- મંગળવાર અને શનિવાર ખાસ હનુમાનજીનો દિવસ ગણાય છે
- બોટાદના સાળંગપુર ખાતે આવેલુ છે કષ્ટભંજનદેવનું મંદિર
- વહેલી સવારથી ભકતો દાદાના દર્શન કરવા માટે પહોચ્યાં
બોટાદ જિલ્લાનું સાળંગપુરધામ કે જયા કષ્ટભંજનદેવ સાક્ષાત બિરાજમાન છે,આમ પણ ચાલુ દિવસે પણ હજારો ભકતો દાદાના દર્શનાર્થે આવતા હોય છે,ત્યારે આજે શનિવારના દિવસે વહેલી સવારથી દાદાના ભકતો દર્શનાર્થે પહોચ્યાં હતા.તો શનિવારે પહેલી આરતી સવારે 5.30 કલાકે કરવામાં આવે છે,શનિવારે દાદાના દર્શનનુ આગવું મહત્વ રહેલુ છે તેવી વર્ષોથી માન્યતા છે.દાદાના દર્શને લોકો ફકત ગુજરાતમાંથી નહી પણ ભારતમાંથી આવે છે.
દાદાને કરાય છે શણગાર
દર શનિવારે અને મંગળવારે દાદાને ખાસ શણગાર કરવામાં આવતો હોય છે,સવાર અને સાંજ અલગ-અલગ શણગાર કરવામાં આવે છે.ત્યારે આજે દાદાને એકદમ સાદો શણગાર કરવામાં આવ્યો છે,દર વખતે ફૂલો,ચોકલેટો,ફળો એમ અલગ- અલગ શણગાર કરવામાં આવતા હોય છે.કોઈ તહેવાર નજીક આવતો હોય તો તે તહેવારને લગતી થીમ પર પણ શણગાર કરવામાં આવે છે.
દાદાની જયંતિ પર ઉજવાશે ભવ્ય મહોત્સવ
સાળંગપુર હનુમાન મંદિરે હનુમાન જયંતી નિમિત્તે આગામી આગામી તા. 21મીથી 23મી એપ્રિલ દરમિયાન ભવ્ય હનુમાન જન્મોત્સવનું આયોજન કરાયું છે. આ વખતે સૌપ્રથમવાર સાળંગપુર હનુમાનજી મંદિર પરિસરમાં 54 ફૂટ ઊંચી કિંગ ઓફ્ સાળંગપુરની મૂર્તિ પર 5 હજાર કિલો પુષ્પની વર્ષા કરાશે. આ ઉપરાંત ત્રણ દિવસ દરમિયાન મારુતિ યજ્ઞ, બર્થ ડે સેલિબ્રેશન, મહા અન્નક્ષેત્ર તેમજ મહાઆરતી સહિતના કાર્યક્રમ યોજાશે. સાળંગપુર હનુમાનજી મંદિરના કોઠારી વિવેકસાગરદાસ સ્વામીના વધુમાં જણાવ્યા મુજબ સાળંગપુરધામના આ મહામહોત્સવમાં વિશેષ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. સાળંગપુરમાં આગામી તા. 21મી એપ્રિલને રવિવારે શ્રી કષ્ટભંજનદેવનું 555 કિલો પુષ્પ દ્વારા ભવ્ય રાજોપચાર પૂજન સાંજે 4.00 કલાકે કરાશે. રાજોપચાર માટે પાંચ પ્રકારના પુષ્પો વડોદરાથી મંગાવવામાં આવ્યા છે. તા. 22મીને સોમવારે 54 ફૂટ ઊંચી હનુમાનજીની કિંગ ઓફ્ સાળંગપુરની મૂર્તિ પર 5000 કિલો પુષ્પનો અભિષેક સાંજે 4 કલાકે કરાશે.

જાણો 23 એપ્રિલ 2024ના પ્રસંગો
જ્યારે તા. 23મીને શ્રી હનુમાન જયંતીના દિવસે મંગળા આરતી સવારે 5 વાગ્યે, શણગાર આરતી અને બર્થ-ડે સેલિબ્રેશન સવારે 7 વાગ્યે કરાશે. આ દરમિયાન સમૂહ મારુતિ યજ્ઞ યોજાશે. જેમાં 500થી વધુ લોકો ભાગ લેશે. હનુમાન જયંતીના દિવસે 5 હજાર કિલો ફૂલથી સમગ્ર મંદિર શણગારાશે. તેમજ સાંજે 7 વાગ્યે મહાસંધ્યા આરતીનું આયોજન કરાયું છે. જેમાં દાદાને સંતો અને ભક્તો દ્વારા સમૂહમાં મહાઆરતી કરાશે.


