- 16થી 22 નવેમ્બર સુધી આયોજન
- હનુમાનજીનો શતામૃત મહોત્સવ
- 175 વર્ષ પૂર્ણ થતાં મોટું આયોજન
સાળંગપુરના કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં શતામૃત મહોત્સવ ઉજવાશે. મંદિરમાં ગોપાળાનંદ સ્વામી હનુમાનજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાને 175 વર્ષ પૂર્ણ થતા 1 હજારથી વધુ વીઘા જમીનમાં આ મહોત્સવનું આયોજન છે. જે 16 નવેમ્બરથી 22 નવેમ્બર દરમિયાન યોજાશે. આ માટે છેલ્લા છ મહિનાથી મંદિરના સંતો અને સ્વયંસેવકોની ટીમ દ્વારા કામ કરવામાં આવી રહ્યું હતું. શતામૃત મહોત્સવના ગ્રાઉન્ડમાં પ્રદર્શન વાટિકા, નિશુલ્ક ભોજનાલય, 108 યજ્ઞ કુંડ, ઉતારા, સભા મંડપ અને અખંડ ધૂન માટેનું કાર્ય બનાવવામાં આવેલા છે.
આ અંગે સુખદેવ સ્વામીએ જણાવ્યું હતું કે હનુમાન દાદાનો શતામૃત મહોત્સવ ઉજવી રહ્યાં છીએ. 108 યજ્ઞકુંડનું આયોજન છે. ઉપરાંત 1 લાખ લોકો એક સાથે જમી શકે એવા ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. 16 થી 22 નવેમ્બર સુધી શતામૃત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. હનુમાનજી મંદિરના 175 વર્ષ પૂર્ણ થવાનાં અવસરે સંતો દ્વારા 1 હજારથી વધુ વીઘા જમીનમાં ભવ્ય અને દિવ્ય શતામૃત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે. મહોત્સવ ગ્રાઉન્ડમાં દેશ-વિદેશનાં 15000 જેટલા સ્વયંસેવકોની ટીમ આવશે.
45વીઘા જમીનમાં સાંસ્કૃતિક પ્રદર્શનનું આયોજન છે. 18 ડોમમાં પ્રદર્શન બંગાળી કલાકારોએ બનાવેલ ભવ્ય પ્રવેશદ્વાર અંદર પ્રવેશતા સૌ પહેલા શ્રી કષ્ટભંજન દેવ વંદનાં સર્કલમાં 10 ફૂટ ઊંચી હનામાનજીની મૂર્તિનાં દર્શન થશે. પ્રદર્શનનાં જુદા-જુદા વિભાગોમાં સ્વામિનારાયણના ચરિત્ર સાથે દ્રશ્યમાન થતી લોક સંસ્કૃતિ, યુગો પુરાણી ભારતીય સંસ્કૃતિનાં મુખ્ય આધાર સ્તંભ અને મંદિરોની ગાથા વર્ણવતી ડોક્યુમેન્ટરી ફિલ્મ, નેચરલ ગુફાઓ, આર્ટ ગેલરી અને સેલ્ફી ઝોન, ભવ્ય લાઈટ એન્ડ સાઉન્ડ શો, વિભિન્ન ફાઉન્ટેન અને તળાવ, નાના-નાના ભૂલકાઓ માટે ભવ્ય આનંદ મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
ભવ્ય લાઈટ એન્ડ સાઉન્ડ શો યોજાશે. કિંગ ઓફ સાળંગપુરની મૂર્તિ પર હનુમાનજીનાં જીવન ચરિત્ર પર અલગ અલગ એનિમેસન સાથે લેસર શો દ્વારા ઈફેક્ટ આપી આખો એક શો તૈયાર કરાયો છે. હનુમાનજીએ બાળ અવસ્થામાં સૂર્યને ગળ્યો તે પણ એનિમેશન દ્વારા બતાવાશે. ગોપાળાનંદ સ્વામીએ સાળંગપુર હનુમાનજી મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા કરી તેને 175 વર્ષ પૂરા થયા તે પણ લાઈટ એન્ડ સાઉન્ડ શો માં દર્શાવાશે. 60 વીઘા જમીનમાં ઉતારા બનાવાયા છે. તેમજ કુલ 700 ટેન્ટ બનાવાયા છે. દરેક ટેન્ટમાં 12 બેડ છે. કુલ 8400 ભક્તો આરામથી રહી શકશે.
લોકો માટે 250 વીઘામાં પાર્કિંગની વ્યવસ્થા છે. 30 હજારથી વધુ ફોર વ્હીલ અને ટુ વ્હીલ પાર્કીંગની વ્યવસ્થા છે. લોકોની એન્ટ્રીની વ્યવસ્થા માટે બરવાળા, બોટાદ, લાઠીદળ, ગુંદા ગામ અને સાંચરિયા ગામ તરફથી આવતા લોકો માટે એન્ટ્રીની વ્યવસ્થા છે. તેમજ પાર્કિગમાં 9 ચેકપોસ્ટ છે. વીઆઈપી, વીવીઆઈપીનાં ત્રણ વિભાગ અને જનરલનાં 18 વિભાગ બનાવવામાં આવ્યા છે. જ્યારે પાર્કિગની વ્યવસ્થા મેનેજ કરવા માટે 1800 સ્વયંસેવકો ખડેપગે રહેશે. 1200 સ્વયંસેવકો ટ્રાફિક અને પાર્કિંગ ડિપાર્ટમેન્ટ સંભાળશે અને 600 સ્વયંસેવકો મંદિર, ભોજનશાળા, યજ્ઞશાળા અને પ્રદર્શનમાં સિક્યોરિટી તરીકે ખડેપગે રહેશે.
અહીં ભક્તો માટે જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. 10 વીઘાથી વધુ જગ્યામાં ભક્તોને જમવા માટે ભોજનાલય બન્યું છે. દરરોજ સાગમટે 1 લાખથી વધુ ભક્તો જમી શકે તેવી વ્યવસ્થા છે. મહોત્સવ ગ્રાઉન્ડની નજીક રસોડાની વ્યવસ્થા છે. રસોડા વિભાગમાં 10 હજારથી વધુ સ્વયં સેવકો ખડેપગે રહેશે. મહોત્સવ દરમ્યાન અંદાજે કુલ 40 લાખ જેટલા ભક્તોનાં ભોજનનો અંદાજ છે. આ કાર્યક્રમમાં લાખોની સંખ્યામાં લોકો દર્શનાર્થે આવનાર હોઈ મેડિકલ કેમ્પ પણ શરૂ કરવામાં આવશે. મેડિકલ માટે 10 હજાર સ્કવેર ફૂટમાં બે વિશાળ ડોમ બનાવવામાં આવશે. તેમજ 3 હાઈટેક આઈસીયુ બેડરૂમ, 10 બેડરૂમ કન્સલ્ટિંગ અને 15 બેડ બ્લડ ડોનેશન માટે તેમજ 10 દર્દીની ઓપીડી અને 30 દર્દીને એક સાથે સારવાર આપી શકાશે. મેડિકલ કેમ્પમાં 200 થી વધુ દરેક રોગનાં નિષ્ણાંત ર્ડાક્ટર 24 કલાક ખડેપગે રહેશે.


