તુકારામનો જન્મ ઈ.સ.1608માં અને મૃત્યુ ઈ.સ.1649માં થયું હતું. (આ બાબતે અનેક મત પ્રવર્તે છે) જન્મસ્થળ હતું મહારાષ્ટ્રના પૂનાની ઉત્તરે આવેલી ઈન્દ્રાયણી નદીના કાંઠે વસેલું દેહૂગામ. તેમની પહેલી પત્ની બીમાર હોવાથી જીજાબાઈ સાથે બીજાં લગ્ન કર્યાં હતાં. તેમને ત્રણ સંતાન હતાં. સમય એકસરખો રહેતો નથી. તે ન્યાયે તુકારામના જીવનમાં પણ દુ:ખનાં વાદળો ઘેરાયાં. તેઓ સત્તર-અઢાર વર્ષના થયા ને માતા-પિતા તથા મોટાભાઈનાં પત્ની સ્વર્ગવાસી થયાં. મોટા ભાઈ તીર્થાટન કરવા ગયા તે પાછા જ ન ફર્યા. એટલે ઘરનો બધો કારભાર તુકારામ પર આવી પડ્યો. તેમનો વંશપરંપરાગત શાહુકારીનો ધંધો હતો. તેમણે દરિદ્રતાના સમયમાં પણ પોતાના ભાગમાં આવેલા ધીરેલા પૈસાના દસ્તાવેજોને ઈન્દ્રાયણી નદીમાં પથ્થર બાંધીને ડુબાડી દીધા હતા. કેવો ઉદાર સ્વભાવ! ભાંગી પડેલા તુકારામને કાવ્યના અભંગોએ પરમાર્થના રસ્તે વાળ્યા.
ધન્ય તોચિ પ્રાણિ ક્ષમા જ્યાયે
અંગી ન ભંગે પ્રસંગી ધૈર્યબલ
તે જ મનુષ્ય ધન્ય છે જેનામાં ક્ષમા છે અને કઠિન પ્રસંગે પણ જેનું ધૈર્યબળ ભાંગી પડતું નથી. બીજાની ભૂલો, તેમનો ક્રોધ, ઉદ્ધતાઈને જે માગ્યા વિના જ ક્ષમા આપી શકે તે માનવ જ સંત છે. તેઓ વિઠ્ઠલનાથની ખરા હૃદયથી ભક્તિ કરતા હતા. તેમની સાધુતાથી શિવાજી મહારાજ પણ પ્રભાવિત થયા હતા. તેઓ લોકોને કાવ્યાત્મક ઉપદેશ આપતા હતા. તેમના દ્વારા લેખિત અભંગોમાં કુળ, જાતિ, પરિવારની સ્થિતિ, સમાજની દુર્દશા, જાતિ-જાતિ વચ્ચેના ઝઘડા, ધૂર્તોની બોલબાલાનો ઉલ્લેખ જોવા મળે છે. સાથે સાથે સમાજની ઉન્નતિ, આત્મિક ઉન્નતિની લાગણી પણ તેમાં જોવા મળે છે. તેમનામાં પ્રભુભક્તિ અને કાવ્યનો અદ્ભુત સમન્વય હતો. તેમણે જે માનવતાનું સપનું જોયું તેને જીવી પણ બતાવ્યું હતું. દયા, સહિષ્ણુતા, ભક્તિ, આનંદ, આદર વગેરે જેમના સ્વભાવમાં સરળતાથી વણાયેલાં હતાં તેવા તુકારામે ક્રોધને પણ જીત્યો હતો. આ વાતનું સમર્થન કરતાં પ્રભુભક્તિમાં તરબોળ તુકારામના જીવનના કેટલાક પ્રેરક પ્રસંગો વિશે જાણીએ.
