- દવાની ગુણવત્તા પર ભરોસો રાખીને જીવતા દર્દીઓ માટે મોટો આંચકો
- ગુજરાત સહિત દેશના ઘણા રાજ્યોમાં બનેલી 38 પ્રકારની દવાઓનાં સેમ્પલ પણ ફેલ
- 1,008 સેમ્પલમાંથી 930 દવાઓ ખરી સાબિત થઈ
સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઓર્ગેનાઇઝેશનની તપાસમાં હિમાચલપ્રદેશમાં 25 દવા ઉદ્યોગોમાં બનાવવામાં આવેલી 40 દવાઓ અને ઇન્જેક્શનની ગુણવત્તા સબ-સ્ટાન્ડર્ડ જોવા મળી હતી. જે દવાઓ ગુણવત્તાના ધોરણો પર પાસ થઈ શકી નથી તે દવાઓમાં અસ્થમા, તાવ, ડાબાબિટીસ, હાઇ બ્લડ પ્રેશર, એલર્જી, ઉધરસ, એન્ટિબાયોટિક, બ્રોંકાઇટિસ અને ગેસ્ટ્રિકના ઉપચારમાં ઉપયોગમાં લેવામાં આવતી દવાઓનો અને ઇન્જેક્શનોનો પણ સમાવેશ થાય છે.
આ ઉપરાંત કેલ્શિયમ સપ્લિમેન્ટ સહિત મલ્ટિવિટામિન પણ તપાસમાં ફેલ થયાં હતાં. વાસ્તવમાં સીડીએસસીઓએ ડિસેમ્બર મહિનામાં ડ્રગ એલર્ટ ઇશ્યૂ કર્યા હતાં તેમાં આ સ્પષ્ટતા કરવામાં આવી હતી. સબ-સ્ટાન્ડર્ડ હોવાનું પુરવાર થયેલી દવાઓનું ઉત્પાદન બદ્દી, બરોટીવાલા, નાલાગઢ, સોલન, કાલાઅંબ, પાવંટ સાહિબ, સંસારપુર ટેરેસ સ્થિત દવા ઉદ્યોગોમાં કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ઉત્તરાખંડ, ગુજરાત, પંજાબ, આંધ્રપ્રદેશ, ઉત્તરપ્રદેશ, મુંબઈ, તેલંગાણા, દિલ્હી સ્થિત દવા ઉદ્યોગોમાં બનાવવામાં આવેલી 38 પ્રકારની દવાઓના સેમ્પલ પણ ચકાસણી દરમિયાન ફેલ થયાં હતાં. ડ્રગ એલર્ટમાં સામેલ 25 દવા કંપનીઓ તપાસ હેઠળ છે, જેમાંની ઘણી કંપનીઓની દવાઓના સેમ્પલ્સ વારંવાર ફેલ થઈ રહ્યા છે.
1,008 સેમ્પલમાંથી 930 દવાઓ ખરી સાબિત થઈ
સીડીએસસીઓ દ્વારા બહાર પાડવામાં આવેલ ડ્રગ એલર્ટમાં સબ સ્ટાન્ડર્ડ જાહેર કરવામાં આવેલી દવાઓમાંથી 50 ટકા કરતાં વધારે દવાઓનું ઉત્પાદન હિમાલયની દવા કંપનીઓમાં થયું છે. નોંધનીય છે કે સીડીએસસીઓએ ડિસેમ્બર મહિનામાં દેશના અલગ અલગ રાજ્યોમાંથી 1,008 દવાઓના સેમ્પલ એકત્ર કર્યા હતાં. લેબોરેટરી ચકાસણી દરમિયાન તેમાના 78 દવાના સેમ્પલ સબ-સ્ટાન્ડર્ડ હોવાનું જણાયું હતું જ્યારે 930 દવાઓ ચકાસણીની એરણ પર ખરી ઊતરી હતી.


