આકાશમાં સાત તારાઓનું એક મંડળ જોવા મળે છે, તેને સપ્તર્ષિઓનું મંડળ કહેવામાં આવે છે. આ મંડળના તારાઓનું નામ ભારતના સાત મહાન સંતો-ઋષિઓના આધારે રાખવામાં આવ્યું છે. વેદોમાં આ મંડળની સ્થિતિ, ગતિ, અંતર અને વિસ્તારનું વિસ્તૃત વર્ણન જોવા મળે છે. દરેક મન્વંતરમાં સાત-સાત ઋષિ થઈ ગયા. વૈવસ્વત મનુના કાળમાં જન્મેલા સાત મહાન ઋષિઓને જાણીએ
વેદોનું અધ્યયન કરતા જે સાત ઋષિઓ અથવા ઋષિકુળોનાં નામની જાણકારી મળે છે, તે છે વશિષ્ઠ, વિશ્વામિત્ર, કણ્વ, ભારદ્વાજ, અત્રિ, વામદેવ અને શૌનક.
પુરાણોમાં સપ્ત ઋષિઓનાં નામ પર વિવિધ નામાવલી જોવા મળે છે. વિષ્ણુ પુરાણ અનુસાર આ મન્વંતરના સપ્તઋષિ છે- વશિષ્ઠ, કશ્યપ, અત્રિ, જમદગ્નિ, ગૌતમ, વિશ્વામિત્ર અને ભારદ્વાજ.
આ સિવાય પુરાણોની અન્ય નામાવલી પ્રમાણે સપ્તઋષિઓ કેતુ, પુલહ, પુલત્સ્ય, અત્રિ, અંગિરા, વશિષ્ઠ અને મારીચિ છે.
મહાભારતમાં સપ્તર્ષિઓની બે નામાવલીઓ જોવા મળે છે. એક નામાવલીમાં કશ્યપ, અત્રિ, ભારદ્વાજ, વિશ્વામિત્ર, ગૌતમ, જમદગ્નિ અને વશિષ્ઠનું નામ જોવા મળે છે, તો બીજી નામાવલીમાં પાંચ નામ બદલાઈ જાય છે. કશ્યપથી વશિષ્ઠ એમ જ રહે છે, ત્યારપછીના બાકીના મરીચિ, અંગિરસ, પુલત્સ્ય, પુલહ અને કેતુ. કેટલાંક પુરાણોમાં કશ્યપ અને મરીચિને એક માનવામાં આવ્યા છે તો ક્યાંક કશ્યપ અને કણ્વને પર્યાયવાચી માનવામાં આવ્યા છે. વૈદિક નામાવલી અનુસાર સપ્તર્ષિઓને જાણીએ.
સમગ્ર જગત સપ્તર્ષિઓનું ઋણી છે
ઋષિ વશિષ્ઠના કહેવા પર દશરથ રાજાએ પોતાના ચારે પુત્રોને ઋષિ વિશ્વામિત્રની સાથે આશ્રમમાં રાક્ષસોનો વધ કરવા માટે મોકલ્યા હતા
વશિષ્ઠ
રાજા દશરથના કુલગુરુ ઋષિ વશિષ્ઠને કોણ નથી ઓળખતું! તેઓ રાજા દશરથના ચારે પુત્રોના ગુરુ પણ હતા. ઋષિ વશિષ્ઠના કહેવા પર દશરથ રાજાએ પોતાના ચારે પુત્રોને ઋષિ વિશ્વામિત્રની સાથે આશ્રમમાં રાક્ષસોનો વધ કરવા માટે મોકલ્યા હતા. કામધેનુ ગાય માટે વશિષ્ઠ અને વિશ્વામિત્ર વચ્ચે યુદ્ધ થયું હતું. વશિષ્ઠે રાજસત્તા પર અંકુશનો વિચાર આપ્યો તો તેમના જ કુળના મૈત્રાવરુણ વશિષ્ઠે સરસ્વતી નદીના કિનારે સો સૂક્ત એકસાથે રચીને નવો ઇતિહાસ બનાવ્યો.
