– ટુ વ્હીલર્સનું વેચાણ નરમ: ડીસે. કવાર્ટર્સ પ્રોત્સાહક રહેવા અપેક્ષા
Updated: Oct 17th, 2023
મુંબઈ : સપ્ટેમ્બરમાં દેશમાં ઉત્પાદન મથકોએથી ડીલરો ખાતે ઊતારૂ વાહનોની હોલસેલ રવાનગી વાર્ષિક ધોરણે ૧.૮૭ ટકા વધી ૩,૬૧,૭૧૭ વાહનો રહી હતી એમ સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેકચરર્સ (સિઅમ)ના આંકડા જણાવે છે. ટુ વ્હીલર્સની રવાનગીમાં ઘટાડો જોવા મળ્યો છે.
થ્રી વ્હીલર્સની રવાનગી પણ એક વર્ષમાં ૫૦૬૨૬ વાહનો પરથી વધી ૭૪૪૧૮ વાહનો રહી હતી.
દરેક પ્રકારના વાહનોની મળીને કુલ રવાનગી વધી ૨૧,૪૧,૨૦૮ વાહનો રહી હતી. ૨૦૨૨ના સપ્ટેમ્બરમાં આ આંક ૨૦,૯૩,૨૮૬ વાહનો રહ્યો હતો. સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં વાહનોનું એકંદર વેચાણ ૬૧,૧૬,૦૯૧ રહ્યું હતું.
વર્તમાન નાણાં વર્ષના સપ્ટેમ્બર ત્રિમાસિકમાં ટુ વ્હીલર્સની રવાનગીનો આંક વાર્ષિક ધોરણે સાધારણ ઘટી ૪૫,૯૮,૪૪૨ રહ્યો હતો જે ગયા વર્ષના આ ગાળામાં ૪૬,૭૩,૯૩૧ વાહનો રહ્યો હતો એમ પણ સિઅમના આંકડા જણાવે છે.
વર્તમાન નાણાં વર્ષના બીજા ત્રિમાસિક ગાળામાં ઊતારૂ વાહનો, થ્રી વ્હીલર્સ તથા કમર્સિઅલ વાહનોના વેચાણમાં વાર્ષિક ધોરણે વૃદ્ધિ જોવા મળી છે પરંતુ ટુ વ્હીલર્સના વેચાણમાં ઘટાડો થયો છે, એમ સિઅમના પ્રમુખ વિનોદ અગરવાલે એક નિવેદનમાં જણાવ્યું હતું.
ત્રીજો ત્રિમાસિક ગાળો તહેવારોથી ભરપૂર હોવાથી આ ગાળામાં વાહનોનો વેચાણ આંક પ્રોત્સાહક રહેવાની અપેક્ષા હોવાનું તેમણે જણાવ્યું હતું. દેશમાં સાનુકૂળ સરકારી નીતિઓ ઉપરાંત અર્થતંત્રના એકંદર વિકાસને પરિણામે વાહનોના વેચાણમાં વધારો જોવા મળી રહ્યો છે.