ઉદારતા, શાંતિનો પરિચય
તુકારામ એક દિવસ શેરડીના સાંઠા લેવા બજારમાં પહોંચ્યા. દસ શેરડીના સાંઠા ખરીદ્યા પછી તેઓ ઘરે પરત ફર્યા. રસ્તામાં કેટલાંક બાળકો રમતાં હતાં. તેમણે તુકારામને જોયા કે તરત જ તેમને ઘેરી વળ્યાં. નિર્દોષ બાળકો સાથે તુકારામ પણ નાના બની ગયા અને ઘેલા બની રમવા લાગ્યા. ભરપેટ રમી લીધું, વાતો કરી લીધી પછી તુકારામ ઘરે જવા ઊપડ્યા. તો બાળકોએ તેમની સામે હાથ લાંબો કર્યો. તેમનામાં તો `આ મારું છે તો કોઈને ન આપું’ તેવો ભાવ હતો નહીં. તેમણે તો દરેક બાળકને શેરડીનો એક-એક સાંઠો આપી દીધો. ઘરે પહોંચ્યા ત્યારે તુકારામ પાસે એક જ સાંઠો હતો.
બારણે તેમનાં પત્ની રાહ જોતાં ઊભાં હતાં. તેમણે તુકારામના હાથમાં શેરડીનો એક જ સાંઠો જોઈને તેમના સ્વભાવ પ્રમાણે બાકીના સાંઠા વહેંચી દીધા છે તેવું પામી ગયા. તુકારામ ઘર પાસે આવતાં જ તે તાડૂકી ઊઠ્યાં, તમે તો દાનેશ્વરી કર્ણની જેમ વર્તો છો. સંતે કશો જ જવાબ આપ્યા વિના સાંઠો પત્નીના હાથમાં મૂક્યો. તો તેમને વધુ ગુસ્સો આવ્યો `લઈ જાવ આને, બાકીના સાંઠા આપી દીધા તો આને પણ આપી જ દેવો હતોને? આને શું કરવા લાવ્યા છો?’ તેમ કહી સાંઠો પતિના બરડામાં એટલો જોરથી માર્યો કે સાંઠાના બે ટુકડા થઈ ગયા, પણ તુકારામ જેનું નામ મીઠું હાસ્ય વેરતા ઊભા રહ્યા. પછી બોલ્યા, `બરાબર છે, બરાબર છે. હું જાણતો હતો.’, `શું જાણતા હતા?’ પત્નીએ છણકો કર્યો.
તુકારામ બોલ્યા, `હું જાણતો હતો કે મને મૂકીને તું એકલી શેરડી નહીં ખાય. તું તો મારી અર્ધાંગના કહેવાય. મને અડધો ભાગ આપ્યા વિના તું ખાય ખરી? સાથે જ તેં અર્ધાંગનાનો ધર્મ નિભાવ્યો છે.’ આટલું કહી તેઓ શેરડી ચૂસવા લાગ્યા. પતિની ઉદારતા અને શાંતિને જોઈને તેમની પત્નીની આંખમાં આંસુ આવી ગયાં.
પ્રેમાળ હૃદયની ઝાંખી
સંત તુકારામની અક્રોધ સ્વભાવની વાતો ચારે તરફ ફેલાઈ હતી. ટીખળિયા સ્વભાવના કેટલાક લોકોએ વાતવાતમાં એવી શરત લગાવી કે જે માણસ તુકારામને ગુસ્સે કરે તેને ઈનામ મળે. આ ટોળામાં સામેલ એક વ્યક્તિએ આ બીડું ઝડપી લીધું. ભજન કરતાં તુકારામના ખોળામાં જઈને તે બેસી ગઈ. તુકારામે તો નાના બાળકને પંપાળતા હોય તેમ વહાલ કરવા લાગ્યા. પેલાએ બીજી યુક્તિ વિચારી. તુકારામની પત્નીની પીઠ પર તે ચડી બેઠો. તુકારામે આ જોઈને પોતાની પત્નીને કહ્યું, `આ પડી ન જાય તેનું ધ્યાન રાખજે!’ બીજી વાર પણ તે વ્યક્તિ નિષ્ફળ ગઈ. તે સમજી ગઈ કે જેણે ક્રોધ પર જબરદસ્તી નહીં, પણ સ્વભાવગત જ કાબૂ મેળવ્યો હોય તુકારામની સામે તેની કોઈ વિસાત નથી. સંત તુકારામ કહેતાં કે માનસિક શાંતિ મૃદુતા, દયાભાવ, શ્રદ્ધા, તીર્થસ્થાનોનાં દર્શન, પૂજા-પાઠ કે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી નહીં, પરંતુ મન-આત્મામાંથી મળે છે. તીર્થસ્થળોના આંટાફેરા ત્યારે જ સફળ થાય જ્યારે વ્યક્તિ તનથી જ નહીં મનથી પણ શુદ્ધ થતી હોય. આ વાતનો એક પ્રસંગ –