વિશ્વામિત્ર
ઋષિ બન્યા તે પહેલાં વિશ્વામિત્ર રાજા હતા અને ઋષિ વશિષ્ઠ પાસેથી કામધેનુ ગાયને મેળવવા માટે તેમણે યુદ્ધ કર્યું હતું, પરંતુ તેઓ હારી ગયા હતા. તેમની આ જ હારે તેમને કઠોર તપસ્યા કરવા માટે પ્રેરિત કર્યા. વિશ્વામિત્રની તપસ્યા અને મેનકા દ્વારા તેમની તપસ્યાભંગ કરવાની કથા જગપ્રસિદ્ધ છે. વિશ્વામિત્રએ પોતાની તપસ્યાના બળે ત્રિશંકુને સશરીર સ્વર્ગ મોકલ્યા હતા. આ રીતે ઋષિ વિશ્વામિત્ર સાથે અનેક કિસ્સાઓ જોડાયેલા છે. એવું માનવામાં આવે છે કે હરિદ્વારમાં આજે જ્યાં શાંતિકુંજ છે તે જ સ્થાન પર વિશ્વામિત્રએ કઠોર તપસ્યા કરીને, ઈન્દ્રથી રુષ્ઠ થઈને એક અલગ જ સ્વર્ગની રચના કરી હતી. વિશ્વામિત્રએ આ દેશને ઋચા બનાવવાની વિદ્યા આપી અને ગાયત્રી મંત્રની રચના કરી, જે ભારતના હૃદયમાં અને જીભ પર હજારો વર્ષોથી આજ સુધી અનવરત નિવાસ કરી રહ્યો છે.
કણ્વ
એવું માનવામાં આવે છે કે આ દેશમાં સૌથી મહત્ત્વપૂર્ણ યજ્ઞ એવા સોમયજ્ઞને કણ્વે સારી રીતે કર્યો. કણ્વ વૈદિક કાળના ઋષિ હતા. તેમના જ આશ્રમમાં હસ્તિનાપુરના રાજા દુષ્યંતની પત્ની શકુંતલા તથા તેમના પુત્ર ભરતનું પાલન-પોષણ થયું હતું.
ભારદ્વાજ
વૈદિક ઋષિઓમાં ભારદ્વાજ ઋષિનું મહત્ત્વનું સ્થાન છે. ભારદ્વાજના પિતા બૃહસ્પતિ અને માતા મમતા હતાં. ભારદ્વાજ ઋષિ ભગવાન રામ પહેલાં થયા હતા, પરંતુ એક ઉલ્લેખ અનુસાર તેમના લાંબા આયુષ્યની જાણકારી મળે છે કે વનવાસના સમયે શ્રીરામ તેમના આશ્રમમાં ગયા હતા, જે ઐતિહાસિક દૃષ્ટિએ ત્રેતા-દ્વાપર યુગનો સંધિકાળ હતો. એવું માનવામાં આવે છે કે ભારદ્વાજોમાંથી એક ભારદ્વાજ વિદથે દુષ્યંતપુત્ર ભરતના ઉત્તરાધિકારી બનીને રાજકાજ કરતાં કરતાં મંત્રોની રચના ચાલુ રાખી હતી. ઋષિ ભારદ્વાજના પુત્રોમાં 10 ઋષિ ઋગ્વેદના મંત્રદૃષ્ટા હતા અને એક પુત્રી જેનું નામ `રાત્રિ’ હતું, તેને રાત્રિ સૂક્તની મંત્રદૃષ્ટા માનવામાં આવે છે. ઋગ્વેદના છઠ્ઠા મંડળના દૃષ્ટા ભારદ્વાજ ઋષિ છે. આ મંડળમાં ભારદ્વાજના 765 મંત્ર છે. અથર્વવેદમાં પણ ભારદ્વાજના 23 મંત્ર જોવા મળે છે. `ભારદ્વાજ-સ્મૃતિ’ તથા `ભારદ્વાજ-સંહિતા’ના રચનાકાર પણ ઋષિ ભારદ્વાજ જ હતા. ઋષિ ભારદ્વાજે `યંત્ર-સર્વસ્વ’ નામના એક ગ્રંથની રચના કરી હતી. આ ગ્રંથનો કેટલોક ભાગ સ્વામી બ્રહ્મમુનિએ `વિમાનશાસ્ત્ર’ના નામથી પ્રકાશિત કરાવ્યો હતો. આ ગ્રંથમાં ઉચ્ચ અને નિમ્ન સ્તર પર વિચરવાવાળાં વિમાનો માટે વિવિધ ધાતુઓના નિર્માણનું વર્ણન જોવા મળે છે.
