મુંદરાથી યમન જનરલ કારગો લઈને જતા સલાયાના વહાણને મધદરિયે ખરાબ હવામાન નડતા જળસમાધિ લીધી છે અને વહાણના તમામ 9 ખલાસીઓને કોસ્ટગાર્ડ દ્વારા બચાવી લેવામાં આવ્યા છે.
સલાયાના મુસ્તાક અહમદ સુંભણીયાની માલિકીનું વહાણ જેનું નામ તાજદરએ હરમ છે. જેના રજિસ્ટ્રેશન નંબર BDI – 1322 છે. જે તા. 24.12નાં રોજ મુન્દ્રા પોર્ટ ઉપરથી જનરલ કાર્ગો ભરી સાંજે 5 વાગ્યે યમનનાં સોકોત્રા પોર્ટે જવા નીકળ્યું હતું. જેમાં ટંડેલ સહિત 9 ખલાસીઓ સવાર હતા. આ વહાણ મધદરિયે ખરાબ હવામાનના હિસાબે આગળ વધી શકતું નહતું.વહાણ અરબ સમુદ્ર પાર કરી ઓમાનનાં કિનારે પણ જઈ શકાય એમ ન હોય અને વહાણ તથા ખલાસીઓની જીદગી બચાવવા વહાણને ભારત તરફ્ પાછું લાવવા ટંડેલ દ્વારા પ્રયત્ન કરેલ જે દરમ્યાન વહાણનું એન્જિન ફેલ થઈ જતાં. વહાણ મધદરિયે ફ્સાઈ ગયેલ છે. ખૂબ મોટા પ્રમાણમાં મોજા અને ખરાબ હવામાનના લીધે આ વહાણમાં મોટા પ્રમાણમાં પાણી ભરાવવા લાગ્યું છે. જેથી સેટેલાઇટ ફોન વડે વહાણનાં ટંડેલે ઇન્ડીયન સૈલિંગ વેસલ્સ એશોશિયેશનનાં સેક્રેટરી આદમ ભાયાને જાણ કરતા, આદમ ભાયાએ તુરંત સબંધિત ખાતા તથા મેરિટાઇમ રેસ્કયુ કોર્ડીનેશન સેન્ટર મુંબઈને ઈમેલ દ્વારા જાણ કરી અને વહાણ તેમજ ખલાસીઓને બચાવવા મદદ માંગેલ હતી. હાલ આ સમાચાર સલાયામાં મળતા સલાયાવાસીઓમાં ચિંતાની લાગણી પ્રસરી છે.
આ વહાણમાં સલાયાના 7 ખલાસીઓ જેમાં આફ્તાબ અબ્દુલ સકુર કેર (ટંડેલ) , બાઉદિંન ઇસા મોદી, ફૈઝલ એલિયાસ કેર, હૈદરઅલી અબ્દુલ રહીમ કેર,ઇમરાન હારૂન સેતા,સલેમામદ ઉમર કેર,યાસીન મામદ સેતા સવાર છે. તેમજઇમરાન હુસેન જગતિયા (આરંભડા) તેમજ જૂનસ કાસમ કકલ (બેડી જામનગર) આમ કુલ 9 મેમ્બરો વહાણમાં સવાર છે. હાલ લખાઈ રહ્યું છે ત્યાં સુધીમાં વહાણ આખું ડૂબી ગયું છે અને ખલાસીઓને ઇન્ડીયન કોસ્ટ ગાર્ડ દ્વારા બચાવી લેવાયા છે એવા રિપોર્ટ મળી રહ્યા છે.