- સંસદ પર હુમલાના દિવસે જ સંસદની સુરક્ષામાં મોટી ચૂક
- બે શખ્સોએ લોકસભામાં અને બે શખ્સોએ સંસદ પરિસરમાં કર્યું પ્રદર્શન
- સંસદ બહારથી પકડાયેલ મહિલા આરોપી નીલમ ને મુક્ત કરવા માંગ
સંસદની સુરક્ષામાં બુધવારે મોટી ચૂકનો મામલો પ્રકાશમાં આવ્યો જ્યારે ગૃહની કાર્યવાહી દરમિયાન ચેમ્બરમાં બે લોકો દર્શકોની ગેલેરીમાંથી કૂદી પડ્યા હતા. તપાસમાં બહાર આવ્યું છે કે આ ષડયંત્રમાં કુલ 6 લોકો સામેલ હતા. આમાંના બે લોકોએ ગૃહની અંદર હંગામો મચાવ્યો હતો બાદમાં બે શખ્સોએ ગૃહની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ ઉપરાંત, બે લોકો ફરાર હોવાનું કહેવાય છે. આ કેસમાં ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે.
ધરપકડ કરવામાં આવેલ 4 શખ્સોમાં એક મહિલા નીલમનો પણ સમાવેશ થાય છે. હવે, નીલમને મુક્ત કરવાની માંગ સાથે સંયુક્ત કિસાન મોરચો સામે આવ્યો છે. આ સંયુક્ત કિસાન મોરચાએ નીલમની મુક્તિ માટે માંગ કરતાં કહ્યું છે કે તે ખેડુતોના પ્રદર્શન સાથે જોડાયેલા છે.
ખેડૂત નેતાએ કહ્યું કે નીલમ અગાઉ ખેડૂત આંદોલન સાથે સંકળાયેલુ હતી. અમે તેની સાથે છીએ. તેમણે કહ્યું કે નીલમ બેરોજગારીથી પીડાઈ રહી છે એટલે તેણે સંસદ પર પ્રદર્શન કરવાનું પગલું લીધું હતું.
આ દરમિયાન, સંયુક્ત કિસાન મોરચાના સભ્ય અને ખેડૂત નેતા આઝાદ પલવા પણ નીલમના ઘરે પહોંચ્યા. નીલમની મુક્તિની માંગ કરતા તેમણે કહ્યું કે તેઓ આવતીકાલે આ સંદર્ભમાં સંયુક્ત કિસાન મોરચાની બેઠક પણ બોલાવી રહ્યા છે. તેમણે કહ્યું કે જો નીલમ ટૂંક સમયમાં મુક્ત કરવામાં નહીં આવે, તો એક મોટું એક્શન લેવામાં આવશે.
6 લોકો હતા ષડયંત્રમાં સામેલ
આ સમગ્ર ષડયંત્રમાં 6 લોકો સામેલ હોવાનું સામે આવ્યું છે. તેમાંથી, પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી લીધી છે, જ્યારે 2 આરોપીઓની શોધખોળ ચાલી રહી છે. કહેવાઈ રહ્યું છે કે આ તમામ આરોપી દિલ્હી બહારથી આવ્યા હતા, તેમાંથી 5 ગુરુગ્રામમાં એક જ જગ્યાએ રહ્યા હતા. આ આરોપી ગુરુગ્રામમાં લલિત ઝા નામના શખ્સના ઘરે રોકાયા હતા.
સંસદની સુરક્ષાનો ભંગ કરનાર 4 આરોપીઓને દિલ્હી પોલીસ સંસદ માર્ગ પોલીસ સ્ટેશન લઈ આવી છે. ત્યાં, એન્ટી-ટેરર યુનિટ સ્પેશિયલ અને ઇન્ટેલિજન્સ એજન્સીઓ તેમની પૂછપરછ કરી રહી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે સંસદની બહારથી પકડાયેલા નીલમ અને અમોલ પાસે મોબાઇલ ફોન નથી. તેમની પાસે કોઈપણ પ્રકારનું આઈડી કાર્ડ અને બેગ પણ મળ્યું નથી. બંનેએ કોઈપણ સંસ્થા સાથે સંકળાયેલા હોવાનો ઇનકાર કર્યો છે. તેમનો દાવો છે કે તે પોતાની મરજીથી સંસદમાં ગયા હતા.


