દુનિયાના વ્યવહાર સાચવતો અને સાંસારિક જીવન જીવતો એક સાધારણ મનુષ્ય સંત કેવી રીતે બની જાય છે તે તુકારમના જીવનનનો અભ્યાસ કર્યા બાદ સમજાય છે. મનુષ્યમાં રહેલું સહજ સંવેદન જ્યારે વૈશ્વિક સંવેદન બનીને પરમ કક્ષાએ પહોંચે છે ત્યારે જ સંત શિરોમણીનું સ્થાન મળે છે.
સંત તુકારામનો જન્મ એક સાધારણ પરિવારમાં થયો હતો. તેમણે બાળપણનો લાડ-દુલાર પણ અનુભવ્યો હતો અને પરિવારજનોને રોગ અને ભૂખથી તડપીને મરતા પણ જોયા હતા. આ દ્વંદ્વભર્યા સંસારે જ તેમને એક અલગ જ આધ્યાત્મિક દૃષ્ટિબિંદુ આપ્યું, જે તેમને વિઠ્ઠલ સમીપ લઈ ગયું અને ભક્તકવિ બનાવી દીધા.
વિચારો, આચરણ અને વાણીનો અર્થપૂર્ણ તાલમેળ એટલે સંત તુકારામનું વ્યક્તિત્વ. તેમનું વ્યક્તિત્વ અને આચરણ જ તેમનો ઉપદેશ હતો, જે દરેક સાધારણ મનુષ્ય માટે પ્રેરણારૂપ બની ગયો.
જન્મ અને જીવન
સંત તુકારામનો જન્મ સન્ 1598માં મહારાષ્ટ્રના પૂના જિલ્લામાં આવેલા દેહુ ગામમાં થયો હતો. તેમનું બાળપણ માતા કનકાઈ અને પિતા બેહુબાના સાંનિધ્યમાં ખૂબ જ લાડકોડમાં વીત્યું. તેમનાં લગ્ન રૂખમાબાઈ સાથે કરવામાં આવ્યાં હતાં. જીવનના સુખદ દિવસો વિઠ્ઠલની ભક્તિ કરતા વીતતા હતા, પણ બધા જ દિવસો એકસરખા નથી હોતા. કાળ કાળનું કામ કર્યે જાય છે. તુકારામ માત્ર અઢાર વર્ષના હતા ત્યારે માતા-પિતાનો સ્વર્ગવાસ થઈ ગયો. આ દુ:ખમાંથી હજુ બહાર નહોતા આવ્યા ત્યાં તો એ સમયે કારમો દુષ્કાળ પડ્યો. લોકો ભૂખથી મરવા લાગ્યા. આ સમયે તુકારામની પત્ની પણ રોગ અને ભૂખથી પીડાઈને મોતને ભેટી.
આ સમય તુકારામ માટે કસોટીકાળસમો હતો. આ સમયે તુકારામનું ધૈર્ય ખૂટી ગયું હતું. માતા-પિતાએ સાથ છોડ્યો. જીવનસંગિની પણ મોતને ભેટી. આ બધું જ જોઈને તેમનું સંવેદનશીલ હૃદય ભાંગી પડ્યું હતું. તેમની આ બધી જ ઘટના બાદ જાત પરથી, જિંદગી પરથી અને ભગવાન પરથી વિશ્વાસ ઊઠી ગયો હતો. આ સમયે તેઓ જિંદગીથી હાર માની ગયા હતા. આ સમયે તેમને કોઈ સહારાની જરૂર હતી. લૌકિક સહારો તો આ સમયે તેમને સધિયારો આપી શકે તેવી સરળ પરિસ્થિતિ ન હતી. તે સમયે તેમને સંત પાંડુરંગ મળ્યા. આ સમયે તેમના કોઈ ગુરુ પણ નહોતા, તેથી તેમણે જીવનનો તમામ ભાર તેમનાં ચરણોમાં મૂકી દીધો અને વિઠ્ઠલની ભક્તિમાં તેમનું મન લીન કરી દીધું.
