- કરાચી કિંગ્સ માટે રમી રહ્યો છે શોએબ મલિક
- આ મેચ જોવા માટે સના જાવેદ પણ પહોંચી
- સોશિયલ મીડિયા પર એક વીડિયો થયો વાયરલ
પાકિસ્તાનના વરિષ્ઠ ક્રિકેટર શોએબ મલિકે તાજેતરમાં જ પાકિસ્તાની અભિનેત્રી સના જાવેદ સાથે લગ્ન કરીને સનસનાટી મચાવી દીધી હતી. શોએબ મલિકના આ ત્રીજા લગ્ન હતા, આ પહેલા તેણે ભારતની સ્ટાર ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા સાથે લગ્ન કર્યા હતા. સાનિયા મિર્ઝા અને શોએબ મલિકને એક પુત્ર પણ છે. શોએબ મલિકે જ્યારે નિકાહની તસવીરો શેર કરી ત્યારે સાનિયા મિર્ઝાના પરિવાર તરફથી એક નિવેદન આવ્યું કે સાનિયા મિર્ઝાએ શોએબ મલિકને છુટાછેડા આપ્યા છે.
મેચ જોવા પહોંચી સના જાવેદ
શોએબ મલિક પાકિસ્તાન સુપર લીગ (PSL) 2024 માં કરાચી કિંગ્સ માટે રમી રહ્યો છે અને 18 ફેબ્રુઆરીના રોજ કરાચી કિંગ્સ વિ મુલતાન સુલતાન્સ મેચ રમાઈ હતી. આ મેચ જોવા માટે સના જાવેદ પણ આવી હતી. સના જાવેદની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી, પરંતુ હવે એક UNSEEN વીડિયો પણ સામે આવ્યો છે.
લોકોએ લગાવ્યા નારા
સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે, જેમાં સના જાવેદ બેસીને મેચની મજા માણી રહી છે અને કેટલાક ફેન્સ તેને સાનિયા મિર્ઝા… સાનિયા મિર્ઝા… કહીને ચીડવી રહ્યા છે. જોકે, સનાએ આના પર પ્રતિક્રિયા આપવી યોગ્ય ન માન્યું. PSLમાં મુલ્તાન સુલ્તાન સામે કરાચી કિંગ્સનો 55 રને શરમજનક પરાજય થયો હતો. જોકે, શોએબ મલિકે શાનદાર બેટિંગ કરી અને કરાચી કિંગ્સ તરફથી સૌથી વધુ રન બનાવ્યા.
શોએબ મલિકનું શાનદાર પ્રદર્શન
શોએબ મલિકે 35 બોલમાં પાંચ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી કુલ 53 રન બનાવ્યા હતા. કેપ્ટન શાન મસૂદે 31 બોલમાં 30 રન બનાવ્યા હતા જ્યારે કેરોન પોલાર્ડે 29 બોલમાં 28 રન બનાવ્યા હતા. મુલ્તાન સુલ્તાન તરફથી રીઝા હેન્ડ્રિક્સે અણનમ 79 રનની ઇનિંગ રમી હતી જ્યારે ડેવિડ મલને 52 રનનું યોગદાન આપ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા મુલતાન સુલ્તાન્સે 20 ઓવરમાં બે વિકેટે 185 રન બનાવ્યા હતા, જેના જવાબમાં કરાચી કિંગ્સે 20 ઓવરમાં આઠ વિકેટે માત્ર 130 રન બનાવ્યા હતા.