સ્વભાવ પર કાબૂ નહીં પરિવર્તન લાવો
તીર્થયાત્રાએ જઈ રહેલા કેટલાક ભક્તો સંત તુકારામને સાથે લઈ જવા તથા તેમના આશીર્વાદ લેવા આવ્યા. તુકારામે કહ્યું, `મારાથી તો અવાય તેમ નથી, પરંતુ આ મારી તૂંબડીને સાથે લઈ જાઓ. દરેક તીર્થક્ષેત્રમાં તેને સ્નાન કરાવજો’ ભક્તોએ એવું જ કર્યું. અનેક પવિત્ર સ્થળોએ યાત્રા કરીને પાછા આવ્યા અને તુકારામને તૂંબડી પાછી આપી. પછી તુકારામે તે જ તૂંબડીનું શાક બનાવીને ભક્તોને પીરસ્યું. ભક્તોએ શાક ચાખીને થૂંકી દેતાં કહ્યું કે આ તો ખૂબ કડવી છે. તુકારામે પૂછ્યું, `આટઆટલાં તીર્થસ્થાનોમાં આને સ્નાન કરાવ્યું તો પણ તે કડવીની કડવી કેમ રહી?’ ભક્તોએ જવાબ આપ્યો, `તેનો સ્વભાવ જ એવો છે. પછી તીર્થ શું કરે?’ તુકારામે કહ્યું, `ઠીક. ગમે તેટલી યાત્રા કરીએ પણ આપણો સ્વભાવ ન બદલીએ તો આપણે પણ તૂંબડી જેવા કડવા જ રહીએ.’
મૌન અને નમ્રતા સામે ક્રોધ પણ નમે છે
સંત તુકારામનાં ભજનો સાંભળવાં એક વ્યક્તિ રોજ આવે, પણ કાયમ તેમની નિંદા કર્યે રાખે. એક વાર તો તેમની સાથે લાગ જોઈને ઝઘડવા જ લાગી. બન્યું એવું હતું કે તુકારામની ભેંસ ચરતાં-ચરતાં તે વ્યક્તિના વાડામાં પેસી ગઈ હતી. ભેંસે થોડું ઘાસ ખાઈ લીધું છે તેવું ધ્યાનમાં આવતાં જ તે વ્યક્તિ તુકારામને ગમે તેવા અપશબ્દો બોલવા લાગી, પણ તુકારામ તો સામે એક શબ્દ બોલ્યા વિના મૌન જ રહ્યા. એટલે પેલી વ્યક્તિ ઉશ્કેરાઈને વધુ ઝઘડવા માંડી અને ગુસ્સામાં ને ગુસ્સામાં બાવળની શૂળ તુકારામની પીઠમાં ભોંકી દીધી. તુકારામે શૂળ કાઢતાં લોહીની નદી વહેવા લાગી.
પછી તો પેલી વ્યક્તિ જતી રહી અને સાંજ પડી. ભજનનો સમય થતા તુકારામ તો ભજન કરવા બેઠા. તેમણે જોયું બાકીના બધા તો હાજર હતા, પણ તેમની સાથે ઝઘડનાર વ્યક્તિ ગેરહાજર હતી. ભજન શરૂ કરવાના બદલે તુકારામ તે વ્યક્તિના ઘરે પહોંચ્યા. જઈને કહેવા લાગ્યા, `ભાઈ, મારી કંઈ ભૂલ થતી હોય તો તારી માફી માંગું છું, પણ મારી ભૂલના કારણે તું પ્રભુભજન ન સાંભળે તે તો કેવો ન્યાય?’ પેલી વ્યક્તિ શરમની મારી પાણી-પાણી થઈ ગઈ. તે ભજનમાં આવવા તૈયાર થઈ અને ભક્તિપૂર્વક ભજન કર્યાં. ભજન પત્યા પછી તે તુકારામના પગમાં પડી કહેવા લાગ્યો. `મને માફ કરશો. તમારા જેવા સંત અને ક્યારેય ક્રોધ ન કરનાર પર ગુસ્સો ઠાલવ્યો છે. તમારું મૌન અને નમ્રતાની જીત થઈ અને મારા ક્રોધની હાર’