સમય જતાં તુકારામના બીજા વિવાહ જીજાબાઈ સાથે કરવામાં આવ્યા, જે અવલી નામે પણ ઓળખાતાં. અવલીને તુકારામનો ભક્તિપૂર્ણ સ્વભાવ અને દિવસ-રાત વિઠ્ઠલની ધૂનમાં રહેવું પસંદ ન હતું, તેથી તે વારંવાર તુકારામને મેણાં માર્યાં કરતી. બીજી પત્નીથી તુકારામને ત્રણ સંતાન થયાં. મહાદેવ, નારાયણ, વિઠ્ઠોબા. વિઠ્ઠોબા સૌથી નાનું સંતાન હતા. તેમાં તુકારામના બધા જ ગુણો ઊતરી આવ્યા હતા. તે પણ પિતા તુકારામની જેમ ભક્તિમાં લીન રહેતા.
સંતના સંતત્ત્વને ઘણીવાર દુન્યવી વ્યવહારમાં મસ્ત લોકો સમજી શકતા નથી, તેથી જ તેમના જીવનમાં સંઘર્ષો આવે છે. તુકારામના પણ ઘણા કટ્ટર વિરોધી હતા, પણ તુકારામની ક્ષમાશીલતાને લીધે તે પણ અંતે તેમના ભક્ત બની ગયા હતા. પરમાર્થના માર્ગને, તેમની ભક્તિને અને ધર્મભાવથી આલોકિત કરનાર તુકારામ ઈ.સ. 1650ની ફાગણ વદ બારસના દિવસે દેવલોક પામ્યા. જોકે, તેમના નિર્વાણ વર્ષ-તિથિને લઈને અનેક મતમતાંતર છે.
તુકારામની સાહિત્ય રચના
તુકારામ કર્મકાંડથી દૂર પ્રેમાધીન ભક્તિને પ્રાધાન્ય આપતા હતા. તેમનું વિઠ્ઠલ સાથેનું એવું તાદાત્મ્ય હતું કે તેઓ ભક્તકવિ બની ગયા. તેમણે રચેલાં ભક્તિપદો એટલાં ગહન અને હૃદયસ્પર્શી હતાં કે તેનો અંગ્રેજી ભાષામાં પણ અનુવાદ કરવામાં આવ્યો છે. તુકારામની મોટાભાગની રચના અભંગ છંદમાં જ છે. તેમના દરેક અભંગ સૂત્રબંધ છે. થોડા શબ્દોમાં મહાન અર્થને વ્યક્ત કરવાનું તેમનું કૌશલ્ય મરાઠી સાહિત્યમાં અદ્વિતીય છે, તેથી જ કદાચ તુકારામના આત્મનિષ્ઠ અભંગવાણી જનસાધારણને પણ પરમ પ્રિય લાગે છે. આ સિવાય તેમણે રૂપકાત્મક રચના પણ કરી છે. જે બધાં જ રૂપક કાવ્યની દૃષ્ટિએ ઉત્કૃષ્ટ છે. તેમની રચનામાં અલંકાર અને શબ્દ ચમત્કાર નથી, પણ તેમની દરેક રચના સાંભળનાર કે વાંચનારને સીધેસીધું હૃદયસ્થ થઈ જાય છે. તેમની રચનાની એક ખાસિયત હતી કે રચનાની અંતે તુકારામે એટલે કે તુકાએ કહેલું તેમ લખતા. તેમણે કુલ કેટલાં પદો રચ્યાં તેનો ઉલ્લેખ ઈતિહાસમાં નથી મળતો, પણ તેમનું પ્રકાશિત પુસ્તક ઈ.સ.18૭૩માં બહાર પડ્યું, જે પુસ્તકમાં ૪60૭ પદોને સંકલિત કરવામાં આવ્યાં છે. તુકારામ આપણી વચ્ચે નથી, પણ તેમણે લખેલાં ગીતો આજેય લોકોના હોઠે રમે છે. તેમની ભક્તિપ્રધાન રચના દ્વારા તેમણે મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલન ચલાવ્યું હતું.
વર્કરી સંપ્રદાયના પ્રણેતા
તેમનું એક અલગ જ આધ્યાત્મિક દૃષ્ટિબિંદુ હતું. તેઓ કર્મકાંડ ને પદાર્થ કરતાં સૂક્ષ્મભાવને ભક્તિમાં વધુ પ્રાધાન્ય આપતા હતા, તેથી તેમણે તેમના વિચારો અને ભક્તિ સાધનાની પ્રણાલી પ્રમાણે વર્કરી સંપ્રદાય બનાવ્યો. આ સંપ્રદાયનો ઉદ્દેશ મનુજને પરમાત્મા સાથે જોડવાની સાથે સામાજિક સેવા કરવાનો પણ હતો.- ઘનશ્યામ ગોસ્વામી