- વરસાદથી નદીના પાણી કોઝવે પર ફરી વળ્યા
- સાપુતારાના આંબાપાડા માર્ગ પર ટેમ્પો તણાયો
- ટેમ્પામાં સવાર ડ્રાઈવર-ક્લિનરનો આબાદ બચાવ
હવામાન વિભાગની આગાહી વચ્ચે ડાંગ જિલ્લામાં 3 દિવસના વિરામ બાદ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ડાંગ જિલ્લાના આહવા, સુબિર અને વધઈ તાલુકામાં સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.
ડાંગના ગિરિમથક સાપુતારામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. સાપુતારામાં વરસાદના કારણે અંબિકા નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે. ચીખલદા, સુસરદા, આંબાપાડા લો લેવલના બ્રિજ પર પાણી ફરી વળ્યા છે. તેમજ ગીરાધોધ પણ રૌદ્ર સ્વરુપમાં જોવા મળી રહ્યું છે.
એક દિવસમાં 172 તાલુકામાં વરસાદ
છેલ્લા એક દિવસમાં રાજ્યના 172 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વલસાડના વાપીમાં 7 ઈંચ વરસાદ પડ્યો છે. વલસાડના કપરાડામાં 6.5 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. પારડીમાં 4.5 ઈંચ જેટલો વરસાદ અને ધરમપુરમાં 4 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જ્યારે ઉમરગામમાં 3.9 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. તેમજ 9 તાલુકામાં 2 ઈંચથી વધારે વરસાદ પડ્યો છે. આ ઉપરાંત 20 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે.
અંબિકા નદીમાં પૂરની સ્થિતિ
નવસારી અને ડાંગમાં પણ ત્રણ દિવસ બાદ સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. સાપુતારમાં ગઈકાલે રાત્રે 3 ઈંચ વરસાદ પડતાં અંબિકા નદીમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. અંબિકા નદી પર બનેલા ચીખલડા, સુસરડા અને આંબાપાડામાં નીચાણવાળા પુલ પર પૂરની અસર જોવા મળી રહી છે. સ્થાનિકો પોતાનો જીવ જોખમમાં મૂકીને અહીં નદી પાર કરતા જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત પ્રવાસીઓમાં ફેવરિટ ગીરા ધોધ આજે તેના ઉગ્ર સ્વરૂપમાં જોવા મળ્યો હતો. પ્રવાસીઓને ધોધની નજીક જવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. કુરેલને જોડતો રસ્તો, ડાંગ જિલ્લાના ઉગાચીચપાડથી આંબાપરાને જોડતા રોડ પર ટેમ્પો પાણીના પ્રવાહમાં ફસાઈ ગયો હતો. સ્થાનિક ગ્રામજનોએ નદીમાં ફસાયેલા ટેમ્પોના ડ્રાઈવર અને ક્લીનર બંનેનો જીવ બચાવ્યો હતો.



