા લાગી, `મહારાજ, મારી દુષ્ટતા માફ કરો. મારા જેવા પાપીને તો નરકમાં પણ સ્થાન નહીં મળે. મેં તમને હેરાન-પરેશાન કરવામાં કોઈ કસર છોડી નથી, તેમ છતાં તમારી ધીરજ ન ખૂટી. મને માફ કરો.’
એકનાથે તે વ્યક્તિને ઊભી કરતાં કહ્યું, `તું ચિંતા ન કર. તેં કોઈ પાપ નથી કર્યું, પરંતુ ઊલટાની મારા પર મહેરબાન કરી છે. આજે મને તારા કારણે જ 108 વાર નદીસ્નાન કરવાનું સૌભાગ્ય મળ્યું. મારા ઉપર તારો ઘણો ઉપકાર છે.’
સંત એકનાથની વાત સાંભળીને તે વ્યક્તિની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યાં. – સુખદેવ આચાર્ય