અત્રિ
ઋગ્વેદના પાંચમા મંડળના દૃષ્ટા મહર્ષિ અત્રિ બ્રહ્માના પુત્ર, સોમના પિતા અને કર્દમ પ્રજાપતિ તથા દેવહુતિની પુત્રી અનસૂયાના પતિ હતા. એક વાર જ્યારે અત્રિ ઋષિ બહાર ગયા હતા ત્યારે ત્રિદેવ અનસૂયાના ઘરે બ્રાહ્મણના વેષમાં ભિક્ષા માંગવા ગયા અને અનસૂયાજીને કહ્યું કે જ્યારે તમે સંપૂર્ણ નિર્વસ્ત્ર બનીને ભિક્ષા આપશો ત્યારે જ અમે ભિક્ષાનો સ્વીકાર કરીશું, તેથી માતા અનસૂયાજીએ પોતાના સતીત્વના બળે એ ત્રણે દેવોને નાના શિશુ બનાવી દીધા અને ભિક્ષા પણ આપી. માતા અનસૂયાએ દેવી સીતાને પતિવ્રતનો ઉપદેશ પણ આપ્યો હતો. અત્રિ ઋષિએ આપણા દેશના કૃષિવિકાસમાં પૃથુ અને ઋષભની જેમ જ યોગદાન આપ્યું છે. અત્રિ ઋષિ સિંધુ પાર કરીને પારસ (આજનું ઈરાન) ચાલ્યા ગયા હતા, જ્યાં તેમણે યજ્ઞનો પ્રચાર કર્યો હતો. અત્રિ ઋષિનો આશ્રમ ચિત્રકૂટમાં હતો. એવી માન્યતા છે કે અત્રિ દંપતીની તપસ્યા અને ત્રિદેવોની પ્રસન્નતાના ફળસ્વરૂપ ભગવાન વિષ્ણુના અંશથી મહાયોગી દત્તાત્રેય, બ્રહ્માજીના અંશથી ચંદ્રમા તથા ભગવાન શંકરના અંશથી મહામુનિ દુર્વાસા મહર્ષિએ તેમને ત્યાં પુત્રરૂપે જન્મ લીધો. ઋષિ અત્રિ પર અશ્વિનીકુમારોની પણ ઘણી કૃપા હતી.
વામદેવ
વામદેવે આપણા દેશને સામગાન (અર્થાત્ સંગીત) આપ્યું હતું. વામદેવ ઋગ્વેદના ચોથા મંડળના સૂતદૃષ્ટા, ગૌતમ ઋષિના પુત્ર તથા જન્મયત્રીના તત્ત્વવેત્તા માનવામાં આવે છે.
શૌનક
શૌનકે દસ હજાર વિદ્યાર્થીના ગુરુકુળને ચલાવીને કુલપતિનું વિલક્ષણ સન્માન મેળવ્યું હતું અને કોઈ પણ ઋષિએ આવું સન્માન પહેલી વાર મેળવ્યું હતું.
વશિષ્ઠ, વિશ્વામિત્ર, કણ્વ, ભારદ્વાજ, અત્રિ, વામદેવ અને શૌનક આ સાત ઋષિઓ જેમણે આપણા દેશને એટલું બધું આપી દીધું કે કૃતજ્ઞ દેશવાસીઓએ તેમને આકાશના તારામંડળમાં બેસાડીને એક એવું અમરત્વ પ્રદાન કર્યું. સપ્તર્ષિ શબ્દ સાંભળતાની સાથે જ આપણી કલ્પનામાં આકાશમાં ટમટમતાં સાત તારાઓનો સમૂહ તરતરવા લાગે છે.