- ચાલુ ક્લાસે વોશરૂમ જવા મંજૂરી માંગતા શિક્ષક ગુસ્સે થયા
- વિદ્યાર્થીને દુખાવો થતા માતા-પિતાએ પૂછતા સમગ્ર હકીકત જણાવી
- પિતાએ શિક્ષક સામે શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી
સરસપુરમાં આવેલ સરસ્વતિ સ્કુલના શિક્ષકે ઘોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને ઢોર માર માર્યો હતો. જેમાં વિદ્યાર્થીએ ચાલુ ક્લાસે વોશરૂમ જવા મંજૂરી માંગતા શિક્ષકે ઉશ્કેરાઇને માર મારવા લાગ્યો હતો. જે બાદ વિદ્યાર્થી રડતો રડતો ઘરે આવ્યો હતો અને દુખાવો થતા માતા-પિતાએ પૂછતા સમગ્ર હકીકત જણાવી હતી. આ અંગે પિતાએ શિક્ષક સામે શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.
રખિયાલમાં રહેતા 42 વર્ષીય યુવક તેના બે પુત્રો સાથે રહે છે અને રિક્ષા ડ્રાઇવિંગ કરે છે. જેમાં તેમનો 15 વર્ષીય નાનો પુત્ર સરસપુરમાં આવેલ સરસ્વતી સ્કૂલમાં ઘોરણ 10માં અભ્યાસ કરે છે. ગુરૂવારે બપોરના સમયે તેમનો સગીર પુત્ર રડતા રડતા ઘરે આવ્યો હતો. જેથી માતાએ તેને પૂછતા તેને કહ્યુ કે બહુ દુખાવો થાય છે. ત્યારબાદ સગીરે સમગ્ર હકીકત જણાવતા કહ્યુ કે સ્કુલમાં ઉમાકાંત સુતરિયા સરનો ક્લાસ ચાલુ હતો ત્યારે વોશરૂમ જવુ હોવાથી મે સર પાસે મંજૂરી માંગી હતી. જેથી શિક્ષક સુતરિયાએ ઉશ્કેરાઇને વિધાર્થીને મારવા લાગ્યા હતા. જેમાં સગીરને શરીરના અને ગુપ્તાંગ પર દુખાવો થવા લાગ્યો હતો. જેથી માતાએ તેને સારવારઅર્થે હોસ્પિટલમાં લઇને ગયા હતા. બાદમાં સગીરની માતાએ તેના પિતાને સમગ્ર હકીકત જણાવી હતી. આ અંગે પિતાએ શિક્ષક ઉમાંકાંત સુતરિયા સામે શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.


